Site icon Revoi.in

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારે ગાઢ ધૂમ્મ્સથી વાહનચાલકો પરેશાન થયા

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયા બાદ હવે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યુ છે. ત્યારે આજે કેટલાક વિસ્તારોમાં વહેલી સવારે વાતાવરણમાં ભારે ધુમ્મસ જોવા મળ્યુ હતુ.  વડોદરા-અમદાવાદ એક્સપ્રેસ હાઈવે પર વિઝિબિલિટી ઘટતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન એક્સપ્રેસ હાઈવે ઓથોરિટીએ ભારે ધુમ્મસના કારણે વાહનચાલકોને પોતાના વાહન સાવચેતીપૂર્વક અને ઓછી ગતિએથી ચલાવવા અપીલ કરી હતી.

અરબી સમુદ્રમાં સર્જાયેલુ ડિપ્રેશન શમી જતા ગુજરાતમાં કમોસમી વરસાદનું જોર ઘટી ગયું છે. આજે બપોરના 4 વાગ્યા સુધીમાં રાજ્યમાં વરસાદી ઝાપટાં પડ્યાના વાવડ મળ્યા નથી. બીજી બાજુ વરસાદે વિદાય લેતા હવે ધીમા પગલે ઠંડીનું આગમન થઈ રહ્યું છે. અને વહેલી પરોઢે કેટલાક વિસ્તારોમાં ધૂમ્મ્સની ભારે ચાદર પથરાઈ જાય છે. આજે વહેલી સવારે અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર ગાઢ ધૂમ્મ્સ છવાતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. આવી પરિસ્થિતિમાં વાહનચાલકોએ પોતાના વાહન ખૂબ ધીમેથી ચલાવવાની ફરજ પડી હતી

હાઈવે (NH-1) ઓથોરિટીએ ખાસ જણાવ્યું હતું કે, એક્સપ્રેસ હાઈવે પર વહેલી સવારથી ભારે ધુમ્મસનું વાતાવરણ છવાયેલું છે. જેથી સ્પષ્ટ વિઝન થઈ શકતું નથી. પરિણામે વાહનચાલકોએ પોતાનું વાહન ખૂબ મર્યાદિત સ્પીડમાં ચલાવવા અપીલ કરી છે. સૂર્યનારાયણના દર્શન થતાં જ ધુમ્મસનું વાતાવરણ ધીમે ધીમે દૂર થયું હતું.