મિસાઈલ હુમલો, F-15E ક્રેશ, ગુમ થયેલો પાઈલટ અને 48 કલાકનું રોમાંચક રેસ્ક્યુ મિશન
- દુશ્મનની ભૂમિમાં ફસાયેલા પાઈલટને બચાવવાની સૌથી જોખમી CSAR મિશનની દિલધડક વિજ્ઞાન ગાથા
ઈરાનમાં થોડા દિવસ પહેલા ભજવાઈ ગયેલી રુંવાડા ઊભા કરી દે તેવી આ યુદ્ધ કથા છે. શુક્રવારની સાંજ હતી. સૂર્ય આસ્ત થતો હતો અને તેના છેલ્લા કિરણો આકાશને લાલ રંગે રંગી રહ્યા હતા. સંધ્યા ખીલી હતી. એ જ સમયે આકાશમાં ગર્જના સાથે આગળ વધી રહ્યું હતું અમેરિકાનું અદ્યતન F-15E સ્ટ્રાઈક ઈગલ યુદ્ધવિમાન. તેની ગતિ Mach 2.5 સુધી એટલે કે અવાજની ગતિથી દોઢ ગણાથી વધુ એટલે કે કલાકના 2,980 કીલોમીટર હતી. મૅક નંબર (Mach Number) એ એક સરળ પરંતુ મહત્ત્વપૂર્ણ વૈજ્ઞાનિક માપ(એકમ) છે. તેના દ્વારા જાણી શકાય છે કે કોઈ વસ્તુ (જેમ કે વિમાન) અવાજની ગતિની સરખામણીએ કેટલી ઝડપે ચાલી રહી છે. આ સંકલ્પનાનું નામ વિજ્ઞાની Ernst Mach પરથી રાખવામાં આવ્યું છે. સરળ ભાષામાં સમજીએ તો મૅક નંબર = વસ્તુની ગતિ ÷ અવાજની ગતિ. આ વિમાનમાં રહેલા ટ્વિન ટર્બોફેન એન્જિન, લેસર-ગાઈડેડ હથિયારો અને “Fly-by-Wire” જેવી આધુનિક સિસ્ટમ તેની આકાશના રાજા તરીકેની ઓળખ છે. પાઈલટના દરેક નિયંત્રણ ઇલેક્ટ્રોનિક સિગ્નલ્સ દ્વારા સંચાલિત થતા હોવાથી તે અત્યંત ઝડપી અને પ્રતિસાદક્ષમ હતું.
વેપન્સ સિસ્ટમ્સ ઓફિસર
આ એક લડાકુ વિમાન છે. તેમાં બે વ્યક્તિઓ હોય છે. એક પાયલટ પોતે. પોતાના વિમાનનો પીછો કરતા દુશ્મનના વિમાનો અને મિસાઈલને ચકમો આપીને છટકી જવાની એનામાં કુશળતા હોય છે. આ વિમાનનું કામ દુશ્મનના દેશમાં જઈને બોમ્બાર્ડિંગ કરવાનું અથવા મિસાઈલો છોડીને વિનાશ વેરવાનું હોય છે. આ બંને કામ તે એકલો કરી શકતો નથી તેથી તેની સાથે એક બીજો વ્યક્તિ હોય છે. તેને વેપન્સ સિસ્ટમ્સ ઓફિસર કહેવામાં આવે છે. Weapons Systems Officer (WSO) જેને અમેરિકાની દેશી ભાષામાં “વિઝ્ઝો (Wizzo)” પણ કહેવામાં આવે છે, એ એક વિશેષ તાલીમ લીધેલો એરફોર્સ અધિકારી હોય છે. તે વિમાનના હથિયાર, સેન્સર અને ઇલેક્ટ્રોનિક સિસ્ટમ્સને સંચાલિત કરે છે. ખાસ કરીને બે સીટવાળા ફાઈટર જેટ્સમાં પાઈલટની પાછળની સીટમાં બેઠેલો હોય છે. પાઈલટનું મુખ્ય કામ વિમાન ઉડાવવાનું હોય છે, જ્યારે WSO આખા મિશનને સંભાળે છે.

