
નવી દિલ્હીઃ દેશમાં હાલ જ્ઞાનવાપી મસ્જીદ, કૃષ્ણજન્મભૂમિ અને કુતુબમીનાર મુદ્દે વિવાદ ચાલી રહ્યો છે. દરમિયાન જાણીતા ઇતિહાસકાર ઇરફાન હબીબનું ચોંકાવનારુ નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, ઔરંગઝેબએ મથુરા-કાશીના મંદિર તોડ્યાં હતા. તે જમાનામાં કોઈ કામ ગુપ્ત રીતે થતું ન હતું. ઈતિહાસમાં મંદિર તોડવાની તારીખ નોંધાયેલી છે, તેમણે કહ્યું કે, હું ઈતિહાસકાર છું કોઈ રાજનીતિ નથી કરતો.
પદ્મ ભૂષણથી સન્માનિત જાણીતા ઈતિહાસકાર ઈરફાન હબીબે કહ્યું કે બનારસનું મંદિર ઔરંગઝેબ દ્વારા નષ્ટ કરવામાં આવ્યું હતું અને તેમાં મથુરાનું મંદિર પણ સામેલ છે. જે જહાંગીરના શાસન દરમિયાન રાજા વીર સિંહ બુંદેલાએ બંધાવ્યું હતું. તેમણે સ્પષ્ટ કહ્યું કે બે મોટા મંદિરો છે જે ઔરંગઝેબે તોડી પાડ્યા હતા. તેમણે વધુમાં કહ્યું કે, એવી કોઈ વાત નથી જે નવી હોય, બધું ઇતિહાસમાં નોંધાયેલું છે. ઈતિહાસમાં બધી બાબતો નોંધાયેલી છે પણ મુદ્દો એ છે કે તમે કેટલા પાછળ જવા માંગો છો. ઔરંગઝેબે મંદિર તોડીને ખોટું કામ કર્યું હતું, એ જ રીતે હવે સરકાર પણ ખોટું કામ કરશે. મંદિર તોડવાની ઘટના ઇતિહાસમાં નોંધાયેલી છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે જે વસ્તુ 1670 માં બની હતી, શું તમે તેને હવે તોડી શકો છો, તે મેમોરિયલ એક્ટની વિરુદ્ધ છે.
તેમણે વધુમાં કહ્યું કે, જે મંદિરો તોડી પાડવામાં આવ્યા હતા, તેમના પત્થરો મસ્જિદોમાં લગાવવામાં આવ્યા હતા. જ્ઞાનવાપી મસ્જિદમાં શિવલિંગની વાત કરવામાં આવી રહી છે, પરંતુ જે અરજી દાખલ કરવામાં આવી હતી તેમાં તેનો ઉલ્લેખ સુદ્ધાં નથી.
શિવલિંગ બનાવવાનો એક નિયમ હોય છે. દરેક વસ્તુને શિવલીંગ ના કહી શકાય. જે કેસ દાખલ થયો હતો તેમાં શિવલિંગનો ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો, પરંતુ હવે શિવલિંગને મુદ્દા તરીકે રજૂ કરવામાં આવી રહ્યું છે. તેણે ફરી કહ્યું કે ચિત્તોડમાં રાણા કુંભાનો એક મોટો મિનારા છે, તેના એક પથ્થર પર અરબીમાં અલ્લાહ લખાયેલું છે, તેથી તેને મસ્જિદ કહી શકાય નહીં.