Site icon Revoi.in

વડોદરામાં મ્યુનિ. દ્વારા જાહેર રોડ-રસ્તાઓ પરના દબાણો દુર કરાયા

Social Share

વડોદરાઃ શહેરમાં જાહેર રોડ પર લારી-ગલ્લાના દબાણોથી ટ્રાફિકના પ્રશ્નો સર્જાતા હોય મ્યુનિ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગ દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ હાથ ધરવામાં આવી છે. શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નં-6 સામેના રસ્તા પર ખાણી-પીણીની લારીઓના દબાણ પર મ્યુનિની ટીમ ત્રાટકી હતી. પાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે રાખીને મોટી કાર્યવાહી હાથ ધરી હતી. સવારમાં લારી-ગલ્લાઓ શરૂ થાય તે પહેલા જ તેને જપ્ત કરી લેવામાં આવ્યા હતા. આ અંગે લારી ધારકોએ એવો આક્ષેપ કર્યો હતો કે, અમે દર મહિને રૂ.1 હજાર ભરીએ છીએ. છતાં અમારી લારીઓ જપ્ત કરી લેવામાં આવી છે. મ્યુનિના દબાણ શાખાના અધિકારીના કહેવા મુજબ  અમે ઉપરથી મળેલા આદેશ અનુસાર કાર્યવાહી કરી રહ્યા છીએ. કાર્યવાહી દરમિયાન બે ટ્રક ભરીને સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.

વડોદરા મ્યુનિ. કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં દબાણો દુર કરવાની ઝૂંબેશ હાથ ધરવામાં આવી રહી છે. દરમિયાન શહેરના રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-6ની સામે આવેલા રોડ સાઇડના દબાણો પર મ્યુનિની ટીમો ત્રાટકી હતી. કાર્યવાહી દરમિયાન કોઇ અનિચ્છનીય ઘટનાના બને તથા ટ્રાફિકનું નિયમન સુચારૂ રૂપે થાય તે માટે પોલીસનો પુરતો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. મોટા ભાગે અહિંયા વહેલી સવારથી લઇને મોડી રાત સુધી ખાણી-પીણીની લારીઓ ધમધમતી હોય છે. અહિંયા જમવા આવતા લોકો દ્વારા રોડ સાઇડમાં પાર્કિંગ કરવામાં આવતું હોવાથી તે ટ્રાફિક માટે અડચણરૂપ સાબિત થાય છે. આવી બુમો અગાઉ અનેક વખત ઉઠવા પામી હતી  સવારે લારી શરૂ કરવા માટે ધારકો આવ્યા હતા અને જમવાનું તૈયાર કરી રહ્યા હતા. તેવામાં જ મ્યુનિની દબાણ શાખાની ટીમો ત્રાટકી હતી. રોડ સાઇડમાં રાખવામાં આવેલા લારી-ગલ્લા, ખુરશી-ટેબલોને એક પછી એક જમા કરવામાં આવી રહ્યા હતા. દબાણ શાખાની કાર્યવાહીથી લારી ધારકોમાં રોષ જોવા મળી રહ્યો હતો. લારી ધારકે મીડિયાને જણાવ્યું કે, મારી સેવઉસળ-પૌંઆની લારી છે. અમે મ્યુનિને મહીને રૂ.1 હજાર ભરીએ છીએ. દોઢ મહિનામાં આ ત્રીજી વખત મારી લારી જપ્ત કરવામાં આવી રહી છે.

Exit mobile version