
અમદાવાદઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સર્વસમાવેશક વૃદ્ધિ અને સામાજિક-આર્થિક વિકાસ માટે સરકારની મક્કમ પ્રતિબદ્ધતાના ભાગરૂપે, પોસ્ટ વિભાગ, ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક તથા શ્રમ અને રોજગાર મંત્રાલયના સહયોગથી ઈ-શ્રમ પોર્ટલ પર નોંધાયેલા ખેડા જિલ્લાના શ્રમયોગીઓ માટે અંત્યોદય શ્રમિક સુરક્ષા અકસ્માત વીમા યોજનાનો પ્રયોગિક પ્રારંભ ખેડા જિલ્લાના નડિયાદથી કરવામાં આવ્યો હતો. શ્રમયોગીઓના લાભ માટે આ અનોખી યોજનાને ખેડા જિલ્લામાં પ્રાયોગિક ધોરણે શરૂ કરનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય બન્યું છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશમાં પ્રસ્થાપિત થયેલ સુશાસનની વાત કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પ્રસંગે કહ્યું કે, વડાપ્રધાનના નેતૃત્વમાં પ્રજા અને સરકાર બંને એક બની ગયા છે. જેના પરિણામ સ્વરૂપે છેવાડાના માનવીની ચિંતા કરતી સરકાર રોડ, રસ્તા, પાણી, સ્વાસ્થ્ય જેવી માળખાકીય સુવિધાઓના તમામ માપદંડોમાં અગ્રેસર રહી પ્રત્યેક સરકારી યોજનાનો 100 % લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે સતત પરીણામલક્ષી કાર્ય કરી રહી છે. આજે સરકારી યોજનાના લાભ આપવાની કામગીરી તેના સેચ્યુરેશન પોઇન્ટ તરફ આગળ વધી રહી છે. નલ સે જલ યોજના, આયુષ્માન કાર્ડ, વિધવા પેન્શન, ઉજ્વલા, સ્વચ્છ ભારત મિશન વગેરે યોજના દ્વારા લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. આજે દેશના કોઈ પણ ભાગમાં ચૂંટણી અંગેની ચર્ચામાં વિકાસની વાત કેન્દ્રમાં મુકવી જ પડે છે. વડાપ્રધાનના ૯ વર્ષનો સુશાસનકાળ દરમિયાન વિકાસનો સૌથી વધુ લાભ ગુજરાતને થયો છે. પીએમ સ્વનીધી યોજના અંતર્ગત ગુજરાતમાં 3 લાખ લોકોને લોનનો લાભ મળ્યો છે. તથા પ્રધાનમંત્રી જનધન યોજના દ્વારા 46 કરોડ ખાતેદારોને ડીબીટી (ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર) દ્વારા સરકારી યોજનાઓના નાણા સીધા તેમના ખાતામાં જ મળતા વચેટિયાઓનું કલ્ચર નાબૂદ થયું છે.
અંત્યોદય શ્રમિક યોજના અંગે વાત કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું કે આ યોજનાનો હેતુ કોઈ પણ અકસ્માત કે મૃત્યુના કિસ્સામાં શ્રમિકો માટે નાણાકીય સ્થિરતા સુનિશ્ચિત કરવાનો છે. શ્રમિકોને સ્વાસ્થ્યનું કવર મળતા તેઓ વધુ સુરક્ષિત અને આત્મનિર્ભર બનશે. આ વીમા સુરક્ષા યોજના અંતર્ગત 289 અને 499ના પ્રિમિયમમાં દ્વારા શ્રમિકોને મૃત્યુ કે આંશિક વિકલાંગતાના સંજોગોમાં સહાય મળશે. તેમજ કોઈ શ્રમિકની દુર્ઘટના સમયે મૃત્યુ થાય ત્યારે તેના પરિવારના વારસદારને રૂ 10 લાખની સહાય આપવામાં આવશે. ઉપરાંત અકસ્માત સમયે જો કોઈ શ્રમિકને કાયમી અપંગતા આવે તેવા સંજોગોમાં શ્રમિકોને રૂ 10 લાખની રાશિ મળવા પાત્ર થશે. તેમજ શ્રમિકનું મૃત્યુ થાય તેવા સંજોગોમાં તેમના સંતાનોને રૂ.1 લાખની શિક્ષણ સહાય મળવા પાત્ર થશે. આમ અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના શ્રમ યોગીઓને સશક્ત બનાવવામાં ખુબ ઉપયોગી સાબિત થશે.
તેમણે જણાવ્યું હતું કે નરેન્દ્ર ભાઈ મોદીના દીર્ઘદ્રષ્ટા વિચારને કારણે આજે ભારત જેવા વિશાળ દેશમાં ડિજિટલ પેમેન્ટનો વ્યાપ વધ્યો છે. આજે વિશ્વના કુલ ડિજિટલ પેમેન્ટમાં 40 ટકા ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ભારતમાં થઈ રહ્યો છે. ચા ની કીટલી, શાકની લારી જેવા નાના સ્થળોએ જોવા મળતો ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ ‘મેરા દેશ બદલ રહા હૈ’ નું ચિત્ર પ્રતિબિંબિત કરે છે.
આ પ્રસંગે કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવુસિંહ ચૌહાણે જણાવ્યું કે, પંડિત દીનદયાલ ઉપાધ્યાયે વિચાર્યું હતું કે, દેશને સમૃદ્ધ બનાવવો હોય તો શ્રમિકોને પગભર બનાવવા પડશે. ભારતભરમાં 5000થી વધુ પોસ્ટ ઓફિસનું નિર્માણ કરવામાં આવશે. આ પોસ્ટ ઓફિસો પોસ્ટ વિભાગના વિશ્વાસ પાત્ર નેટવર્ક સાથે ભારતના વધુમાં વધુ લોકોને નજીવા પ્રીમિયમ સાથે ઇન્સ્યોરેન્સનો લાભ આપશે. તેમણે ઉમેર્યું કે, આવનારા સમયમાં ભારતના 28 કરોડ શ્રમિકોના ડેટા લઈને તેમને અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના આપવામાં આવશે. સામાન્ય લોકો માટે પણ આ યોજના ટૂંક સમયમાં લાવવામાં આવશે. આ પ્રસંગે મંત્રીએ ખેડા જિલ્લામાં 60 દિવસમાં 10 લાખ મહિલાઓના પોસ્ટ વિભાગમાં ખાતા ખોલાવવા બદલ પોસ્ટ વિભાગના કર્મચારીઓને અભિનંદન પાઠ્વ્યા. સાથેસાથે મંત્રી ખેડા જિલ્લામાં 60 દિવસમાં 1 લાખ ગરીબ પરિવારોને “અંત્યોદય શ્રમિક સુરક્ષા યોજના” નો લાભ મળશે તેવો મુખ્યમંત્રીને વિશ્વાસ આપાવ્યો હતો.