1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. પંચમહાલ જિલ્લામાં તોડ કરતી નકલી વિજિલન્સની ટીમને મોરવાહડપ પોલીસે દબોચી લીધી
પંચમહાલ જિલ્લામાં તોડ કરતી નકલી વિજિલન્સની ટીમને મોરવાહડપ પોલીસે દબોચી લીધી

પંચમહાલ જિલ્લામાં તોડ કરતી નકલી વિજિલન્સની ટીમને મોરવાહડપ પોલીસે દબોચી લીધી

0
Social Share

ગોધરાઃ ગાંધીનગર વિજિલન્સ સ્કોર્ડમાં ફરજ બજાવતાં હોવાની ખોટી ઓળખાણ નાણાં ખંખેરતી ટોળકીના ચાર ભેજાબાજોને મોરવા હડફ પોલીસે ઝડપી લીધા છે. ઝડપાયેલા ચાર ઈસમો પાસેથી પોલીસે પચાસ હજાર રોકડ રકમ, છ મોબાઈલ ફોન અને એક કાર કબ્જે લીધી છે. ઝડપાયેલા ભેજાબાજોએ વિવિધ સ્થળે જઈ તમે દારૂનો વ્યવસાય કરો છો એવી ધમકી આપી નાણાં પડાવતાં હતા.

ગુજરાતમાં કેટલાક મહિનાઓથી નકલી અધિકારીઓ, નકલી ટોલનાકા, નકલી પત્રકારો, નકલી કચેરીઓ, બહાર આવવાની ચોંકાવનારી ઘટના બની છે. ત્યારે પંચમહાલ જિલ્લાના મોરવાહડફના સંતરોડ ખાતેથી નકલી વિજિલન્સ અધિકારીઓ બનીને તોડ કરતા ચાર શખસોને પોલીસે દબોચી લીધા હતા. પોતે વિજિલન્સ સ્વોર્ડના અધિકારીઓ હોવાની ઓળખ આપીને ચાર શખસોએ એક મહિલાને ઘરે જઈને તારા ઘરમાં દારૂ મળ્યો છે, કેસ કરવો પડશે એમ કહીને મહિલાને દાગીના ગીરવી મુકાવીને 40,000 રૂપિયા પડાવી લીધા હતા. આ ઈસમો ભાગી જાય એ પહેલાં મહિલાના જેઠ આવી પહોંચતાં તેણે સમગ્ર મામલાની જાણ મોરવાહડફ પોલીસ મથકે કરી હતી. પોલીસ દ્વારા આ ઈસમોને પકડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ પંચમહાલ જિલ્લાના મોરવાહડફ તાલુકાના સંતરોડ ટેકરી ફળિયામાં રહેતાં અરવિંદાબેન અર્જુનભાઇ પટેલ નાની દુકાન ચલાવીને પોતાનું ગુજરાન ચલાવે છે. બપોરે ટાણે એક સફેદ કલરની કારમાં બેસીને આવેલા ચાર ઈસમ અમે ગાંધીનગરથી આવીએ છીએ અને તપાસ કરવાની છે એમ જણાવી તેમના ઘર અને દુકાનમાં જડતી શરૂ કરી હતી, જ્યાં તેમના હાથમાં કંઈ ન લાગતાં પોતાની કારમાં રાખેલા વિમલના થેલામાં ભરેલી દારૂની બોટલો લઈ આ દારૂ તારા ઘરમાંથી મળ્યો છે એમ કહી ડરાવ્યા હતા. મહિલાએ કરગરતાં કહ્યું કે ભૂતકાળમાં અમે દારૂનો ધંધો કરતાં હતાં, પણ પતિ અર્જુનભાઇ પટેલની ધરપકડ બાદ અમે દારૂનો ધંધો નથી કરતાં. છતાયે  ધમકી આપી હતી. દારૂનો જથ્થો બતાવ્યા બાદ આ ચારેય શખસે દારૂનો કેસ કરવો પડશે અને કોઈપણ જગ્યાએ દારૂનો મોટો જથ્થો પકડાશે ત્યારે તારા પતિ અર્જુનને વોન્ટેડ જાહેર કરીશું એમ જણાવી એક લાખ રૂપિયાની માગણી કરી હતી. મહિલા ડરી જતાં દાગીના ગીરવી મૂકીને પૈસા આપવાની તૈયારી બતાવી હતી. મહિલાએ પોતાના સોનાના દાગીની વેચીને જે 40,000 રૂપિયા મળ્યા હતા એ આ ઈસમોને આપ્યા હતા. તેવામાં જ જેઠ રાજુ રામસિંહભાઈ પટેલ આવી જતાં પોતાને વિજિલન્સનો સ્ટાફ ગણાવનાર ચારેય શખસ પાસે ઓળખકાર્ડની માગણી કરી હતી, જેથી ચારેય એકદમ રોષે ભરાયા હતા અને તું અમારું ઓળખકાર્ડ માગનાર કોણ?  એમ કહી વિવાદ પર ઊતર્યા હતા. દરમિયાન રેડ કરનારા ઈસમો નકલી હોવાનું જાણ થતાં તાત્કાલિક પોલીસને જાણ કરતાં પોલીસે તેમની અટકાયત કરીને મોરવાહડફ પોલીસ મથકે લઈ ગયા હતા. તેમની પાસેથી મોબાઈલ ફોન, રોકડ રકમ અને ડંડા મળી આવ્યા હતા. આ પકડાયેલા ઈસમોમાં ગૌરાંગ શાંતિલાલ વાજા (રહે.આશાપુરા સોસાયટી, ઘોડાસર પોલીસચોકી પાસે, મણિનગર, અમદાવાદ), અક્ષય પ્રવીણભાઈ પટેલ (રહે. સૂર્યકિરણ કોમ્પ્લેક્સ, બચુરામ આશ્રમની બાજુમાં ઘોડાસર, અમદાવાદ), જિતુભાઇ રમણભાઇ ઓડ (રહે. આતરસુંબા, ઓડવાસ, તા. કપડવંજ) અને મનુભાઈ રયજીભાઇ રાવળ (રહે. ધોળાકૂવા, ઠાકોરવાસ, ગાંધીનગર)નો સમાવેશ થાય છે.

