ભાવનગર, 16 જાન્યુઆરી 2026: કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલે ભાવનગરથી દિલ્હીની સીધી ટ્રેન શરૂ કરવાની માગ કરી છે. હાલ ભાવનગરથી દિલ્હીની કોઈ જ સીધી ટ્રેન નથી. થોડા સમય પહેલા ભાવનગરથી સકુરબસ્તી (દિલ્હી)ની ટ્રાયલ ઓન ડીમાન્ડ ટ્રેન શરુ કરેલી તે પણ કોઈ કારણોસર બંધ કરી દેવામાં આવી છે. માટે ભાવનગરથી દિલ્હીની સીધી ટ્રેન શરુ થાય તે પ્રવાસીઓને સારો લાભ મળી શકે તેમ છે.
સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે,હાલમાં ભાવનગરથી અયોધ્યા વચ્ચે આવતી-જતી (કૂલરેક) ચાલતી ટ્રેન સપ્તાહમાં માત્ર બે જ દિવસ ચાલે છે અને ચાર દિવસ સુધી ફ્રી પડી રહે છે. આ જ ટ્રેન (રેક ) ને ઓછામાં ઓછા અઠવાડિયામાં એક વખત ભાવનગરથી દિલ્હીના કોઈપણ સ્ટેશન સુધી ચલાવી શકાય તેમ છે.આથી સપ્તાહમાં એક ટ્રેન ભાવનગરથી દિલ્હી સુધી દોડાવી શકાય તેમ છે. શક્તિસિંહે આ અંગે રેલવે મંત્રીને રજુઆત કરી છે.
તેમણે રેલવે મંત્રીને એવી પણ રજુઆત કરી છે કે, ભાવનગરથી વેરાવળ અને ભાવનગરથી પોરબંદર વચ્ચે ચાલતી ટ્રેનોમાં ઘણું લાંબુ અંતર થતું હોય તે ટ્રેનોને એક્સપ્રેસમાં અપગ્રેડ કરવી જરૂરી છે. ભાવનગર ટર્મિનસ ઉપર ટ્રેનોના ઇન્સ્પેકશન, સફાઈ અને સામાન્ય રીપેરીંગ માટે માત્ર બે જ પિટ લાઈન ઉપલબ્ધ છે, જે અપૂરતી છે. માટે બે વધારાની પીટ લાઈન્સ બનાવવી જરૂરી છે. આ બધી જ બાબતોને આવરી લઈને ગોહિલે રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવને પત્ર લખીને રજુઆત કરી છે.

