Site icon Revoi.in

યાત્રાધામ અંબાજીના વિકાસ માટે અંદાજે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન

Social Share

અંબાજીઃ અરવલ્લીની પર્વતમાળાનું આધ્યાત્મિક કેન્દ્રબિંદુ એટલે  અંબાજી માતા મંદિર. ગુજરાત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં જાણીતાં તથા કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનાં પ્રતીક અંબાજી યાત્રાધામ ખાતે ભાદરવી પૂનમના મેળા સહિત તમામ પૂનમે અને લગભગ આખું વર્ષ પણ લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે. વડાપ્રધાન  નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં તેમજ મુખ્મયંત્રી  ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આ યાત્રાધામનો બહુમુખી વિકાસ થતો રહ્યો છે અને રાજ્ય સરકાર હવે અંબાજી યાત્રાધામને મૉડેલ ટેમ્પલ ટાઉનના બેન્ચમાર્ક તરીકે વિકસાવવા માંગે છે. તેના માટે રાજ્ય સરકારે રૂ. 1632 કરોડનો મેગા માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે. મુખ્યમંત્રીની આ માસ્ટર પ્લાનના અમલીકરણ પર સીધી દેખરેખ રાખી રહ્યાં છે, તો રાજ્યકક્ષાના ગૃહ મંત્રી  હર્ષ સંઘવીએ પણ તાજેતરમાં માસ્ટર પ્લાનના અમલીકરણ અંગે મહત્વની બેઠક કરી છે.

વડાપ્રધાન  નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં, ત્યારે તેમણે પણ અંબાજીના વિકાસ માટે અનેક સફળ પ્રયાસો હાથ ધર્યા હતાં.  નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા બાદ ‘વિકાસ ભી, વિરાસત ભી’નો મંત્ર આપી સમગ્ર દેશના આસ્થા કેન્દ્રોનુ અભૂતપૂર્વ વિકાસ અભિયાન ચલાવ્યું છે. વડાપ્રધાનના આ જ મંત્રને આગળ ધપાવતાં મુખ્યમંત્રી  ભૂપેન્દ્ર પટેલ પણ રાજ્યના તમામ યાત્રાધામોને શ્રદ્ધાળુઓ માટે આધ્યાત્મિક અનુભૂતિનું કેન્દ્ર બનાવવા માટે અનેક પગલાં ભરી રહ્યાં છે.

તદ્અનુસાર; રાજ્ય સરકારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં અરવલ્લી પર્વતમાળા વચ્ચે આવેલા  અંબાજી માતા મંદિર પરિસરને આગામી 50 વર્ષની જરૂરિયાતોને ધ્યાનમાં રાખી આ માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે કે જે બે તબક્કામાં લાગુ થશે. પહેલા તબક્કાનું કામ આગામી ટુંક સમયમાં શરૂ થઈ જશે. માસ્ટર પ્લાન હેઠળ સમગ્ર અંબાજી

યાત્રાધામની વિવિધ જરૂરિયાતોનો સમાવેશ અને સંકલન કરવામાં આવ્યો છે. આ માસ્ટર પ્લાનનો હેતુ પવિત્ર સ્થળોને એકીકૃત કરીને અને યાત્રાળુઓની સુવિધાઓમાં સુધારો કરીને યાત્રાધામો માટે નવું ધોરણ (બેન્ચમાર્ક) સ્થાપિત કરવાનો છે.

રાજ્ય સરકારના પ્રવાસન વિભાગ અંતર્ગત કાર્યરત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ આ સમગ્ર માસ્ટર પ્લાન પર કાર્ય કરી રહ્યું છે. માસ્ટર પ્લાનના કેન્દ્રમાં ગબ્બર પર્વત છે કે જ્યાં દેવી સતીનું હૃદય હોવાનું માનવામાં આવે છે અને અંબાજી માતાનું મંદિર કે જે વિશા યંત્રનું સ્થાન છે. આ માસ્ટર પ્લાન આધ્યાત્મિક રીતે આ બંને પવિત્ર સ્થળોના એકીકરણની કલ્પના કરે છે કે જેના હેઠળ આ બંને તીર્થસ્થળોને ભવ્ય અને દિવ્ય રીતે જોડવામાં આવશે અને અંબાજી મંદિર અને ગબ્બર પર આવેલી જ્યોત વચ્ચેની યાત્રાને વધુ આધ્યાત્મિક બનાવવા માટે એક ઇન્ટરએક્ટિવ કૉરિડોરનું નિર્માણ કરવામાં આવશે

