Site icon Revoi.in

મેઘરાજા વિદાય લેવાનું નામ લેતા નથી, દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં આ વખતે મેઘરાજાએ વધુ મુકામ કર્યો છે. અને વિદાય લેવાનું નામ લેતા નથી. આજે સવારે 6 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન 46 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં ભાવનગરના મહુવામાં ત્રણ ઈંચથી વધુ વરસાદ પડ્યો હતો. જોકે આજે દિવસ દરમિયાન બપોર સુધીમાં કોઈપણ સ્થળે વરસાદ પડ્યાના વાવડ મળ્યા નથી. દરમિયાન હવામાન વિભાગે  આગામી 6 દિવસ એટલે કે, તા. 13 ઓક્ટોબર સુધી રાજ્યના વિવિધ ભાગોમાં છૂટાછવાયા હળવા વરસાદની આગાહી કરી છે.  જેમાં આગામી 48 કલાક દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે.

હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના કહેવા મુજબ અરબી સાગરમાં સર્જાયેલુ  શક્તિ વાવાઝોડું ડિપ્રેશનમાં ફેરવાયું છે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે વરસાદ ચાલુ રહેશે. આજથી બે દિવસ દક્ષિણ ગુજરાતના વલસાડ, વાપી, તાપી, ડાંગ અને સુરતમાં ભારે વરસાદની આગાહી કરી છે. વલસાડમાં ગઈકાલે મંગળવારે  2થી 6 વાગ્યા દરમિયાન 1 ઈંચથી વધુ અને વાપીમાં અડધા ઈંચથી વધુ વરસાદ નોંધાયો હતો. તાપી જિલ્લાના વ્યારા, બાજીપુરા, વાલોડ, ડોલવણ અને નેશનલ હાઈવે-56 પર ધીમીધારે વરસાદ પડ્યો હતો,  દરિયાકાંઠે DC-1 સિગ્નલ લાગેલુ છે અને ચોમાસું 3-4 દિવસમાં વિદાય લઈ શકે છે.

દક્ષિણ ગુજરાતમાં તાજેતરમાં પડેલા કમોસમી વરસાદ ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે. ડાંગર અને અન્ય ઊભા પાકને નુકસાનની ભીતિએ ખેડૂતોમાં નિરાશા ફેલાઈ છે. સૌરાષ્ટ્રમાં  ચોટીલા, ઉના અને મહુવામાં ભારે વરસાદે ખેતરોમાં પાણી ભરાયા છે. જેનાથી પાકની ગુણવત્તા અને ઉત્પાદન પર અસર પડી શકે છે.