 
                                    અમદાવાદઃ શહેરની સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે મ્યુનિ.કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. પણ નદીમાંથી પ્રદુષણને દુર કરવામાં સફળતા મળતી નથી.નદી શુદ્ધ થવાને બદલે પ્રદુષિત થઈ રહી છે. નદીમાં ગંદકી અને જંગલી વેલનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. નદીની યોગ્ય સફાઈ કરવામાં ન આવતા સુભાષબ્રિજથી ડફનાળા સુધી વેલની લીલી ચાદર પથરાઈ ગઈ છે. હાઇકોર્ટની ટકોર બાદ મ્યુનિનું તંત્ર સફાળું જાગ્યું છે અને વેલને કાઢવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ શહેરના સાબરમતી રિવરફ્રન્ટ એ શહેરની જ નહીં પણ સમગ્ર દેશની શાન છે. રિવરફ્રન્ટના નામે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધ મેળવી છે. પરંતુ મ્યુનિ.કોર્પોરેશન સાબરમતી નદીને સ્વચ્છ કરવામાં નિષ્ફળ સાબિત થયું છે. તંત્ર દ્વારા સાબરમતી નદીના શુદ્ધિકરણ માટે અત્યાર સુધીમાં 400 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. છતાં પણ સાબરમતી નદી પ્રદૂષણનો પર્યાય બની છે. હાલ નદીમાં પ્રદુષણ અને ગંદકી વધી છે. સાબરમતીમાં લીલની જાજમ પથરાઈ ગઈ છે. સુભાષબ્રિજથી શાહીબાગ ડફનાળા સુધી નદીમાં જંગલી વેલનું સામ્રાજ્ય છે. વેલને કારણે નદીનું પાણી દુર્ગંધ મારે છે. અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે. નદીને સ્વચ્છ રાખવા માટે કોર્પોરેશન દ્વારા ત્રણ સ્કીમર મશીન વસાવવામાં આવ્યા છે. પરંતુ સફાઈ ન થતા લીલ અને જંગલી વેલ જામી ગઈ છે.
આ અંગે મ્યુનિના અધિકારીઓ એવું કહી રહ્યા છે કે, નદીમાં પાણીનું સ્તર ઓછું હોવાથી સ્કીમર મશીનથી સફાઈ થઈ શકતી નથી.જેને લઈને નદીમાંથી વેલને બહાર કાઢવ મેન્યુઅલી કામગીરી શરૂ કરવામાં આવી છે. હાલ નદીમાંથી દરરોજ 300થી 400 ટન વેલ અને કચરો બહાર કાઢવામાં આવી રહ્યો છે. વેલ અને કચરાના ઢગ ખડકાયા ત્યાં સુધી કોર્પોરેશન જાગ્યું નહીં. સાબરમતી નદીમાં પ્રદુષણને લઇને હાઇકોર્ટે પણ અનેક વખત જીપીસીબી અને મ્યુનિને ફટકાર લગાવી છે. પરંતુ કરોડોના ખર્ચ બાદ પણ નદીમાં પ્રદુષણ યથાવત છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

