1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગાંધીનગરમાં જીવન આસ્થા હેલ્પલાઇનનો 8 વર્ષ 1.20 લાખ કરતા વઘુ વ્યક્તિઓએ લાભ લીધો
ગાંધીનગરમાં જીવન આસ્થા હેલ્પલાઇનનો 8 વર્ષ 1.20 લાખ કરતા વઘુ વ્યક્તિઓએ લાભ લીધો

ગાંધીનગરમાં જીવન આસ્થા હેલ્પલાઇનનો 8 વર્ષ 1.20 લાખ કરતા વઘુ વ્યક્તિઓએ લાભ લીધો

0
Social Share

અમદાવાદઃ ગાંધીનગર જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા જિલ્લામાં શરૂ કરાયેલ જીવન આસ્થા હેલ્પલાઇનને 8 વર્ષ પૂર્ણ થયા છે. જે અંતર્ગત જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આત્મહત્યા નિવારણની જાગૃત્તિ અર્થે માર્ચ પાસ્ટ અને મેન્ટલહેલ્થ સારી રાખવા અંગેના પરિસંવાદનું ઉમા આર્ટસ કોલેજ, કડી સર્વ વિશ્વ વિઘાલય સંકુલ, સેકટર- 23 ખાતે આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગાંધીનગર જિલ્લાના રેન્જ ડી.આઇ.જી. વિરેન્દ્ર યાદવે જણાવ્યું હતું કે, ગાંધીનગર જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વર્ષ- 2015માં જીવન આસ્થા હેલ્પલાઇન શરૂ કરવામાં આવી હતી. આઠ વર્ષના સમયગાળામાં જિલ્લામાંથી 1.20 લાખ કરતા વઘુ વ્યક્તિઓએ આ હેલ્પલાઇનનો ઉપયોગ કર્યો છે, તે વાતનો આનંદ વ્યક્ત કરીને આ હેલ્પલાઇનમાં કામ કરતાં સર્વે અધિકારી-કર્મયોગીઓને અભિનંદન આપ્યા હતા. જીવન આસ્થા હેલ્પલાઇનમાં કાઉન્સિલીંગ કરનાર વ્યક્તિઓ ટ્રેનીંગ પામેલા હોય છે. આ હેલ્પલાઇન થકી 700 જેટલા ફોન એવા હતા કે જેઓ આત્મહત્યાના પોઇન્ટ કે આત્મહત્યા કરવા જઇ રહ્યા હતા. તેમના જીવન હેલ્પલાઇન થકી બચાવી શકાયા છે.

તેમણે ઉમેર્યું હતું કે, માનસિક તણાવ જીવનનો એક આયામ છે. મોટા ભાગે પરીક્ષાના સમયે બાળકો માનસિક તણાવ અનુભવતા હોય છે. તેઓ પોતાનું પરિણામ શું આવશે, ખરાબ પરિણામ આવશે, તો મા-બાપા શું વિચારશે આવી અનેક ચિંતા તેમને સતાવતી હોય છે. આવા સમયે વિદ્યાર્થીઓએ પોતાની વેદના મુક્ત મને મા-બાપ, મિત્ર કે શિક્ષક સાથે વાત કરીને વ્યક્ત કરવી જોઇએ. તેમણે ઉમેર્યું હતું કે, અભ્યાસમાં સારા ટકા જ જીવનને સફળ બનાવશે તેવું નથી. પરંતુ જીવનના અનેક આયામ આપને સુખી જીવન આપી શકે છે, તેની દષ્ટાંતપૂર્વક સમજ આપી હતી.

કોઇપણ વ્યક્તિનું જીવન સમસ્યાથી મુક્ત નથી, તેવું જણાવી જિલ્લા કલેકટર હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, જીવનમાં અભ્યાસકાળથી લઇ જીવનના અનેક તબક્કાઓમાં ચેલેન્જ આવે છે. મોટાભાગના પડકારો સામે વ્યક્તિને સફળતા મળે છે. પણ કેટલીક જ ચેલેન્જમાં ક્યારેક સફળતા મળતી નથી. તેનાથી માનસિક તણાવ અનુભવ કરવાની જરૂર નથી. પણ નિષ્ફળતામાંથી સફળતાની ચાવી મળી શકે છે. જેથી જીવનમાં  ‘જાન હૈ તો જહાન હૈ ’ તે વાકયને સદા યાદ રાખવું જોઇએ. આ વાકય થકી કેમ જીવનના જંગ જીતી શકાય છે, તેની દષ્ટાંતપૂર્વક વાત કરી હતી. તેમણે સર્વે વિધાર્થીઓને સહનશીલતા રાખવાની ખાસ અપીલ કરી હતી.