WSOનું સૌથી મહત્ત્વનું કામ “Weapons Management” છે. તે દુશ્મનના ટાર્ગેટને શોધે છે, ટ્રેક કરે છે અને યોગ્ય હથિયાર પસંદ કરીને તેને હુમલો કરે છે. ભલે તે હવામાં હોય (air-to-air) કે જમીન પર (air-to-ground). તે વિમાનના અદ્યતન રડાર, ઈન્ફ્રારેડ અને કેમેરા સિસ્ટમ્સને પણ સંચાલિત કરે છે, જેથી આસપાસની પરિસ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી મળી રહે. આને “Situational Awareness” કહેવામાં આવે છે, જે યુદ્ધ દરમિયાન અત્યંત જરૂરી છે. WSO નેવિગેશન અને ટાર્ગેટિંગમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તે ઈલેક્ટ્રોનિક “moving maps” અને અદ્યતન સેન્સર્સનો ઉપયોગ કરીને વિમાનને ચોક્કસ સ્થાન સુધી પહોંચાડે છે અને ટાર્ગેટને સચોટ રીતે લૉક કરે છે. આ ઉપરાંત, તે “Electronic Warfare” પણ સંભાળે છે. દુશ્મનના રડાર અને મિસાઈલ સિસ્ટમ્સને શોધીને તેમને જામ (jam) કરે છે, જેથી વિમાન સુરક્ષિત રહી શકે.
ઘણા મિશનમાં WSO “Mission Commander” તરીકે પણ કામ કરે છે. તે જમીન પરનાં દળો સાથે (જેમ કે Joint Terminal Attack Controllers) સંપર્ક રાખે છે અને સમગ્ર ઓપરેશનનું સંકલન કરે છે. WSOને વિમાન ઉડાવવાની તાલીમ આપવામાં આવે છે. ઇમરજન્સી પરિસ્થિતિમાં તે પોતાની સીટમાંથી flight stick અને throttle દ્વારા વિમાન નિયંત્રિત કરી શકે છે. WSO માત્ર ફાઈટર જેટ્સમાં જ નહીં, પરંતુ અન્ય વિમાનો અને ડ્રોન્સમાં પણ કાર્ય કરે છે, જેમ કે RC-135, Poseidon MRA1 અને Reaper drones. કેટલાક સંદર્ભોમાં તેમને “Weapon System Branch” નો ભાગ પણ માનવામાં આવે છે. ટૂંકમાં, WSO એ એવો નિષ્ણાત છે જે અદ્યતન ટેક્નોલોજી, હથિયાર અને માહિતીનો ઉપયોગ કરીને મિશનને સફળ બનાવે છે.
