1. Home
  2. ગુજરાતી
  3. “ટૂંક સમયમાં સફળ બનવાનો એક જ રસ્તો છે, સાચી દિશામાં મહેનત” : મિતેષ સોલંકી

“ટૂંક સમયમાં સફળ બનવાનો એક જ રસ્તો છે, સાચી દિશામાં મહેનત” : મિતેષ સોલંકી

0

અમદાવાદ: આજના સમયમાં સફળ બનવા માટે દરેક લોકો દિવસ રાત દોડી રહ્યા છે અને છત્તા પણ તેમને સફળતા મળતી નથી. કારણ અનેક છે પણ નિરાકરણ એક જ છે અને તે છે સાચી દિશામાં મહેનત.. હાલના સમયમાં મોટી સંખ્યામાં એવા લોકો છે જેમને સફળ થવું છે પરંતુ કઈ દિશામાં મહેનત કરવી તેના વિશે જાણ નથી અને ઘણા ઓછા લોકો છે જેમને શું કરવું તે જાણ છે અને તેથી તેઓ સફળ બન્યા..    

તો વાત છે મિતેષ સોલંકીની, જેમનું રિયલ વોઈસ ઑફ ઈન્ડિયાના પત્રકારે ઈન્ટરવ્યૂ લીધું અને તેમની એવી સફળતાઓ વિશે જાણ્યું જે તેમના વિષય બહારની હતી. મિતેષ સોલંકીએ એ તમામ વાતો પર પ્રકાશ પાડ્યો અને જણાવ્યું કે પોતાના વિષયની બહાર જઈને સફળતા કેવી રીતે મેળવવી તેના માટે શું કરવું.

મિતેષ.એમ.સોલંકી – કે જેઓએ પોતાના જીવનમાં શરૂઆતના વર્ષોમાં વૈજ્ઞાનિક તરીકે કામ કર્યું, તે બાદ તેઓએ પ્રોજેક્ટ મેનેજર તરીકે કામ કર્યું અને હાલ સમાજસેવક તથા શિક્ષક તરીકે કામ કરીને હજારો વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા રહ્યા છે. મિતેષ સોલંકીના જીવનમાં પણ ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે અને તે સમયમાં તેમણે ખૂબ સમજી વિચારીને નિર્ણયો લીધા.

મિતેષ સોલંકીએ માસ્ટર ઑફ સાયન્સ ઝુઓલોજીમાં કર્યુ, માસ્ટર ઑફ ફિલોસોફી પણ ઝુઓલોજીમાં ભણ્યા અને માસ્ટર ઑફ બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ડિસ્ટન્સ લર્નિગમાં કર્યું.

જીવનનો પહેલો યાદગાર પ્રસંગ આવડતી અંગ્રેજી ભાષા શીખીને મળ્યું સન્માન

મિતેષ સોલંકી પહેલાથી જ માનતા હતા કે કોઈ પણ વિષયમાં કે કોઈ પણ જગ્યાએ સફળતા મેળવવાનો એક જ રસ્તો છે અને તે છે સાચી દિશામાં મહેનત. મિતેષ સોલંકીનું સ્નાતક સુધીનું ભણવાનું શુદ્ધ ગુજરાતી ભાષામાં થયું અને અંગ્રેજી ભાષા બોલવા, સમજવાની કે સાંભળવાની આદત ન હતી પણ અમદાવાદમાં માસ્ટર ડિગ્રી ભણવા આવ્યા બાદ અંગ્રેજી શીખવું જરૂરી લાગ્યું અને તેઓ શીખ્યા.

એક સમયે તેઓએ અંગ્રેજી ભાષાના કારણે અમદાવાદ છોડવાનું પણ નક્કી કર્યું હતુ પણ બાદમાં અમદાવાદ છોડવાના બદલે તેમણે અંગ્રેજી શીખવાનું નક્કી કર્યું અને તે માટે તેમણે મેડિકલ ડિક્ષનરી અને ઝુલોજીની ડિક્ષનરી ખરીદી હતી. આ બાદ તેમણે ખૂબ ટૂંક સમયમાં અંગ્રેજી ભાષા પર એટલી પકડ મેળવી લીધી કે તેમના માસ્ટર ડિગ્રીની પ્રથમ ઈન્ટરનલ પરીક્ષાનું લખેલું પેપર મેડમે નોટિસ બોર્ડ પર લગાવ્યું હતું અને કહ્યું હતું કે લખવાનું શીખવું હોય તો મિતેષ સોલંકીનું પેપર જોવો. આ પ્રસંગ તેમના જીવનનો એક યાદગાર પ્રસંગ હતો અને તે બાદ તેમનો ભાષા પ્રત્યેનો ડર રહ્યો નહીં.