પોલીસ સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે,  મોરવાહડફ તાલુકાના સંતરોડ ગામે ટેકરા ફળિયામાં ગાંધીનગર વિજિલન્સના રાજ્ય સેવક તરીકેની ખોટી ઓળખ આપી ચાર ઈસમે ફરિયાદીના ઘરે દારૂ હોવાની તપાસ આદરી હતી. તપાસ કરતાં દારૂ ન મળતાં પોતાના વાહનમાંથી દારૂની બોટલોની થેલી કાઢી ખોટો કેસ કરવાની ધમકી આપી હતી. આરોપી પાસે બળજબરીપૂર્વક રૂ. 40 હજાર રૂપિયા પડાવ્યા હતા અને આજ ચાર ઈસમે ગોધરા તાલુકા પોલીસની હદમાં બખ્ખર ગામે પણ આજ પ્રકારે રૂ. 20 હજારની માગણી કરી રૂ. 07 હજાર પડાવ્યા હતા, જેથી આ ચાર આરોપી સામે મોરવાહડફ અને ગોધરા તાલુકા પોલીસ મથકે વિજિલન્સના રાજ્ય સેવકના કર્મચારી હોવાની ખોટી ઓળખ આપી નાણાં પડવ્યાં હોવાનો ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ મોરવાહડફ પોલીસે તેમને પકડી પાડ્યા છે અને તેમનું વાહન તપાસતાં એમાંથી 3 નંગ દારૂના ક્વાર્ટર મળી આવતાં એનો પણ અલગથી ગુનો નોંધવામાં આવ્યો છે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code