અને ઈરાને મિસાઈલ તાકી દીધી હતી
વિમાન પુરપાટ વેગથી આગળ ધસી રહ્યું હતું. પાયલટ અને વેપન્સ સિસ્ટમ્સ ઓફિસર પોતાનું મિશન કઈ રીતે પૂરું કરવું એની ચર્ચા એકબીજા સાથે કરી રહ્યા હતા. ખૂબ જ થોડા સમયમાં તે ઈરાનના હવાઈ ક્ષેત્ર (કોહગિલુયેહ અને બોયર-અહમદ પ્રાંત નજીક) પહોંચી ગયું. નકશામાં તેનું સ્થાન જાણવા મળશે. પણ અચાનક કોકપિટમાં એલાર્મ ગૂંજ્યો “WARNING! MISSILE LOCK!” ઈરાનની જમીન પરથી Surface-to-Air મિસાઈલ દાગવામાં આવી હતી, જે “Phased Array Radar” દ્વારા માર્ગદર્શન મેળવી રહી હતી. હજારો નાના એન્ટેનાથી તરંગોની દિશા બદલતી આ ટેક્નોલોજી ટાર્ગેટને અદભૂત ચોકસાઈથી ટ્રેક કરી શકે છે. મિસાઈલની ગતિ Mach 3થી વધુ હતી એટલે કે લગભગ 3700 કિમી પ્રતિ કલાક. હવે સમય સેકન્ડોમાં મપાતો હતો. વિમાનની ઝડપ અને મિસાઈલની ઝડપ જોતા પાયલટને ખ્યાલ આવી ગયો કે મારું વિમાન વિંધાઈ જવાનું છે. એટલે બીજો કોઈ નિર્ણય લેતા પહેલા “ડોગ ફાઇટ” સ્ટાઈલમાં વિમાન ઉડાડવાનું ચાલુ કર્યું. વિમાનને મિસાઈલથી બચાવવા માટે અથવા તો મિસાઈલને મિસ ફાયર કરવા માટે આ પ્રાથમિક તબક્કો છે. પરંતુ તે સચોટ નથી. ગાઇડેડ મિસાઈલ વિમાનને તોડી પાડશે એ તો નક્કી જ છે. પાઈલટને સમજાઈ ગયું કે હવે જીવ બચાવવાનો એક જ રસ્તો છે. “EJECT! EJECT!” અને પળવારમાં જ રૉકેટ મોટરથી સંચાલિત ઈજેકશન સીટ સક્રિય થઈ. “Zero-Zero Capability” ધરાવતી આ સીટ કોઈપણ ઊંચાઈ અને કોઈપણ ઝડપે પણ કાર્યરત રહે છે. ઘડીના છઠ્ઠા ભાગમાં જ પાઈલટ અને Weapon System Officer (WSO) વિમાનમાંથી બહાર ફેંકાયા. ઇજેક્ટ થવાની થોડી જ ક્ષણોમાં ઈરાનની મિસાઈલે F15 e વિમાનની તોડી પાડ્યું. આ પ્રક્રિયામાં શરીર પર 12 થી 14 G-ફોર્સનો પ્રભાવ પડ્યો. આનો અર્થ એ છે કે શરીરના વજનનું 12 ગણું દબાણ. જે સામાન્ય માણસ માટે અસહ્ય હોય, પરંતુ તાલીમ લીધેલા જવાનો માટે જીવ બચાવનાર બની જાય છે. જી ફોર્સ એટલે ગુરુત્વાકર્ષણ બળ વિરુદ્ધ ધક્કો લાગવો. રોકેટ લૉન્ચ થાય ત્યારે આવો ધક્કો પેદા થાય છે. આવો ધક્કો સહન કરવાની તાલીમ એસ્ટ્રોનોટ અને પાયલટને આપવામાં આવે છે.
બંને પાયલટે શું કર્યું?
થોડા જ ક્ષણોમાં પેરાશૂટ ખુલ્યા. “Ram-Air Canopy” ડિઝાઇન તેમને હવામાં ગ્લાઈડ કરવાની ક્ષમતા આપતી હતી, જેથી તેઓ ધીરે ધીરે આસાનીથી જમીન પર ઉતરી શકે. પરંતુ આ શાંતિ ભયજનક હતી, કારણ કે તેઓ દુશ્મન ભૂમિ પર હતા. ઈરાનના કોહગિલુયેહ અને બોયર-અહમદ પ્રાંતની ઝાગ્રોસ પર્વતમાળાની વચ્ચે ઉતરી રહ્યા હતા. આ વખતે પરિસ્થિતિમાં વળાંક આવ્યો. સામાન્ય રીતે વહેલી પરોઢે અને આથમતી સાંજે એટલે કે વહેલી સવારના રાતથી દિવસ થવાનો અને સાંજે દિવસથી રાત થવાના સમયે પવન વધારે ફૂંકાય છે. જોરદાર પવનને કારણે બંને એકબીજાથી અલગ પડી ગયા. પાયલટનું પેરાશુટ તો પહાડી વિસ્તારમાં ઉતરી ગયું. પરંતુ વેપન સિસ્ટમ ઓફિસરનું પેરાશૂટ પહાડી વિસ્તારથી દૂર સપાટ મેદાનમાં ઊતર્યું. હવે તેઓ સંપૂર્ણપણે એકલા હતા. પરંતુ અહીં વિજ્ઞાન તેમની સાથે હતું. દરેક પાઈલટ પાસે “Personal Locator Beacon (PLB)” હોય છે, જે 406 MHz ફ્રીક્વન્સી પર સિગ્નલ મોકલે છે. આ સિગ્નલ “GPS” અને “COSPAS-SARSAT” સેટેલાઇટ સિસ્ટમ દ્વારા પકડાય છે, જેમાં Low Earth Orbit અને Geostationary Orbit સેટેલાઇટ્સનો ઉપયોગ થાય છે. આ સિસ્ટમ પૃથ્વીના કોઈપણ ખૂણેથી ઇમરજન્સી સિગ્નલ પકડી શકે છે અને 5 થી 10 મીટર સુધીની ચોકસાઈથી સ્થાન બતાવે છે.
