મોસ્કોઃ રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિને અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભારત સામેના ટેરિફ દબાણને લઇને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી છે. તેમણે કહ્યું કે, “નરેન્દ્ર મોદી એક સંતુલિત અને શાણી વ્યક્તિ છે, તેઓ ટ્રમ્પના વલણથી દબાશે નહીં.”
રશિયાના ‘વાલ્ડાઇ ડિસ્કશન ક્લબ’ના ખુલ્લા અધિવેશનમાં પુતિને ભારત-રશિયા તેલ વ્યવહાર અંગે બોલતાં જણાવ્યું કે, ભારતનો રશિયા પાસેથી ક્રૂડ ઑઇલ ખરીદવાનો નિર્ણય સંપૂર્ણપણે આર્થિક કારણોસર લેવામાં આવ્યો છે, અને તેનું રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી.
પુતિને વધુમાં કહ્યું કે, “જો ભારત રશિયાથી તેલ ખરીદવાનું બંધ કરે તો તેને 8થી 10 અબજ ડોલર જેટલું આર્થિક નુકસાન થઈ શકે છે. બીજી તરફ જો તેલ ખરીદવાનું ચાલુ રાખે, તો ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલા 25 ટકા ટેરિફના કારણે નુકસાન થવાની શક્યતા રહેશે. આવી સ્થિતિમાં ભારત માટે રશિયાથી તેલ ખરીદવાનું ચાલુ રાખવું જ તર્કસંગત છે.”
તેમણે ઉમેર્યું કે, ભારત અને રશિયા વચ્ચે વર્ષોથી ‘ખાસ અને વિશ્વાસપૂર્ણ સંબંધો’ રહ્યા છે. જો ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે, તો તેને આર્થિક સાથે રાજકીય રીતે પણ મોટું નુકસાન સહન કરવું પડી શકે. ટ્રમ્પે તાજેતરમાં ભારત પર દબાણ લાવતાં રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરવા માટે 25 ટકાનો ભારે ટેરિફ લાદ્યો હતો. પરંતુ પુતિનની ટિપ્પણી બાદ આ મુદ્દે ભારતના સંતુલિત અભિગમને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રશંસા મળી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રશિયાના પ્રમુખ પુતિન આગામી દિવસોમાં ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. ભારતની મુલાકાતને લઈને પુતિને તાજેતરમાં જ ખુશી વ્યક્ત કરી હતી.