માસ્ટર પ્લાન હેઠળ વધુ ઉન્નત બનશે અંબાજી યાત્રાધામ પરિસર

ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ તરફથી મળતી માહિતી પ્રમાણે અંબાજી મંદિર પરિસર માટે એક કોમ્પ્રિહેન્સિવ અને સસ્ટેનેબલ માસ્ટર પ્લાન તૈયાર કરાયો છે કે જે પર્યાવરણીય જવાબદારીને પ્રાથમિકતા આપે છે અને 50 વર્ષીય વિઝન સાથે સંરેખિત છે. આ માસ્ટર પ્લાન હાલની સુવિધાઓને રિડેવલપ તથા યાત્રાળુના આગમન અનુભવને એક યાદગાર યાત્રા બનાવશે. માતા સતીનું હૃદય સ્થળ એટલે કે ગબ્બર ખાતે ‘જ્યોત’ અને અંબાજી મંદિર ખાતે ‘વિશા યંત્ર’ જેવા મુખ્ય દિવ્ય સ્થળો વચ્ચે સુવ્યવસ્થિત, સુરક્ષિત અને સુલભ જોડાણ સુનિશ્ચિત કરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે. ચાચર ચોક અને ગબ્બર મંદિર પરિસર જેવા મહત્વના વિસ્તારોમાં વિષય આધારિત વિકાસ કરાશે કે જે યાત્રાળુઓના દર્શન અનુભવને વધુ સમૃદ્ધ બનાવશે.

શક્તિ કૉરિડોર સહિત અનેક નવી સુવિધાઓ ઉમેરાશે

અંબાજી નગરની આધ્યાત્મિક મહત્તા અને સુંદરતાને વધુ ઊંચાઈ આપનાર અને વૈશ્વિક ધોરણના આધ્યાત્મિક વિકાસ માટે નવો માળખાકીય માપદંડ સ્થાપિત કરનાર આ માસ્ટર પ્લાન પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ રૂ. 1632 કરોડ છે કે જે બે તબક્કાઓમાં અમલમાં મૂકાશે. પ્રથમ તબક્કામાં અંદાજે રૂ. 950 કરોડના ખર્ચે વિવિધ વિકાસ કાર્યો હાથ ધરાશે. પ્રથમ તબક્કાની કામગીરી ટુંક સમયમાં શરૂ થઈ જશે કે જેના હેઠળ મુખ્ય આકર્ષણ છે અંબાજી મંદિર અને ગબ્બરને જોડતાં શક્તિ કૉરિડોરનું નિર્માણ. આ શક્તિ કોરિડોર એક મુખ્ય આકર્ષણ છે, જે ગબ્બર પર્વત, મંદિર અને માનસરોવરને જોડતું કોમ્પ્રિહેન્સિવ નેટવર્ક હશે. શક્તિપથ દ્વારા એક વિશાળ શક્તિ ચોક જે ગબ્બર દર્શન ચોક સાથે જોડશે.

આ ઉપરાંત; તેમાં દેવી સતી સંબંધિત પૌરાણિક કથાઓને સમાવીને અંબાજી મંદિરના વિસ્તારનું વિસ્તરણ, મંદિર તરફ અંડરપાસ, આગમન માટે અંબાજી ચોકનો વિકાસ, પગપાળા માર્ગ દ્વારા મુખ્ય માર્ગનું સંચાલન અને મલ્ટી લેવલ કાર પાર્કિંગ તથા યાત્રી ભવન, દિવ્ય દર્શન પ્લાઝા અને શક્તિ પથ, સતી ઘાટ વિસ્તાર વિકાસ તથા ગબ્બર આગમન પ્લાઝા (લાઇટ એન્ડ સાઉન્ડ શો)નો સમાવેશ થાય છે. બીજા તબક્કામાં અંદાજે રૂ. 682 કરોડના ખર્ચે ગબ્બર મંદિર અને પરિસર વિકાસ, અંબાજી મંદિર અને માનસરોવરના વિસ્તાર વિકાસ તથા સતી સરોવર વિકાસ કાર્યો કરાશે.

ચાચર ચોકનું વિસ્તરણગેલેરી જેવા આકર્ષણો

માસ્ટર પ્લાન હેઠળ યાત્રાળુઓના સુરક્ષિત અને સરળ પ્રવાહને સુનિશ્ચિત કરવાની સાથે તેમની સુવિધાઓ વધારવામાં આવશે. ચાચર ચોકનું વિકાસ ત્રણ ગણુ વિસ્તરણ કરાશે. આ શક્તિ કોરિડોરમાં ગબ્બર પર્વત સાથે જોડાતી ગેલેરીઓ, પ્રદર્શન સ્થળો અને પૌરાણિક વાર્તાઓ દર્શાવતા ભીંતચિત્રો યાત્રાળુઓને ભાવનાત્મક રીતે જોડશે. સતી સરોવર અને સતી ઘાટ વિસ્તારમાં તહેવારો અને મેળાઓ માટે ઇવેન્ટ પ્લાઝા અને ગરબા મેદાન વિકસાવામાં આવશે. ગબ્બર પર્વત પર માસ્ટર પ્લાનમાં મંદિરના સંકુલનો વિસ્તાર, પરિક્રમા માર્ગ, રોપવે તથા દર્શનાર્થીઓની ભીડને સંકલન કરવામાં આવશે.