Site icon Revoi.in

ધારી ગીરના જંગલ વિસ્તારમાં સિંહો માટે 250થી વધુ પાણીના પોઈન્ટ કાર્યરત કરાયા

Social Share

અમરેલી, 15 માર્ચ 2026: water points have been made operational for lions in the Dhari Gir forest area.  ઉનાળાના પ્રથમ એવા ફાગણ મહિનામાં તાપમાનનો પારો 42 ડિગ્રીને વટાવી જતા વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં પ્રાણીઓની તરસ છીપાવવા માટે પાણીના પોઈન્ટ કાર્યરત કરવામાં આવી રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાના ધારી ગીર પૂર્વ વિભાગ હેઠળ વનવિભાગે વિશેષ આયોજન હાથ ધર્યું છે. ધારી ગીર પૂર્વ ડિવિઝનની 8 રેન્જમાં 250થી વધુ પાણીના પોઇન્ટ કાર્યરત કરી વન્યપ્રાણીઓ માટે પીવાના પાણીની સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

વનવિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ અમરેલીના ધારી ગીર પૂર્વ ડિવિઝન હેઠળ આવતી ખાંભા તુલસીશ્યામ રેન્જ, દલખાણીયા રેન્જ, હડાળા રેન્જ, પાણીયા પોઇન્ટ રેન્જ, સરસિયા રેન્જ, સાવરકુંડલા રેન્જ, જસધાર રેન્જ અને આંબરડી પ્રવાસન રેન્જ સહિતના વિસ્તારોમાં પાણીના વિશેષ સ્રોતો ઉભા કરવામાં આવ્યા છે. કેટલાક પાણીના પોઇન્ટ પર પવનચક્કી દ્વારા પાણી ભરવામાં આવે છે, જ્યારે મોટાભાગના વિસ્તારોમાં ટેન્કર મારફતે પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. ગીર જંગલ વિસ્તાર ઉપરાંત રેવન્યુ વિસ્તારના અનેક સ્થળોએ પણ પાણીના પોઇન્ટ શરૂ કરવામાં આવ્યા છે, જેથી સિંહો, ચિતલ, હરણ, નીલગાય, જંગલી સૂર અને વિવિધ પક્ષીઓ સહિતના પ્રાણીઓને કાળઝાળ ગરમીમાં પાણી માટે ભટકવું ન પડે. ઉનાળાની તીવ્રતા વચ્ચે વન્યપ્રાણીઓની સુરક્ષા અને સંવર્ધન માટે આ વ્યવસ્થા અત્યંત મહત્વપૂર્ણ બની છે.

 ધારી ગીર પૂર્વ ડિવિઝનના ડીસીએફ વિકાસ યાદવે તમામ રેન્જ અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે દરેક પાણીના પોઇન્ટ નિયમિત રીતે ભરાયેલા રહે અને ક્યાંય પાણીની અછત ન સર્જાય. આ માટે દરેક રેન્જમાં બીટ ગાર્ડ કક્ષાના કર્મચારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તેમને દરરોજ પાણીના પોઇન્ટનું નિરીક્ષણ કરી જરૂરી મુજબ પાણી ભરવાની સૂચનાઓ આપવામાં આવી છે.

વનવિભાગ દ્વારા પાણીના પોઇન્ટની માત્ર રચના જ નહીં, પરંતુ સતત મોનીટરીંગની વ્યવસ્થા પણ અમલમાં મુકાઈ છે. પાણીના સ્તર, પ્રાણીઓની અવરજવર અને સ્થળ પરની સ્થિતિ અંગે સતત નજર રાખવામાં આવી રહી છે. ઉનાળાની ઋતુમાં વન્યપ્રાણીઓ પાણીની શોધમાં માનવ વસાહતો તરફ ન વળે અને જંગલ વિસ્તારમાં જ સલામત રીતે રહી શકે તે માટે આ પગલાં અસરકારક સાબિત થઈ રહ્યા છે. ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ધારી ગીર પૂર્વ વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલી પાણીની આ વ્યવસ્થા વન્યપ્રાણીઓ માટે જીવદાયી સાબિત થઈ રહી છે. વનવિભાગની સતર્કતા અને સમયસરની કામગીરીને કારણે સાવજ સહિતના અનેક પ્રાણીઓ માટે ગરમીની ઋતુમાં રાહતનો માહોલ સર્જાયો છે.

Exit mobile version