ઈરાની દળો નજીક આવી રહ્યા હતા
એક પાઈલટનું બીકન તરત જ કાર્યરત થયું અને અમેરિકન દળોએ થોડા જ સમયમાં તેને બચાવી લીધો. પરંતુ બીજો વેપન્સ સિસ્ટમ્સ ઓફિસર મુશ્કેલીમાં હતો. તેનું બીકન બંધ હતું. તે જમીન પર ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. આસપાસ અંધકાર ઘેરાઈ રહ્યો હતો અને દૂરથી ઈરાની દળોની ગાડીઓના અવાજ સંભળાઈ રહ્યા હતા. ઈરાની સૈન્ય “Infrared Sensors” અને “Ground Surveillance Radar” નો ઉપયોગ કરી રહ્યું હતું. તે નાનીથી નાની હલચલને પણ પકડી શકે છે. હવે શરૂ થયો “SERE Mode” Survival, Evasion, Resistance, Escape. નેવિગેટર ઝાડીઓમાં છુપાઈ ગયો અને પોતાના શરીરની ગરમી છુપાવવા જમીન સાથે ચીપકીને રહ્યો, કારણ કે થર્મલ ઈમેજિંગ સિસ્ટમ શરીરની ઇન્ફ્રારેડ રેડિએશન પકડી શકે છે. રાત્રિના અંધકારમાં ઓફિસરે સૌ પ્રથમ મેદાન વાળા વિસ્તારમાંથી પહાડી વાળા વિસ્તાર તરફ દોટ મૂકી. આ દોડ નાની ન હતી. મેરેથોન દોડ હતી. અહીં આપેલા ફોટામાં વિમાન ક્રેશ થયેલું દેખાય છે.

