Site icon Revoi.in

ગીર સોમનાથના અતિવૃષ્ટ્રિગ્રસ્ત વિસ્તારની મુલાકાત લેતા મંત્રીઓ મોઢવાડિયા અને વાજા

Social Share

વેરાવળઃ ગીર સોમનાથમાં વરસાદની સ્થિતિને અનુલક્ષીને વન અને પર્યાવરણ મંત્રી  અર્જુન મોઢવાડિયા અને સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રી  ડૉ.પ્રદ્યુમન વાજાએ વિવિધ ગ્રામ્ય વિસ્તારના ખેતરોની મુલાકાત લીધી હતી અને ખેડૂતો સાથે બેઠક યોજી નુકસાની અંગેનો ચિતાર મેળવ્યો હતો.

મંત્રીઓએ તાત્કાલિક અસરથી જિલ્લામાં પહોંચીને જિલ્લાના સૂત્રાપાડા અને કોડિનાર તાલુકાના પણાદર, પીપળી, છારા, કડોદરા, આલીદર, ડોળાસા સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની પ્રત્યક્ષ મુલાકાત લઈ સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ખેડૂતો સાથે સંવાદ સાધી ખેતરમાં થયેલા નુકસાન અંગે વિગતવાર માહિતી મેળવી હતી.

ગોઠણ સમર પાણીમાં કાદવ-કીચડ વચ્ચે પણ ખેતરમાં જઈ મંત્રીઓએ પલળેલી મગફળી હાથમાં લઈ નીરિક્ષણ કરી વાતાવરણમાં આવેલા પલટાથી થયેલાં નુકસાનની પરિસ્થિતિ અંગેનો ચિતાર મેળવ્યો હતો.

ખેડૂતોએ મંત્રીઓ સમક્ષ ગીર સોમનાથ જિલ્લામાં મગફળીનું ઉત્પાદન, કમોસમી વરસાદને કારણે ઊભી થયેલી પરિસ્થિતિને અનુલક્ષી ઝડપથી સર્વે કરવા, આર્થિક સહાય આપવા તેમજ સત્વરે ખેડૂતલક્ષી પેકેજ જાહેર થાય તે માટેની રજૂઆતો કરી હતી. મંત્રીઓએ ખેડૂતો વતી સરકારમાં રજૂઆત કરી અને અસરગ્રસ્ત ખેતીનો તાત્કાલિક ધોરણે સર્વે થાય એ દિશામાં કામગીરી કરવા માટે ખાતરી આપી હતી.