
મોરબી દૂર્ઘટનાઃ નિરાધાર બનેલા બાળકોનો શૈક્ષણિક ખર્ચ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ ઉપાડશે
અમદાવાદઃ મોરબીમાં ઝુલતો પુલ તુટવાની ઘટનામાં 100થી વધારે વ્યક્તિઓના મોત થયાં છે. જેમાં કેટલાક બાળકોએ માતા-પિતાને ગુમાવ્યાં છે. દરમિયાન પીડિતોને વ્હારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ આવી છે. આ દૂર્ઘટનામાં માતા-પિતા ગુમાવનારા બાળકોના શૈક્ષણિક ખર્ચ ઉઠાવવાની તૈયારી દર્શાવી છે. એટલું જ નહીં પરિવારમાં મુખ્ય કમાવનાર વ્યક્તિ ગુમાવનારને ઔધોગિક એકમમાં નોકરીની સહાય આપવા ઈચ્છા વ્યક્ત કરી છે. આ અંગે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મોરબી કલેકટરને પત્ર લખીને જાણ કરી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા મોરબીના કલેક્ટર જી.ટી. પંડ્યાને સહાયતા કરવા અંગેનો પત્ર મોકલવામાં આવ્યો છે, જેમાં આ દુર્ઘટનામાં અનાથ થયેલ બાળકોને તેમના શિક્ષણમાં સહાય કરવા અને કુટુંબની મુખ્ય વ્યક્તિ ગુમાવનાર પરિવારોને ચેમ્બરના સભ્ય ઔદ્યોગિક એકમો થકી રોજગાર પૂરો પાડવા સહાય કરવાની ઈચ્છા વ્યક્ત કરાઈ છે. તેમજᅠઅનાથ બાળકોની મદદ માટે અન્ય સંસ્થાઓ પણ આગળ આવી રહી છે.
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ પથિક પટવારીએ જણાવ્યું હતું કે, મોરબીની દુર્ઘટનામાં અનાથ થયેલા બાળકોના અભ્યાસની જવાબદારી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ઉપાડવાનું નક્કી કરાયું છે. બાળકો ઉચ્ચ અભ્યાસ કરશે તો તેનો પણ ખર્ચ ચેમ્બર દ્વારા પૂરો પાડવામાં આવશે. ઉપરાંત, જે કુટુંબે મુખ્ય કમાનાર વ્યક્તિ ગુમાવ્યો હોય તેવા પરિવારના એક સભ્યને ઉદ્યોગમાં નોકરી આપવામાં આવશે. ઉપરાંત જે કુટુંબનો મુખ્ય વ્યક્તિ ઇજાના લીધે કામ ન કરી શકે તેવી સ્થિતિમાં હશે તો તેના પરિવારના એક સભ્યને નોકરી આપવાની પણ ઈચ્છા પત્રમાં કરવામાં આવી હતી.