
એમએનએસના ફાયરબ્રાન્ડ નેતા રાજ ઠાકરેનો અયોધ્યા પ્રવાસ હાલ મોકુફ રખાયો
મુંબઈઃ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર મામલે સરકાર સામે બાંયો ચડાવનારા મહારાષ્ટ્ર નવનિર્માણ સેના એટલે કે એમએનએસના અધ્યક્ષ રાજ ઠાકરે 5મી જૂનના રોજ અયોધ્યાની મુલાકાતે જવાના હતા. જો કે, હવે કેટલાક કારણોસર આ પ્રવાસ રદ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે.
MNS પ્રમુખ રાજ ઠાકરે 5 જૂને અયોધ્યા જવાના હતા. માનવસૈનિકોએ પણ અયોધ્યા પ્રવાસની તૈયારીઓ શરૂ કરી દીધી હતી. બીજી તરફ ઉત્તર પ્રદેશના નેતાઓએ રાજની અયોધ્યા મુલાકાતનો ઉગ્ર વિરોધ કર્યો હતો. તેમ છતાં રાજ ઠાકરે તેમના અયોધ્યા પ્રવાસ પર અડગ હતા. 17 એપ્રિલે, ઠાકરેએ પુણેમાં જાહેરાત કરી હતી કે તેઓ ભગવાન રામના આશીર્વાદ લેવા માટે 5 જૂને અયોધ્યા જશે. મળતી માહિતી અનુસાર, રાજ ઠાકરેને પગમાં ઈજા થઈ છે અને તેમના પર સર્જરી થવાની શક્યતા છે. રાજ ઠાકરે ડૉક્ટરની સલાહ લીધા પછી જ પ્રવાસ વિશે સત્તાવાર માહિતી આપશે.
દરમિયાન અયોધ્યા પ્રવાસ મુલતવી રાખવાની માહિતી આપતા રાજ ઠાકરેએ ટ્વીટ કર્યું હતું કે, “અયોધ્યા પ્રવાસ સ્થગિત કરવામાં આવ્યો છે. 22મી મેના રોજ પુણેમાં યોજાનારી રેલી પછી નિર્ણય લેવામાં આવશે.”