Site icon Revoi.in

મહારાષ્ટ્ર, કર્ણાટક, ગોવામાં પહોંચ્યું ચોમાસુ, આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી

Social Share

મુંબઈઃ દક્ષિણ પશ્ચિમ ચોમાસુ મહારાષ્ટ્રમાં પહોંચ્યું છે અને આગામી 3 દિવસમાં તે મુંબઇ અને અન્ય ભાગોમાં પહોંચી જવાની પણ આગાહી કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગે કહ્યું હતું કે, મહારાષ્ટ્રમાં તટીય કોંકણ અને ગોવામાં ભારે પ્રી મોન્સૂન વરસાદ થઈ રહ્યો છે. મહારાષ્ટ્રના દક્ષિણ ભાગમાં દેવગઢમાં ચોમાસુ પ્રવેશી ચૂક્યું છે. કેરળની વાત કરવામાં આવે તો હવામાન વિભાગે કરેલી ભારે વરસાદની આગાહીને પગલે 5 જિલ્લાઓમાં શૈક્ષણિક કાર્ય બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી છે. જેમાં કોઝીકોડ, વાયનાડ માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. IMDએ સોમવારે ​​દરિયાકાંઠાના અને દક્ષિણ આંતરિક કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને પુડુચેરીમાં ભારે વરસાદની આગાહી કરી છે. સાથે સાથે આગામી 2-3 દિવસ દરમિયાન દિલ્હી, આંધ્રપ્રદેશ, ગુજરાત, હરિયાણા, ચંદીગઢ, હિમાચલ પ્રદેશ, ઝારખંડ, પંજાબ અને રાજસ્થાનમાં ગાજવીજ અને વાવાઝોડાની આગાહી કરી છે.

સોમવારે સવારે રાજધાની મુંબઈમાં મધ્ય રેલવેની મુખ્ય લાઇન પર કલ્યાણ તરફ જતી ધીમી લોકલ ટ્રેનો 5 મિનિટ મોડી ચાલી રહી હતી, જ્યારે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જતી ઝડપી લોકલ ટ્રેનો સરેરાશ 10 મિનિટ મોડી પડી હતી. ધીમી લોકલ સેવાઓ પણ સામાન્ય કરતા 5 મિનિટ મોડી ચાલી રહી છે. વરસાદને કારણે હાર્બર લાઇન સેવાઓ પણ ધીમી ગતિએ શરૂ થઈ છે. તે જ સમયે પશ્ચિમ રેલ્વેની લોકલ ટ્રેનોમાં 5 મિનિટ સુધીનો વિલંબ જોવા મળી રહ્યો છે. મુંબઈના કુર્લા, વિદ્યા વિહાર, સાયન, દાદર અને પરેલ જેવા વિસ્તારોમાં હજુ પણ હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે.

ભારતીય હવામાન વિભાગએ ચેતવણી આપી છે કે, આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે. આ કારણે મુંબઈકરોને સવારે ભીના થઈને દિવસની શરૂઆત કરવી પડી શકે છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, વરસાદનું જોર ચાલુ રહી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. BMCએ નાગરિકોને અપીલ કરી છે કે, તેઓ ખૂબ જ જરૂરી હોય ત્યારે જ ઘરની બહાર નીકળે. રાત્રે પણ ભારે વરસાદને કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. વહીવટીતંત્રે કહ્યું છે કે, તે પરિસ્થિતિ પર નજર રાખશે.

Exit mobile version