મિતેષ સોલંકીના મિત્ર-મંડળનો છઠ્ઠો સદસ્ય એટલે કે સમય

મિતેષ સોલંકીના મિત્ર-મંડળમાં પાંચ સદસ્યો હતા અને કોલેજમાંથી છૂટા પડતી વખતે દરેક મિત્રએ નક્કી કર્યું કે એકબીજાને યાદગીરી સ્વરૂપે કોઈ ભેટ આપે અને એવી ભેટ આપે કે જેની સમય પર કોઈ અસર જ ન થાય તેથી તે લોકોએ ‘સમય’ને જ ભેટ તરીકે આપવાનું નક્કી કર્યું. આ સમય પર દરેક મિત્રોએ નક્કી કર્યું કે જ્યાં પણ રહેશે તેઓ પોતાની ઘડિયાળનો સમય સ્થાનિક સમયથી 6 કલાક આગળ રાખશે, જેથી કરીને જ્યારે સમય જોવે ત્યારે મિત્રતાની યાદ આવતી રહે.

આ મિત્રોને આપેલા આ વચનનું પાલન મિતેષ સોલંકી આજે 20 વર્ષે પણ કરી રહ્યા છે અને આજે પણ ઘડિયાળને જોઈને મિત્રોને યાદ કરે છે. આજે મિતેષ સોલંકીનું મિત્ર મંડળ દેશ વિદેશમાં છે જેમાંથી કોઈક ન્યુઝીલેન્ડ અને કોઈક કેનેડામાં છે.

પ્રશ્નના ખોટા જવાબ આપવા કરતા, ખબર નથીતે સ્વીકારી લેવાનો ફાયદો

આ પ્રસંગ છે વર્ષ 2002નો, જ્યારે મિતેષ સોલંકીને પ્રથમવાર ઓફિસિયલ ઈન્ટરવ્યું માટે ટોરેન્ટ રિસર્ચ સેન્ટરમાંથી ફોન આવ્યો હતો. આ ઈન્ટરવ્યૂમાં મિતેષ સોલંકીની પસંદગી સાચા જવાબ આપવા માટે નહીં પણ કેટલાક પ્રશ્નોના જવાબ ન આપવાના કારણે થઈ હતી.

મિતેષ સોલંકી માને છે કે સાચી વસ્તુને યાદ ન રાખવી પડે, અને તેથી તેઓએ ટોરેન્ટ રિસર્ચ સેન્ટરના ઈન્ટરવ્યૂમાં 19 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા અને જે 3 પ્રશ્નોના જવાબ નહોતા જાણતા તેના જવાબમાં ગપ્પા મારવાના બદલે “મને ખબર નથી” તેવો જવાબ આપ્યો. જો કે જીવનમાં કેટલાક સ્થળોએ મોટા ભાગના લોકો અંગત સ્વાર્થ અને લાલચ માટે ખોટું બોલતા હોય છે પરંતુ વિજ્ઞાનક્ષેત્રમાં ખોટું ન ચાલે.  

જીવનમાં બચતનું મહત્વ શું છે.. તે સમજવું અત્યંત જરૂરી છે.

મિતેષ સોલંકીએ બચતને લઈને પણ પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે જેમાં તેમણે કહ્યું કે બચત જીવનમાં અત્યંત જરૂરી છે. બચતની કોઈ મર્યાદા ન હોય પણ જે પણ બચત કરી શકો તે કરો અને બચતની આદત હોવી જોઈએ.

20-21 વર્ષની ઉંમરે બચતની આદત હતી જેના કારણે આજે 40 વર્ષની ઉંમરે લોન વગરના ઘરમાં બેઠા છે. આજના સમયમાં અમદાવાદ જેવા શહેરમાં લોન વગરનું ઘર શોધવું તે અતિમુશ્કેલ કરતા પણ ભારે કામ છે.

