Site icon Revoi.in

વડોદરાના અટલાદરા વિસ્તારમાં મ્યુનિનું મેગા ઓપરેશન, 45 દૂકાનો અને 11 ઝૂંપડા તોડી પડાયા

Social Share

વડોદરાઃ શહેરમાં મ્યુનિ.કોર્પોરેશન દ્વારા દબાણ હટાવ ઝૂંબેશ ફરીવાર હાથ ધરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારોમાં થયેલા કાચા પાકા દબાણો, ગેરકાયદે ઢોરવાડા સહિત ગેરકાયદે ખડકાયેલા લારી, ગલ્લા, પથારા, શેડ જેવા દબાણો હટાવવાની કાર્યવાહી દબાણ શાખા દ્વારા શરૂ થઈ છે ત્યારે શહેરના દક્ષિણ વિસ્તારમાં આવેલા અટલાદરા-સ્વામિનારાયણ મંદિરના મેઇન રોડ પર વર્ષોથી અનેક ગેરકાયદે કાચી પાકી દુકાનો તથા ગેરકાયદે બંધાયેલા છાપરાઓ તોડી પાડીને દબાણો હટાવાયા હતા. આ દબાણ હટાવ ઝૂંબેશમાં 45 ગેરકાયદે દૂકાનો તેમજ 11 ઝૂંપડા પર બુલડોઝર ફેરવી દઈને રોડ રસ્તા ખુલ્લા કર્યા હતા. આ કાર્યવાહીમાં સ્થાનિક પોલીસ કાફલો અને એસઆરપીની ટીમ તથા ફાયર બ્રિગેડ, વીજ નિગમનો સ્ટાફ, ટાઉન પ્લાનિંગ સ્ટાફ, એમ્બ્યુલન્સની ટીમના સહયોગથી કાર્યવાહી વિના વિઘ્ને સફળતાપૂર્વક પાર પડી હતી.

વડોદરા શહેરના દક્ષિણ વિસ્તારમાં અટલાદરા સ્વામિનારાયણ મંદિર વિસ્તાર હરણફાળ ગતિએ પ્રગતિ કરી રહ્યો છે. પરિણામે દિન પ્રતિદિન વાહનોની અવરજવર સહિત લોકોની આવન જાવન પણ વધી ગઈ છે. જ્યારે બીજી બાજુએ ટ્રાફિક વધી જતા રોડ રસ્તા પર પણ ટ્રાફિક જામના દ્રશ્યો વારંવાર સર્જાયા કરે છે.  દરમિયાન આ વિસ્તાર મુખ્ય રોડ રસ્તા પર ગેરકાયદે કાચી પાકી દુકાનો સહિત છાપરાવાળા અને કાચા પાકા મકાનો ગેરકાયદે હોવા અંગે પાલિકા તંત્રને વારંવાર ફરિયાદો મળી હતી. જેથી આ વિસ્તારના વાહન વ્યવહારને સરળ બનાવવાના ઇરાદે પાલિકા તંત્ર એકશનમાં આવ્યું હતું. પરિણામે દબાણ શાખાની ટીમ ચારથી પાંચ જેટલા બુલડોઝરો, સહિત કાટમાળ ભરવા માટે ટ્રકો આજે સવારથી જ અટલાદરા વિસ્તારના સ્વામિનારાયણ મંદિર રોડ પર પહોંચી ગઈ હતી. સ્થાનિક પોલીસ સ્ટાફ તથા એસઆરપીની ટીમ પણ તૈનાત થઈ હતી.આ ઉપરાંત વીજ નિગમની ટીમ, એમ્બ્યુલન્સ ટીમ પણ ઉપસ્થિત થઈ હતી.

જ્યારે બીજી બાજુ ગેરકાયદે દબાણો હટાવવાનું મેગા ઓપરેશન થવાનું હોવાની જાણ સ્થાનિક થતા લોકોને ટોળાં એકઠા થયા હતા.પરંતુ પોલીસ ટીમ અને એસઆરપી ટીમે તમામને સંયમપુર્વક સમજાવીને ટ્રાફિકજામની સ્થિતિ નિવારી હતી. નિયત સમયે તમામ ગેરકાયદે કાચી પાકી દુકાનો, કાચા પાકા છાપરા વાળા ગેરકાયદે મકાનો મળીને કુલ 35 જેટલા યુનિટ પર દબાણ શાખાના બુલડોઝરો ફરી વળતા જ પાલિકાની દબાણ શાખાનું મેગા ઓપરેશન કોઈપણ જાતના વિક્ષેપ વગર જોત જોતામાં પૂરું થયું હતું.

 

 

 

Exit mobile version