- વડોદરા રેલવે સ્ટેશન પરથી પોલીસે કિશોરને ચોરી કરતા પકડ્યો,
- આરોપી પાસેથી 14000નો મુદ્દામાલ મળ્યો,
- રિઢા ગુનેગારો પ્રવાસીઓનો માલ સામાન ચોરવા માટે બાળકોનો કરતા ઉપયોગ
વડોદરાઃ ટ્રેનોમાં પ્રવાસીઓના માલ-સામાનની ચોરીના બનાવો વધાતો રેલવે પોલીસે વોચ ગોઠવી હતી. ત્યારે વડોદરા રેલવે સ્ટેશન પર એક કિશોરની હિલચાલ શંકાસ્પદ લાગતા પોલીસે તેને રોકીને પૂછતાછ કરતા જવાબ આપી શક્યો નહતો અને ગભરાયેલો હતો. આથી પોલીસે તેની તલાશી લેતા 14000ની કિંમતનો ચોરીનો મુદ્દામાલ મળી આવ્યો હતો. ગોધરા તેમજ સુરતમાં ટ્રેનોમાં થયેલી ચોરીના ગુનામાં રેલ્વે પોલીસે એક કિશોરની ધરપકડ કરી હતી.
આ બનાવની વિગતો એવી છે કે, વડોદરા રેલવે સ્ટેશન ઉપર રેલવે એલસીબીનો સ્ટાફ શંકાસ્પદ પ્રવાસીઓ પર વોચ રાખી રહ્યો હતો તે દરમિયાન દક્ષિણ છેડા તરફથી આશરે 16 વર્ષનો એક કિશોર આવતા પોલીસે તેને રોક્યો હતો. તેની શંકાસ્પદ હરકતોના કારણે તેની પાસેનો સામાન ચેક કરતા તેની પાસેથી ચોરીનો રૂ.14,000 કિંમતનો મુદ્દામાલ મળ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેને કબુલાત કરી હતી કે ગોધરામાં તેના સાગરીતો સાથે મળીને પ્રવાસીઓનો સામાન તફડાવ્યો હતો. આ અંગે ગોધરામાં બે ગુના પણ દાખલ થયા છે. બંને સાગરીતોના નામ ગોધરાના સિંગલ ફળિયામાં મિમ મસ્જિદ પાસે રહેતા યાસીન ઉર્ફે ભાણો જમાલભાઈ શેખ અને હુસેન સલીમ શેખ જાણવા મળ્યું હતું. બાદમાં પોલીસે યાસીન ઉર્ફે ભાણાની પણ ધરપકડ કરી હતી તપાસ દરમિયાન એવું જાણવા મળ્યું હતું કે સુરતમાં પણ એક રેલવે પ્રવાસીનો મોબાઇલ તફડાવ્યો હતો. રેલવે પોલીસે આ બનાવમાં વધુ તપાસ હાથ ધરી છે.