પ્રોજેક્ટ મેનેજર તરીકેની સફરમાં કેવી રીતે સફળતા મેળવી

ટોરેન્ટ રિસર્ચ સેન્ટરમાં થોડા વર્ષો કામ કર્યા બાદ મિતેષ સોલંકીએ ઝાયડસ-કેડિલા કંપનીમાં નોકરી મેળવી અને ત્યાં લાંબા સમય કામ કર્યું. ઝાયડસ-કેડિલામાં સમય જતા તેમને સાયન્ટિફિક ફીલ્ડમાંથી પ્રોજેક્ટ મેનેજરનું કામ આપવામાં આવ્યું હતુ. આ કામ તેમના રોજબરોજના કામ કરતા અલગ હતું.

પર્કિન એલ્મર નામની સોફ્ટવેર મલ્ટીનેશનલ કંપની જે રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ વિભાગને પેપરલેસ બનાવવા માંગતી હતી અને આ માટે મિતેષ સોલંકીને જવાબદારી આપવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન મિતેષ સોલંકીએ 300 જેટલા લોકોના ઈન્ટરવ્યૂ પણ લીધું અને આ માટેનું સોફ્ટવેર તેમણે 364 દિવસમાં બનાવ્યું હતુ. એ સોફ્ટવેરનું નામ ઈલેક્ટ્રોનિક લેબ.બુક (ELN) રાખવામાં આવ્યું હતુ અને આજે પણ તે સોફ્ટવેરનો ઉપયોગ ઝાયડસ-કેડિલા કંપનીમાં થાય છે.

જીપીએસસીના શિષ્યથી લઈને શિક્ષક સુધીની સફર

જીવનમાં જે ધારો એ બધું જ થાય એવું હોતું નથી પણ કોઈ વસ્તુ માટે તમારી કરેલી મહેનત બેકાર પણ નથી જતી. તમારું શીખેલું આજે નહી તો કાલે ક્યાંક બીજે પણ કામ આવશે જરૂર અને મિતેષ સોલંકી સાથે પણ કાંઈક આવું જ બન્યું.

મિતેષ સોલંકીના જીવનમાં તેમણે ડેપ્યુટી કલેક્ટર બનવાનું સપનું જોયું હતુ અને તેના માટે તેમણે પ્રયાસ પણ કર્યા પણ તેમાં સફળતા ન મળી. મિતેષ સોલંકીએ ડેપ્યુટી કલેક્ટર બનવા માટે જે વાંચન કર્યું હતુ અને જે મહેનત કરી હતી તે મહેનતે એમને કલેક્ટર નહીં પણ હજારો વિદ્યાર્થીઓના શિક્ષક બનાવી દીધા.

જીપીએસસીની પરીક્ષા માટે તેમણે અનેક પુસ્તકો વાંચ્યા અને તે દરમિયાન તેમણે બંધારણ વિષય, ગુજરાતી વ્યાકરણ, ગુજરાતની ભૂગોળ અને સામાન્ય વિજ્ઞાનને ખૂબ જાણ્યું. બંધારણ માટે નાની પાલખીવાલા, ડીડી બાસુ, લક્ષ્મીકાંત આવા સારા સારા લેખકને જાણ્યા બાદ સરળ રીતે કોઈને પણ સમજાવી શકાય તે રીતે બંધારણ વિષય તૈયાર કર્યો છત્તા પણ જીપીએસસીની મેઈન્સ પાસ ન કરી શક્યા. જો કે નસીબમાં હજારો વિદ્યાર્થીઓના ભવિષ્ય બનાવવાનું લખ્યું હોય તો બીજી વસ્તું શક્ય ન પણ બને અને તે બાદ તેમણે ભણાવવાની દુનિયામાં આવવાનું નક્કી કર્યું.

મિતેષ સોલંકીએ વિદ્યાર્થીઓના ભણતરને વધારે સરળ બનાવવા માટે શક્ય એટલા તમામ પ્રયાસો કર્યા છે જેમાં તેમણે વર્ષ 2014-15માં નાના બાળકો માટે ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારની પાંચ વાર્તાને ચલચીત્ર સ્વરૂપમાં લખી. આ પુસ્તકનું નામ “ખુમારી અને ખાનદાની” રાખવામાં આવ્યું અને સરકારી પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓને બંધારણ ભણવા માટે અન્ય જગ્યાએ ફાંફા ન મારવા પડે તે માટે 1 થી 395 સુધીના આર્ટિકલને વિસ્તૃત કરતું પુસ્તક પણ લખ્યું છે.

