કોંગોના કોલવેઝી એરપોર્ટ પર એક ભયાનક દુર્ઘટના બની, જેમાં દેશના મંત્રી અને ટોચના અધિકારીઓને લઈને જતું વિમાન લેન્ડિંગ દરમિયાન આગના ગોળામાં ફેરવાઈ ગયું હતું. આ ઘટના નો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાઈરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ પ્રમાણે, દુર્ઘટનાગ્રસ્ત વિમાનમાં કોંગોના ખનન મંત્રી લુઈસ વાટમ કાબામ્બા તથા અન્ય ઉચ્ચ અધિકારીઓનું પ્રતિનિધિમંડળ સવાર હતું. આ ઉડાન એરજેટ અંગોલા દ્વારા સંચાલિત હતી અને ઉડાન માટે ઉપયોગમાં લેવાયેલું વિમાન એમ્બ્રેયર ERJ-145LR (D2-AJB) હતું. વિમાને કિંશાસાથી લુઆલાબા પ્રાંતના કોલવેઝી માટે ઉડાન ભરી હતી. રનવે 29 પર લેન્ડિંગ દરમિયાન વિમાન અચાનક રનવે પરથી ઉતરી ગયું અને પાછળના ભાગે આગ લાગી ગઈ. થોડી જ વારમાં આગે સમગ્ર વિમાનને ઘેરી લીધું હતું.
ખનન મંત્રીએના સંચાર સલાહકાર ઈસાક ન્યેમ્બોએ પુષ્ટિ કરી કે વિમાન રનવે પરથી ઉતરી જવાથી આ દુર્ઘટના બની હતી. જોકે, સદભાગ્યે કોઈપણ મુસાફર કે ક્રૂ સભ્યને ઈજા થઈ નથી. સમયસર બચાવ કામગીરીથી તમામને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાને કારણે વિમાન સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે. દુર્ઘટનાના ચોક્કસ કારણોની તપાસ ચાલી રહી છે. માહિતી મુજબ, મંત્રી કોલવેઝી પાસે આવેલી કાલોન્ડો ખાણની મુલાકાત લેવાના હતા, જ્યાં 15 નવેમ્બરે ભારે વરસાદને કારણે પુલ તૂટી પડ્યો હતો અને ડઝનબંધ શ્રમિકોના મૃત્યુ થયાં હતાં.