રેસ્ક્યુની કામગીરીમાં અવરોધ
તેના બેકગ્રાઉન્ડમાં પહાડી વિસ્તાર કેટલો દૂર છે તે જોઈને તેનો અંદાજ લગાવો. મેદાન વાળા વિસ્તારમાં જો બીકન શરૂ કરે તો ઈરાનના સૈનિકો રેસ્ક્યુ કરવાની કામગીરીમાં અવરોધ ઊભો કરે. ઘાયલ થયેલો ઓફિસર ખૂબ જ દૂર દૂર સુધી ચાલીને પહાડવાળા વિસ્તારમાં પહોંચવામાં સફળ થઈ ગયો. પહાડી વિસ્તારમાં થોડો અંદર સુધી પહોંચ્યો ત્યારે શરીરને થોડો આરામ આપવાનું નક્કી કર્યું. કારણ કે આ પરિસ્થિતિમાં કેટલા વળાંક આવશે તે નક્કી ન હતું. લાંબી લડાઈ લડવા માટે શરીરને આરામ આપવો પણ જરૂરી છે. આવી પરિસ્થિતિમાં ઊંઘ ક્યાંથી આવે. પો ફાટતા જ તેને સૌ પ્રથમ જમીનની માટી પોતાના શરીર પર લગાવી દીધી. દૂરથી જોઈએ તો આપણને માણસ ઊભો છે એનો ખ્યાલ જ ન આવે. હેલિકોપ્ટર કે વિમાનનું હલનચલન દેખાય એટલે તરત જ પડછાયો ન પડે એવી રીતે ટેકરીની ઢાળમાં ચત્તો સુઈ જાય. જીવનની દૈનિક ક્રિયાઓ કર્યા પછી તેને માટીથી ઢાંકી દેતો હતો. કદાચ તેના કારણે કોઈ પક્ષી આકર્ષાઈ જાય અને દુશ્મનોને માનવીની હાજરી જણાઈ આવે. સમય પસાર થતો ગયો એટલે કોઈપણ જાતની ઈરાન આર્મીની મુવમેન્ટ બંધ થઈ ગઈ. ચારે બાજુ નીરવ શાંતિ. ઓફિસરે હવે બુદ્ધિપૂર્વક તેનું બીકન ઑન કરી દીધું. ઓફિસરનો આ નિર્ણય ખૂબ જ યોગ્ય હતો. વિપરીત સંજોગોમાં યોગ્ય નિર્ણય લેવો એ પણ એક કલા છે.
રેસ્ક્યુ ઓપરેશનની તૈયારી
ઓફિસર એ જાણતો હતો કે રેસ્ક્યુ ઓપરેશનની તૈયારી માટે અમેરિકન આર્મીને પણ સમય જોઈશે. જેમ તેમ કરીને આખો દિવસ પસાર કરી લીધો. સાંજ પડતા આકાશમાં અમેરિકન AWACS વિમાન ચક્કર મારી રહ્યું હતું, એમાં “Pulse-Doppler Radar” હતું. જે ગતિશીલ પદાર્થોને સ્થિર પદાર્થોથી અલગ ઓળખી શકે છે. અચાનક સ્ક્રીન પર એક નાનું સિગ્નલ દેખાયું. WSO નેવિગેટરનું બીકન ફરી કાર્યરત થયું! તરત જ “CSAR Mission” એટલે કે Combat Search and Rescue સક્રિય કરવામાં આવ્યું. સ્ટેલ્થ હેલિકોપ્ટર તૈયાર થયું, જેમાં “Radar Absorbing Material (RAM)” અને વિશેષ ડિઝાઇન હતી, જેથી રડાર તેને પકડી ન શકે. કમાન્ડોઝ Night Vision Goggles સાથે તૈયાર થયા, જે “Image Intensifier Tubes” દ્વારા નબળા પ્રકાશને હજારો ગણો વધારી શકે છે અને સાથે “Thermal Imaging” સિસ્ટમ જે 8 થી 14 માઇક્રોમીટર તરંગલંબાઈની ઇન્ફ્રારેડ કિરણોને પકડી શકે છે.
