Site icon Revoi.in

ગુજરાતમાં મેઘમહેરઃ અમરેલી, ભાવનગર, સુરત, તાપી, અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં મેઘરાજાએ સર્વત્ર મહેર વરસાવી છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સારો વરસાદ નોંધાયો છે. રવિવાર સવારથી જ રાજ્યના અનેક જિલ્લાઓમાં મેઘમહેર જોવા મળી હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે હાલમાં ત્રણ સક્રિય સિસ્ટમ્સને કારણે રાજ્યમાં વરસાદી માહોલ જામ્યો છે. આ સાથે જ, માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવાની ચેતવણી પણ આપવામાં આવી છે.

હવામાન વિભાગે આગામી 10મી જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. આજે, 7મી જુલાઈના રોજ, વેધર મેપ પ્રમાણે અમરેલી, ભાવનગર, સુરત, તાપી, અને ડાંગ જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જ્યાં અતિભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત, નવસારી અને વલસાડ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ સાથે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

આઠમી જુલાઈના રોજની આગાહી મુજબ, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં યલો એલર્ટ જારી કરાયું છે. જોકે, આ દિવસે કોઈ પણ જગ્યાએ અતિભારે વરસાદની ચેતવણી આપવામાં આવી નથી. રાજ્યના અન્ય કોઈ જિલ્લામાં હાલ કોઈ ખાસ ચેતવણી જારી કરાઈ નથી.

રાજ્ય સરકાર અને સ્થાનિક તંત્ર દ્વારા વરસાદની પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂરી પગલાં લેવાઈ રહ્યા છે. નાગરિકોને પણ વરસાદ દરમિયાન સાવચેતી રાખવા અને તંત્ર દ્વારા અપાતી સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.