અમદાવાદ, 8 જાન્યુઆરી 2026: શહેરના કેટલાક વિસ્તારમાં દૂષિત પાણીની ફરિયાદો વધતા જાય છે. તેમજ પ્રદૂષિત એર ક્વોલિટીને લીધે શ્વાસના દર્દીઓ પણ વધતા જાય છે. ત્યારે આ મુદ્દે મ્યુનિ.કમિશનરે જવાબદાર અધિકારીઓ પાસે જવાબ માગ્યો હતો. અને અધિકારીઓને ખખડાવ્યા હતા. પ્રદૂષિત પાણીના મામલે નક્કર કાર્યવાહીના પગલે માત્ર સ્ટાફને સૂચના આપી છટકી જતા પૂર્વ ઝોનના એડિશનલ અધિકારીને શો- કોઝ નોટિસ ફટકારવામાં આવી છે. શહેરમાં આવેલી ચાલીઓ અંગે 6 મહિનાથી લિસ્ટ આપવા માટેની સૂચના છતાં પણ લિસ્ટ ન આપવા બદલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરોને શો-કોઝ નોટિસ આપવા સૂચના આપી હતી. શહેરમાં ચાલીઓ સ્લમ વિસ્તારોમાં ખાનગી બોર પર ડોઝર મશીન લગાવીને ક્લોરિનેશનની વ્યવસ્થા કરવા સૂચના આપી હતી.
શહેરના કેટલાક વિસ્તારોમાં દૂષિત પાણીની ફરિયાદો વધી રહી છે. ત્યારે મ્યુનિ. કમિશનરે બોલાવેલી રિવ્યુ મીટિંગમાં કમિશનરે પૂર્વ વિસ્તારના વટવા, લાંભા, બહેરામપુરા, સરસપુર, અમરાઈવાડી, વસ્ત્રાલ વગેરે વિસ્તારોમાં પેટને લગતી બીમારીના કેસોમાં વધારો અને પાણીમાં ક્લોરિન નીલ આવવાની બાબતને ગંભીરતાથી લઈને યોગ્ય પગલાં નહીં લેવા બદલ અધિકારીઓનો ઉધડો લીધો હતો શહેરમાં પ્રદૂષિત પાણી અને પાણીજન્ય રોગો ધરાવતા 26 જેટલા હાઈરિસ્ક એરિયા માટે કેમ કોઈ પગલાં લેવાતા નથી? તેવો પ્રશ્ન કરીને ચાલીઓ, સ્લમ વિસ્તારોમાં આવેલા પ્રાઈવેટ બોર તેમજ સોસાયટીઓના બાર પર ક્લોરિનેશન માટે ડોઝર મશીન લગાવવા સૂચના આપી હતી. તેમજ શહેરમાં કેટલાં પાણીપુરીના ઉત્પાદકો, વેપારીઓ છે? તેવો પ્રશ્ન કરતાં અધિકારીએ જવાબ આપ્યો હતો કે, એક હજાર જેટલા પાણીપુરી વેચનારા હશે. પાણીપુરીના કેટલાં સેમ્પલ લેવાયા? તેવા સવાલો કર્યા હતા. કમિશનરે પાણીપુરીના સેમ્પલ લેવા તાકીદ કરી હતી. પાણીના કેરબા જગમાં ક્લોરિનેશન થતું નથી અને પાણીના જગ- કેરબામાં પ્રદૂષિત પાણી જોવા મળે તો તેને કાયમી ધોરણે બંધ કરી દેવા તાકીદ કરી હતી. કોમનવેલ્થ ગેમ્સના આયોજનના ભાગરૂપે શહેરમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ સુધારવા ખાસ ધ્યાન આપવા અને ડસ્ટ ફ્રી રોડ બનાવવા સહિત પગલાં લેવા સૂચના આપી હતી.