આગળ વધવાનો આદેશ
હવે હેલિકોપ્ટર જમીન પર ઉતર્યું અને “GO! GO! GO!” ના આદેશ સાથે કમાન્ડોઝ આગળ વધ્યા. થર્મલ સ્ક્રીન પર એક માનવીય આકાર દેખાયો “Visual Confirmed!” તે વેપન સિસ્ટમ્સ ઓફિસર હતો. તેને રેસ્ક્યુ કરી લેવામાં આવ્યો અને હેલિકોપ્ટર તરફ લઈ જવામાં આવ્યો. પરંતુ આફતનો કોઈ અંત આવતો દેખાતો ન હતો. ઈરાની દળો નજીક આવી રહ્યા હતા અને ભારે ગોળીબાર શરૂ થયો. અમેરિકન દળોએ જવાબમાં A-10 Warthog વિમાનો દ્વારા ગ્રાઉન્ડ સપોર્ટ આપ્યો. આ વચ્ચે CIAએ એક મહત્ત્વપૂર્ણ “Mind Game” રમી. ઈરાની રેડિયો સિગ્નલ્સમાં ખોટી માહિતી ફેલાવી કે પાઈલટ ઉત્તર તરફ ભાગ્યો છે. ખરેખર તો તે દક્ષિણમાં હતો. એ દરમિયાન કલ્પના ન કરી હોય એવી ઘટના બની. ઓફિસરનું વિમાન જ્યાં ક્રેશ થયું હતું અને પોતાના સ્થાનથી ખૂબ જ દૂર બે V 103 ટ્રાન્સપોર્ટ વીમાનો રણમાં તૂટી પડ્યા. અમેરિકાની આ ગહેરી ચાલ હતી. ગમે તેમ કરીને ઈરાની સેનાને પાયલટથી દૂર જાય એવી રીતે ગેરમાર્ગે દોરવા માટે જાણી જોઈને વિમાનો તોડી પાડ્યા. તેમને દુશ્મનના હાથમાં જવા દેવાના બદલે અમેરિકન દળોએ “Thermite-based Explosives” વડે તેમને નષ્ટ કરી દીધા, જે અત્યંત ઊંચા તાપમાને ધાતુઓને પીગાળી દે છે. ઓફિસરને શોધતી ઈરાની સેના તૂટી પડેલા ટ્રાન્સપોર્ટ વિમાન પાસે ભેગી થઈ ગઈ. કારણ કે ઈરાન સરકારે આ ઓફિસરને પકડી પાડવા માટે 50000 ડૉલરનું ઇનામ જાહેર કરેલું હતું. ઈરાની દળો ગેરમાર્ગે દોરાયા.
આ વાર્તા લખતા લખતા તો મને The Best Years of Our Lives, The Bridge on the River Kwai, The Great Escape, Zulu, The Dirty Dozen, Patton, Apocalypse Now, Full Metal Jacket, Lawrence of Arabia, All Quiet on the Western Front, Thirty Seconds Over Tokyo, A Bridge Too Far, The Guns of Navarone જેવી વૉર ફિલ્મો યાદ આવી ગઈ. કદાચ એના જેવી જ એક નવી ફિલ્મની વાર્તા લખાઈ રહી છે.
પળે પળે નવું સંકટ
દરેક પળે નવું સંકટ ઊભું થતું હતું. ખાટલે પડી ખોટની વાત સાર્થક થાય એમ હેલિકોપ્ટરમાં પણ ટેક્નિકલ ખામી આવી. કદાચ હાઈડ્રોલિક સિસ્ટમ અથવા ટર્બોશાફ્ટ એન્જિન કામ કરતું બંધ થઈ ગયું. કમાન્ડરે તરત જ “Scorched Earth Protocol” અમલમાં મૂકવાનો નિર્ણય લીધો. હેલિકોપ્ટરને વિસ્ફોટથી નષ્ટ કરવામાં આવ્યું. એ સમયે બીજું સ્ટેલ્થ હેલિકોપ્ટર આવી પહોંચ્યું અને સેકન્ડોમાં જ તમામ કમાન્ડોઝ અને નેવિગેટરને લઈને આકાશમાં ગાયબ થઈ ગયું.“Scorched Earth Policy” એટલે એક અત્યંત કઠોર અને વિનાશક સૈનિક વ્યૂહરચના છે. તેમાં યુદ્ધ દરમિયાન સૈનિકો (ખાસ કરીને પાછા હટતા સમયે) એવી તમામ વસ્તુઓનો નાશ કરી દે છે જે દુશ્મન માટે ઉપયોગી બની શકે. દા.ત. ખોરાક, પાણીના સ્ત્રોત, ઈમારતો, રસ્તા, પુલ, પાક વગેરે. તેનો મુખ્ય હેતુ એ હોય છે કે દુશ્મનને કોઈ પણ પ્રકારની મદદ, આશ્રય અથવા પુરવઠો ન મળે અને તે કમજોર થઈ જાય. આ રીતમાં ઘણી વખત ખેતરોને સળગાવી દેવામાં આવે છે, કૂવાઓમાં ઝેર નાખવામાં આવે છે, પરિવહન વ્યવસ્થા તોડી પાડવામાં આવે છે અને શહેરો ખાલી કરીને નષ્ટ કરવામાં આવે છે. આથી માત્ર સૈનિકો જ નહીં, પરંતુ સામાન્ય નાગરિકો પણ ભારે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. કારણ કે તેમને ખાવા-પીવાની અને રહેવાની સુવિધા પણ નથી મળતી.
