POKના આક્રોશથી ડરેલા મુનીરની ભારતને ગર્ભિત ધમકી, સરહદે ઘૂસણખોરી વધારવાના સંકેત બાદ ભારતીય સેના એલર્ટ
નવી દિલ્હી, 8 જુલાઈ 2026: પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (પીઓકે) માં સતત વધી રહેલા ભીષણ જનવિરોધ, આર્થિક કટોકટી અને બગડતી પરિસ્થિતિથી પાકિસ્તાની શાસકો અને ત્યાંની સેના ફફડી ઉઠી છે. આ આંતરિક આક્રોશ પરથી જનતાનું ધ્યાન ભટકાવવા માટે પાકિસ્તાની આર્મી ચીફ જનરલ અસીમ મુનીરે ભારત સામે નવો મોરચો ખોલવાની ગર્ભિત ધમકી આપી છે. રાવલપિંડી સ્થિત જનરલ હેડક્વાર્ટરમાં આયોજિત કોર કમાન્ડર્સ કોન્ફરન્સમાં મુનીરે ભારત સામે ‘સિંધુ જળ સંધિ’નો મુદ્દો ઉઠાવ્યો છે અને દાવો કર્યો છે કે પાકિસ્તાન આ વિવાદ પર દરેક સ્તરે આક્રમક પ્રયાસો કરશે. ભારતીય સુરક્ષા એજન્સીઓ પાક. આર્મી ચીફના આ નિવેદનને જમ્મુ-કાશ્મીરને અડતી નિયંત્રણ રેખા અને ઇન્ટરનેશનલ બોર્ડર પર આતંકી ઘૂસણખોરી વધારવાના ઇરાદા તરીકે જોઈ રહી છે.
ગુપ્તચર એજન્સીઓના ઇનપુટ્સ અનુસાર, પીઓકેમાં પાક. આર્મી વિરુદ્ધ જે આંતરિક વિદ્રોહ ફાટી નીકળ્યો છે, તેનાથી બચવા અને બોર્ડર પર ટેન્શન વધારવા માટે પાકિસ્તાની સેના આગામી દિવસોમાં આતંકી ગતિવિધિઓને તેજ કરી શકે છે. આ આશંકાને પગલે જમ્મુ-કાશ્મીરમાં એલઓસી અને આંતરરાષ્ટ્રીય સરહદે સુરક્ષા વ્યવસ્થા લોખંડી કરી દેવામાં આવી છે. સેનાએ સંવેદનશીલ વિસ્તારોમાં સર્ચ ઓપરેશન તેજ કરી દીધા છે અને તમામ સુરક્ષા એજન્સીઓને રાઉન્ડ-ધ-ક્લોક એલર્ટ પર રાખવામાં આવી છે.
પાકિસ્તાન તરફથી સરહદ પારથી જમીનની અંદર સુરંગો બનાવીને આતંકીઓ અને હથિયારો ઘુસાડવાના ષડયંત્રને નાકામ કરવા માટે બોર્ડર સિક્યુરિટી ફોર્સએ વિશેષ ‘એન્ટી ટનલ અભિયાન’ શરૂ કર્યું છે. ખાસ કરીને સાંબા અને કઠુઆ સેક્ટરમાં પાકિસ્તાની રેન્જર્સની ચોકીઓની બિલકુલ સામેથી ભારતીય સરહદ તરફ અન્ડરગ્રાઉન્ડ સુરંગો બનાવવાની આશંકાને પગલે મંગળવારથી જ અદ્યતન ટેકનિકલ સર્વેલન્સ અને જમીનની અંદર થતી હલચલ પર નજર રાખતી સિસ્ટમ સક્રિય કરાઈ છે. ભૂતકાળમાં પણ આ વિસ્તારોમાંથી જ સરહદી વાડ (ફેન્સિંગ) ને બાયપાસ કરતી ગુપ્ત સુરંગો મળી આવી છે, જેનો ઉપયોગ ડ્રગ્સ, હથિયારો અને વિસ્ફોટકોની હેરાફેરી માટે થતો હતો.
-
‘અસીમ મુનીરના નાપાક મનસૂબા ક્યારેય સફળ નહીં થાય’: બ્રિગેડિયર જમવાલ
આ વ્યૂહાત્મક સ્થિતિ અંગે ભારતીય સેનાના નિવૃત્ત બ્રિગેડિયર રાજેન્દ્ર સિંહ જમવાલે જણાવ્યું હતું કે, “પાકિસ્તાન આતંકવાદને સ્ટેટ પોલિસી તરીકે વાપરતું આવ્યું છે, પરંતુ હવે ભારતની બદલાયેલી રણનીતિ સામે તેની સ્પેસ ખતમ થઈ ગઈ છે. આપણી એજન્સીઓ સરહદ પારની દરેક હિલચાલ પર બાજ નજર રાખી રહી છે. પાકિસ્તાન ભલે ગમે તેટલી નવી તરકીબો અજમાવે, પરંતુ કેન્દ્ર સરકારની ઝીરો-ટોલરન્સ નીતિ અને સેનાના આધુનિક સર્વેલન્સ સામે અસીમ મુનીરના નાપાક મનસૂબા ક્યારેય સફળ થશે નહીં.”
- ડ્રોન અને આતંકી ઇનપુટ્સ બાદ આખું કાશ્મીર સીલ
મળતી માહિતી મુજબ, સેના, જમ્મુ-કાશ્મીર પોલીસ અને સીઆરપીએફએ સંયુક્ત રીતે શોપિયાં, રાજૌરી અને ડોડા જેવા હાઈ-રિસ્ક વિસ્તારોમાં સઘન ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શોપિયાંમાં પ્રતિબંધિત સંગઠન લશ્કર-એ-તૈયબાના આતંકીઓ છુપાયા હોવાના પાકા સમાચાર છે, જ્યારે રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાની ડ્રોન દેખાયા બાદ પલનવાલા અને એલઓસીને અડતા નદી-નાળાઓવાળા તમામ કુદરતી માર્ગો પર ભારતીય જવાનો કડક વોચ ગોઠવીને બેઠા છે.


