Site icon Revoi.in

વડોદરા નજીક આજવા ચોકડીથી ધુમાડ સુધી 5 કિમી ટ્રાફિકજામ સર્જાતા વાહનચાલકો પરેશાન

Social Share

વડોદરાઃ અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર વડોદરા નજીક હવે ટ્રાફિકજામની સમસ્યા કાયમી બની ગઈ છે. વાહનચાલકોને કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાયેલા રહેવું પડે છે. જામ્બુવા બ્રિજ પર તો રોજ ટ્રાફિક જામ સર્જાતો હોય છે. ત્યારે હવે આજવા ચોકડીથી ઘુમાડ સુધી 5 કિમી ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. છેલ્લા 6 દિવસમાં ચોથીવાર ટ્રાફિકજામ થયો છે. આ અંગે વડોદરાના સાંસદે હાઈવે મંત્રી નીતિન ગડકરીને મળીને રજુઆતો પણ કરી છે. તેમણે હાઈવે ઓથોરિટીના અધિકારીઓને સુચના આપ્યા છતાંયે ટ્રાફિક જામની સમસ્યાનું કાયમી કોઈ નિરાકરણ કરાતું નથી.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે 48 પર આજે મંગળવારે ફરી પાંચ કિલોમીટરનો ટ્રાફિકજામ સર્જાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી વડોદરા નજીકના જામ્બુઆ બ્રિજ પર ભારે ટ્રાફિકજામ સર્જાતો હતો. તો આજે આજવા ચોકડીથી ધુમાડ ચોકડી તરફ વાહનોની કતાર લાગેલી જોવા મળી હતી. છેલ્લા છ દિવસમાં ચોથી વખત ટ્રાફિકજામ થતાં વાહનચાલકો રોષે ભરાયા છે. 6 કલાકથી નેશનલ હાઈવેના ટ્રાફિકમાં ફસાયેલા વાહનચાલકોએ એવો આક્રોશ વ્યક્ત કર્યો હતો કે, સરકાર ટોલ અને ટેક્સ વધારશે પણ રોડ નહિ બનાવે. ખાડાની સમસ્યા જિંદગીભર રહેવાની છે.

અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર ચોમાસાની શરૂઆતથી જ ખાડા પડવાના કારણે વાહનો ધીમે ચાલી રહ્યા છે, જેના કારણે ભારે ટ્રાફિકજામ સર્જાઈ રહ્યો છે. તાજેતરમાં જાંબુવા બ્રિજ પર પડેલા ખાડા અને ટ્રાફિકજામના કારણે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ પણ અધિકારીઓને સૂચના આપી હતી. ત્યારે ફરી એકવાર વડોદરા પાસે આવેલા નેશનલ હાઇવે 48 પર મુંબઈથી અમદાવાદ તરફ જતા માર્ગ પર ભારે ટ્રાફિકજામ થવાના કારણે વાહનચાલકોને ભારે હાલતીનો સામનો કરવો પડી રહ્યો છે. તો બીજી તરફ અહીંયા પડેલા નાના-મોટા ખાડા અને સાંકડા બ્રિજના કારણે આ સ્થિતિનું નિર્માણ થયું છે.

વડોદરાના સાંસદ ડૉ. હેમાંગ જોશીએ જણાવ્યું હતું કે, નેશનલ હાઈવે 48 પર ટ્રાફિકજામ બાબતે મેં ગતરોજ ફરી અધિકારીઓ અને મ્યુનિ. કોર્પોરેશને પણ સૂચનાઓ આપી છે. હાલમાં તેઓ પાસે તાત્કાલિક કોઈ સોલ્યુશન નથી. વરસાદ રોકાય બાદમાં તડકો નીકળે તો થોડું વ્યવસ્થિત કામ કરી શકે છે. બાજુમાંથી પસાર થતા સર્વિસરોડ વ્યવસ્થિત સર્ફેસિંગ થાય તે માટે પણ સૂચનાઓ આપી છે.