સમાજસેવક તરીકે સમાજને જાગૃત કર્યો

વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં લોકો પૂરતા પ્રમાણમાં લોહી ન મળવાના કારણે મૃત્યુ પામતા હતા અને તે સમયે તેમણે સમયસર રક્તદાન કરવાનો નિર્ણય લીધો. વર્ષ 2001ના ડિસેમ્બરથી લઈને અત્યાર સુધીમાં 66 વાર તેમણે રક્તદાન કર્યું છે અને મહત્વની વાત એ છે કે તેમણે પોતાના સિવાય અન્ય 26 જેટલા બ્લડ ડોનર તૈયાર કર્યા અને તે લોકો છેલ્લા 10 વર્ષથી સમયસર રક્તદાન કરી પણ રહ્યા છે.

મિતેષ સોલંકી સમયસર થેલેસેમિયાથી પીડિત બાળકોને રક્તદાન કરી રહ્યા છે અને તેમની 100 વાર રક્તદાન કરવાની ઈચ્છા છે. તેઓ દર 3 મહિને રક્તદાન કરે છે.

તક અને પરીવારમાંથી ક્યારે શું પસંદ કરવું?

જીવનમાં મોટા ભાગના લોકોને જ્યારે તક મળે ત્યારે કેટલાક લોકો આંખો બંધ કરીને તકને સ્વીકારી લેતા હોય છે તો કેટલાક લોકો મૂંઝવણ અનુભવતા હોય છે. આવી જ સ્થિતિ મિતેષ સોલંકીની થઈ હતી જ્યારે તેમને સુરતની એક ફાર્મા કંપની સારા એવા પગારમાં નોકરી આપવા તૈયાર હતી અને બીજી તરફ તેમની સાથે જોડાયેલો તેમનો પરીવાર અને તેમના વિદ્યાર્થીઓ..

આ વાતમાં તેમણે એ પણ વિચાર આવતો હતો કે તેમના બાળકો અમદાવાદના વાતાવરણમાં મોટા થયા છે અને જો ત્યાં જાય તો ઘણા બદલાવનો સામનો કરવો પડી શકે.. તો આ વાતમાં તેઓ હંમેશા તેમની પ્રોબલમ સોલ્વિંગ રીતનો ઉપયોગ કર્યો જેમાં એક કોરા કાગળ સારા અને ખરાબ પાસા વિશે લખ્યું અને પછી નક્કી કર્યું કે પોતાના અંગત સ્વાર્થ પર ધ્યાન નહીં આપે અને પરિવાર સાથે જ રહેશે.

મિતેષ સોલંકીએ તે પણ જણાવ્યું કે જ્યારે પણ કોઈ પણ સમસ્યા હોય તો તેના ફાયદા અને નુક્સાન વિશે એક કોરા કાગળ પર લખો અને પછી બંન્ને વચ્ચેનું અંતર સમજો તો સમસ્યાનું નિરાકરણ મળી જશે.

મિતેષ સોલંકી વિષે ટૂંકમાં વાત  

  • ટૂંક સમયમાં સફળ બનવાનો એક જ રસ્તો છે, મહેનત
  • વાંચન જેટલી સ્થિરતા આપે છે તેટલી કોઈ અન્ય વાત સ્થિરતા આપતું નથી.
  • સારી વાતો બધે લખાઈ જ ગઈ છે બસ તેનું પાલન કરવાનું બાકી છે.
  • આફતને અવસરમાં પલટતા 3 અમદાવાદીઓમાં એક નામ મિતેષ સોલંકી
  • લોકડાઉનના સમયમાં માત્ર 17 દિવસમાં ગુજરાતીમાં બંધારણનું પુસ્તક લખીને તૈયાર કર્યું
  • વિદ્યાર્થીઓના સંપર્કમાં રહેવા માટે યુટ્યુબ ચેનલ બનાવી અને 60 દિવસમાં 1600 જેટલા સબસક્રાઈબર આવ્યા.
  • સારું કામ કરવાથી કોઈકવાર સફળતા ન પણ મળે પણ સફળતા માટે જ સારું કામ કરવું તે યોગ્ય નથી: મિતેષ સોલંકી

(VINAYAK)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code