
નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમના 112મા એપિસોડમાં વિવિધ વિષયો પર દેશવાસીઓ સાથે કરી વાત
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાતની 112મી કડીમાં દેશવાસીઓને સંબોધન કરતા પેરિસ ઓલિમ્પિક, પ્રોજેક્ટ પરી, ડગ્સ દૂષણને નાથવા માનસ હેલ્પલાઇન, ટાઇગર ડે , તેમજ આસામની વર્લ્ડ હેરિટેજ સાઇટનો ઉલ્લેખ કરતા ઓગસ્ટ માસમાં આવતા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી. પ્રધાનમંત્રીએ પેરિસ ઓલિમ્પિકમાં ખેલાડીઓના ઉત્સાહ વધારવાની વાત કરતા કહ્યું હતું કે, Cheer for Bharat. તેમજ મેથેમેટિક્સ ઓલિમ્પિયાડમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીતીને આવેલા પૂણે, મુંબઇ , ઉ.પ્ર અને ગુવાહાટીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું કે, આસામના ચરાઇડેઉ મૈદામને યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં સામેલ કરવામાં આવ્યું છે. આ યાદીમાં તે ભારતની 43મી પરંતુ નોર્થ ઈસ્ટની પહેલી સાઈટ હશે. તેમણે કહયું હતું કે, મૈદામનું વર્લ્ડ હેરિટેજ સાઈટ બનવાનો અર્થ એ કે અહીં વધુ પ્રમાણમાં પર્યટકો આવશે. પ્રધાનમંત્રીએ કળાના સંવર્ધન માટે પ્રોજેક્ટ પરીની વાત પણ કરી હતી. પ્રોજેક્ટ પરી એટલે કે Public Art of India. જેના ઉદાહરણ રૂપે પ્રધાનમંત્રીએ ભારત મંડપમના આર્ટવર્કસની પણ વાત કરી હતી. સાથે જ હરિયાણાની મહિલા સેલ્ફ હેલ્પ ગ્રુપની કળાકારીગરી પ્રશંસા કરતા 250 મહિલાઓના હાથસાળ ઉદ્યોગ તેમજ બ્લોક પ્રિન્ટિંગ અને રંગકામની વાત કરતા મહિલાઓની રોજગારીનો ઉલ્લેખ કર્યો હતો. અને જણાવ્યું હતું કે ખાનગી કંપનીઓ AIની મદદથી હેન્ડલૂમ ઉત્પાદનો અને સસ્ટેનેબલ ફેશનને પ્રોત્સાહન આપી રહી છે. તો ખાદીને પ્રોત્સાહન આપવાની વાત જણાવતા કહ્યું હતું કે ખાદી ગ્રામોદ્યોગનો વેપાર પહેલી વખત દોઢ લાખ કરોડ રૂપિયાને પાર થઈ ગયો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સાથે જ ડ્રગ્સ દૂષણને નાથવા માનસ હેલ્પલાઇન, ટાઇગર ડે , હર ઘર તિરંગા અભિયાન તેમજ એક પેડ મા કે નામ અભિયાન અંગે પણ પોતાના વિચારો જણાવ્યા હતા. ડ્રગ્સના દૂષણને નાથવાની વાત કરતા માનસ પોર્ટલ અંગે જણાવ્યું હતું. તેમજ જણાવ્યું હતું કે ટોલ ફ્રી નંબર 1933 ઉપર ડ્રગ્સ સાથે સંબંધિત કોઈ પણ માહિતી આપી શકે છે. પ્રધાનમંત્રીએ 29 જુલાઇએ આવતા ટાઇગર ડેના સંદર્ભમાં ઉત્તર પ્રદેશના પિલિભીતમાં ચાલી રહેલા વાઘ મિત્ર કાર્યક્રમનો ઉલ્લેખ કરતા કહ્યું કે વાઘ મિત્રો એ વાતનું પૂરું ધ્યાન રાખે છે કે વાઘ અને મનુષ્યો વચ્ચે ટકરાવની સ્થિતિ ઊભી ન થાય. તેમણે વાઘના સંરક્ષણ અને સંવર્ધનનો ઉલ્લેખ કર્યો હતો.
ઓગસ્ટ માસમાં આવી રહેલા સ્વંત્રતા દિવસના ઉપક્રમે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગા અભિયાનનો ઉલ્લેખ કરી, ‘harghartiranga.com’ પર તિરંગા સાથે પોતાની સેલ્ફી અપલોડ કરવા પણ જણાવ્યું હતું. તેમજ 15 મી ઓગસ્ટ પહેલા નાગરિકોને સૂચનો મોકલવા પણ અનુરોધ કર્યો હતો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે એક પેડ મા કે નામ અભિયાનને બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. જેમાં ઇન્દૌરમાં આ અભિયાન અંતર્ગત એક જ દિવસમાં લોકોએ માતાના નામે બે લાખ રોપા વાવ્યા હતા. પ્રધાનમંત્રીએ લોકોને છોડ વાવીને સેલ્ફી પોસ્ટ કરવાનું સૂચન પણ કર્યું હતું. સાથે જ ઓગસ્ટ માસમાં આવતા તહેવારોની શુભેચ્છા પાઠવી હતી.