ઇતિહાસમાં આ વ્યૂહરચનાનો ઉપયોગ અનેક વખત થયો છે. ઉદાહરણ તરીકે, Second Punic War દરમિયાન રોમનોએ પોતાના જ સંસાધનોનો નાશ કર્યો હતો જેથી Hannibal આગળ વધી ન શકે. તેવી જ રીતે World War-II દરમિયાન સોવિયત યુનિયને જર્મન સેનાને રોકવા માટે રસ્તા, પુલો અને ખેતરો નષ્ટ કરી નાખ્યા હતા. Gulf War દરમિયાન ઇરાકની સેનાએ કુવૈતના તેલના કૂવાઓને આગ લગાવી દીધી હતી. જેથી પરત જતા સમયે દુશ્મનને તેનો લાભ ન મળે.
વિનાશક નીતિ
આવી નીતિ ખૂબ જ વિનાશક હોવાથી 1977ની Geneva Conventions હેઠળ તેને ગેરકાયદે જાહેર કરવામાં આવી છે કારણ કે તે પર્યાવરણ અને સામાન્ય લોકો માટે લાંબા સમય સુધી નુકસાનકારક સાબિત થાય છે. આ શબ્દનો ઉપયોગ માત્ર યુદ્ધમાં જ નહીં, પરંતુ બિઝનેસમાં પણ થાય છે. ત્યાં “Scorched Earth Strategy” નો અર્થ થાય છે કે કોઈ કંપની પોતાના પર કબ્જો થતો અટકાવવા માટે પોતાની સંપત્તિ વેચી નાખે અથવા વધારે દેવું લઈ લે, જેથી બીજી કંપની માટે તેને ખરીદવું મુશ્કેલ બની જાય. ટૂંકમાં કહીએ તો, “Scorched Earth Policy” એ એવી વ્યૂહરચના છે જેમાં જીત કરતાં વધુ ધ્યાન દુશ્મનને સંપૂર્ણ રીતે નબળો પાડવામાં હોય છે. ભલે તેના માટે પોતાનું પણ નુકસાન કેમ ન કરવું પડે.
આ સમગ્ર ઓપરેશન 48 કલાક સુધી ચાલ્યું અને તેમાં 155થી વધુ વિમાનો તથા SEAL Team-6 જેવા વિશેષ દળોએ ભાગ લીધો. અંતે બંને પાઈલટ સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા અને હાલમાં તેઓ કુવૈતમાં સારવાર હેઠળ છે. આ માત્ર એક રેસ્ક્યૂ મિશન નહોતું. આ એરોસ્પેસ એન્જિનિયરિંગ, સેટેલાઇટ કમ્યુનિકેશન, ઇલેક્ટ્રોનિક વૉરફેર, થર્મલ ફિઝિક્સ, મટિરિયલ સાયન્સ અને હ્યુમન ફિઝિયોલોજીનું જીવંત સંકલન હતું. એક નાનું બીકન, એક સેકન્ડનો નિર્ણય અને એક ટીમનું અદ્ભુત સંકલન જીવન અને મૃત્યુ વચ્ચેનો અંતર બની ગયું. આ જ છે “દિલ ધડક ઓપરેશન” જ્યાં વિજ્ઞાન પણ દોડે છે… અને દિલ પણ. દિલ ધડકને દો.

ધનંજય રાવલ, અંકુર હોબી સેન્ટર