જીવનમાં કોઇપણ એવી સમસ્યા નથી, કે જેનું સમાધાન ન હોય, તેવું કહી જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમશેટ્ટીએ જણાવ્યું હતું કે, સમાજમાં સફળતા પ્રાપ્ત કરનાર એવી કોઇપણ વ્યક્તિ નથી કે તેમને જીવનમાં કોઇ તબ્બકામાં નિષ્ફળતા ન મળી હોય. એક વખત નિષ્ફળ થયા પછી જ તેમાં રહેલી ભુલોને સુધારી સફળતા પ્રાપ્ત કરવાની તકો વધી જાય છે. તેમણે વિઘાર્થીઓને જીવનમાં પરિણામની ચિંતા કર્યા સિવાય અભ્યાસ કે કોઇપણ કાર્ય કરવું જોઇએ. મહેનત થકી ચોક્કસ સફળતા મળે છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ધોરણ- 10 મા નાપાસ થયેલા વિઘાર્થીઓ આજે આઇ.એ.એસ કે આઇ.પી.એસ. બની શકે છે.

જિલ્લા પોલીસ વડાએ વઘુમાં જણાવ્યું હતું કે, આજે સમાજમાં કુટુંબ નાના બની ગયા છે. કુટુંબ મોટું હોય તો તમારામાં સમસ્યા સામે લડવાની માનસિક તાકાત વઘે છે. મોબાઇલના કારણે ઘરના સભ્યો પણ મુક્ત મને વિચારોની આપલે કરવાનું ભૂલી ગયા છે. તેમણે વિઘાર્થીઓને મોબાઇલ કરતાં મિત્ર કે કુટુંબ સાથે વઘુ સમય આપવા ભારપૂર્વક જણાવ્યું હતું.

મારી વાત સાથે બધા સહમત થાય જ તે વાત જીવનમાં છોડી દેવી જોઇએ, તેવું કહી જાણીતા મોટીવેશનલ સ્પીકર ર્ડા. દર્શનાબેન ઠક્કરે જણાવ્યું હતું કે, જીવનમાં શારિરીક અને ઇમોશનલ ફીટનેસ ખૂબ જરૂરી છે. આપની ઇમોશનલ ફીટનેસ સારી હશે, તો આપને કોઇપણ નિષ્ફળતા કે કામ માનસિક તણાવ હેઠળ નહિ લઇ જઇ શકે. મારૂ જ ઘાર્યું કરીશ તે પ્રકારનો ભાવ જીવનમાં બને ત્યાં સુઘી બહુ ન આવવા દેવો, પણ સૌના સાથે કે સૌને સાથે લઇ ચાલીશ તેવા ભાવ સાથે જીવન જીવવું ખૂબ જરૂરી છે.

સમાજ પુરૂષ પ્રઘાન છે અથવા સામાજિક માળખું, રિતરિવાજ જટિલ છે, આવું કશું જ નથી, તેવું કહી ર્ડા. દર્શના ઠક્કરે ઉમેર્યું હતું કે, એક અભ્યાસ અનુસાર દેશમાં વર્ષે 1.28 લાખ જેટલા લોકો આત્મહત્યા કરીને જીવન ટુંકાવી દે છે. દેશમાં આત્મહત્યા કરવાના કિસ્સા મહારાષ્ટ્ર રાજયમાં સૌથી વધુ બને છે. વિશ્વમાં વર્ષે 8 લાખ લોકો આત્મહત્યા કરે છે. અકાળે મૃત્યૃના કારણમાં આત્મહત્યાનું કારણ ચોથાક્રમાંકે આવે છે. તેમજ કુટુંબ કારણો થકી સૌથી વઘુ લોકો આત્મહત્યા કરે છે.

આજીવન વિધાર્થી રહી શકીએ તે વાત પણ આત્મહત્યા કરતાં રોકે છે, તેવું કહી તેમણે જણાવ્યું હતું કે, મનમાં હોય તે વાત કરવા હિંમત કેળવાય તે પણ જીવનમાં ખૂબ મહત્વની છે. મનની વાત કોઇ મિત્ર કે પરિવાર સામે મુકત મને કરવા પણ સર્વે વિઘાર્થીઓને ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે વાલીઓને બાળકો સાથે કેવી રીતે વાત કરીએ છીએ તે પણ તેના જીવનમાં ખૂબ અગત્યની છે. તેમણે ઉમેર્યું હતું કે, આત્મહત્યા કરનાર વ્યક્તિથી તેની નજીકની 20 જેટલી વ્યક્તિઓને માનસિક અસર થાય છે. તેમજ તેના આ પગલા પછી કુટુંબને પણ ખૂબ સહન કરવું પડતું હોય છે. આત્મહત્યા કરવાનું વિચાર કરતો વ્યક્તિ હમેંશા આપણને કંઇક અળસાર આપતા હોય છે. તે કયા પ્રકારના અણસાર છે, તેની દષ્ટાંતપૂર્વક વાત કરી હતી. દરેક વ્યક્તિ જે દિવસે પોતાની જાતનો સહજ સ્વીકાર કરશે, ત્યારે આત્મહત્યાનું પ્રમાણ ઘટી શકશે, તેવું કહી તેના દષ્ટાંત આપી આગવી શૈલીમાં રસપ્રદ વાત સરળતાથી વિઘાર્થીઓને કહી હતી. તેમણે વિઘાર્થીઓને જણાવ્યું હતું કે વ્યક્તિની વેદના વાંચતા આવડે તો જ આપણે ઇમોશનલ સાક્ષર બની શકીશું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code