1. Home
  2. ગુજરાતી
  3. મોબાઈલનું વળગાણઃ પિતાએ ફોન રમવા નહીં આપતા 5 વર્ષના દિકરાએ કર્યો ગૃહત્યાગ
મોબાઈલનું વળગાણઃ પિતાએ ફોન રમવા નહીં આપતા 5 વર્ષના દિકરાએ કર્યો ગૃહત્યાગ

મોબાઈલનું વળગાણઃ પિતાએ ફોન રમવા નહીં આપતા 5 વર્ષના દિકરાએ કર્યો ગૃહત્યાગ

0
Social Share

અમદાવાદઃ કોરોના મહામારીને પગલે સ્કૂલ અને કોલેજના વિદ્યાર્થીઓને ઓનલાઈન એજ્યુકેશન આપવામાં આવી રહ્યું છે. હવે મોટાભાગના બાળકો મોબાઈલ મેનિયાક બની રહ્યાં છે. દરમિયાન તાજેતરમાં ઓલનલાઈન ગેમ્સમાં ટાસ્ક પૂરો કરવા માટે કિશોરે સ્ત્રીના વસ્ત્રો ધારણ કરીને ગળાફાંસો ખાઈને જીવન ટુંકાવ્યું હોવાની ઘટના હજુ ભૂલાઈ નથી. દરમિયાન મોબાઈલ ફોનના કારણે રાજકોટમાં પાંચ વર્ષનો બાળક માતા-પિતાને છોડીને જતો રહ્યો હોવાનું ઘટના સામે આવી છે. વાત જાણે એમ છે કે, પાંચ વર્ષના બાળકને પિતાએ મોબાઈલ ફોન રમવા આપવાનો ઈન્કાર કર્યો હતો. જેથી નારાજ દીકરો માતા-પિતાને છોડીને જતો રહ્યો હતો. જો કે, પોલીસે ગણતરીના કલાકોમાં જ બાળકને શોધી કાઢીને પરિવારને સોંપ્યો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના સામા કાંઠા વિસ્તારમાં રહેતા કલ્પેશભાઈ દિનેશભાઈ રાણપરા અને પત્ની પાંચ વર્ષના દીકરા માનવને લઈને રણછોડનગર કોમ્યુનીટી હોલ ઉપર કામ અર્થે ગયા હતા. દરમિયાન માનવે પિતા પાસે મોબાઈલ ફોન રમવા માટે માંગ્યો હતો. જો કે, પિતાએ ઈન્કાર કરતા નારાજ માનવ માતા-પિતાને કંઈ પણ કહ્યાં વગર કોમ્યુનિટી હોલથી નીકળી ગયો હતો. દીકરો નજરે નહીં પડતા ચિંતાતુર માતા-પિતાએ આસપાસ તપાસ કરી હતી. તેમ છતા માનવનો પત્તો નહીં લાગતા અંતે પોલીસને જાણ કરી હતી. પાંચ વર્ષનો બાળક ગુમ થવાની જાણ થતા જ પોલીસે તેને શોધી કઢવા માટે તપાસ શરૂ કરી હતી. માર્ગો ઉપર લગાવેલા સીસીટીવી કેમેરાની તપાસ કરતા માનવ પેડક રોડ ઉપર જતો દેખાયો હતો. જેથી તાત્કાલિક પોલીસની ટીમ સ્થળ ઉપર દોડી ગઈ હતી. જ્યાંથી માનવ મળી આવતા પોલીસ અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો. પોલીસે માનવને તેના પરિવારજનોને સોંપ્યો હતો. દીકરાને પરત જોઈને માતા-પિતાની આંખોમાં હરખના આંસુ આવી ગયા હતા.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code