
રાજકોટઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા રખડતા ઢોર સામે નવી પોલીસી બનાવ્યા બાદ પણ રખડતા ઢોરનો ત્રાસ દુર થયો નથી. દરમિયાન ગુરૂવારે સવારે શહેરના ગાંધીગ્રામના ગૌતમનગર વિસ્તારમાં રખડતા ઢોર પકડવા ગયેલી ઢોરપકડ પાર્ટી અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં પશુપાલકો તેમજ મ્યુનિ.ના કર્મચારીઓ વચ્ચે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ બનાવમાં એક માલધારી મહિલાને ઈજાઓ થઈ હતી.
આ બનાવની સૂત્રોમાંથી એવી વિગતો જાણવા મળી છે, કે, રાજકોટ શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં લાખના બંગલા મેઇન રોડ પર ઢોરપકડ પાર્ટી અને પશુપાલકો વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં મ્યુનિ.ની ટીમ ગૌતમનગરમાંથી રખડતાં ઢોર પકડવા જતા પશુપાલકોએ મ્યુનિ.ના કર્મચારીઓ અને એસઆરપીના સુરક્ષા જવાનો પર હુમલો કર્યો હતો. જેમાં પશુપાલક મહિલાઓ અને મહિલા સુરક્ષા કર્મચારીઓ વચ્ચે ભારે ઝપાઝપીનાં દૃશ્યો સર્જાયાં હતાં. આ દરમિયાન ઢોરપકડ પાર્ટીના કર્મચારીનાં કપડાં ફાટી ગયાં હતા. તેમજ માલધારી સમાજની મહિલાને ઇજા થઇ હતી. સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી પશુપાલક મહિલાના પુત્રએ જણાવ્યું હતું કે, અમારી પાસે ત્રણ ગાય છે. સવારે 8 વાગ્યા આસપાસ અમે ગાયોને દોહવા માટે બહાર કાઢી હતી. ત્યારે ઢોરપકડ પાર્ટીની ટીમ ત્યાં આવી પહોંચી હતી. ગાયો બાંધેલી હોવા છતાં તેને છોડાવી ડબ્બામાં પૂરી દેતા અમે વિરોધ કર્યો હતો. જેને લઈ કર્મચારીઓએ અમારી સાથે ગેરવર્તન કર્યું હતું. એટલું જ નહીં ધોકા-પાઇપ વડે માર મારતા મારા મધર ઘાયલ થયાં હતાં. જેને લઈને હાલ તેમને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયાં છે. આ માટે જવાબદારો સામે પગલાં લઈને અમને ન્યાય આપવામાં આવે તેવી માગ છે.
મ્યુનિ.ના અધિકારીના કહેવા મુજબ મ્યુનિના કર્મચારીઓ એસઆરપી પોલીસ સાથે ગાંધીગ્રામ નજીક આવેલા ગૌતમનગર-4માં ઢોર પકડવા માટે ગઈ હતી. જ્યાં ત્રણ પશુઓને પશુપાલકોએ ભગાડી દીધા હતા. જ્યારે અન્ય એક પશુને પકડતા પશુપાલકો દ્વારા કર્મચારીઓ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં કર્મચારીઓ સાથે ઝપાઝપી પણ કરી હતી. આ મામલે ગાંધીગ્રામ પોલીસને રજૂઆત કરવામાં આવી છે.