Site icon Revoi.in

ઝીંઝુવાડાના રણમાં નર્મદા કેનાલ ઓવરફ્લો થતાં ચારેબાજુ પાણી ફરી વળ્યા

Social Share

પાટડીઃ સુરેન્દ્રનગર જિલ્લામાં કચ્છના નાના રણ તરીકે ઓળખાતા ખારાઘોડા અને ઝીઝુવાડાના રણમાંથી નર્મદા કેનાલ પસાર થાય છે. છેલ્લા કેટલાક દિવસથી કેનાલ ઓવરફ્લો અથવા તો લિકેજ થવાથી  નર્મદાના પાણી ઝીંઝુવાડાના રણમાં 30 કિમી સુધી ફરી વળ્યા હતા. આ અંગેની જાણ થતાં જ નર્મદા કેનાલના અધિકારીઓ દોડી આવી મોઢેરા અને ચાણસ્માની મુખ્ય સહીતની તમામ કેનાલોની જાત મુલાકાત લીધી હતી. નર્મદા કેનાલના અધિકારીઓની ટીમે રણકાંઠાની કેનાલો સહીત ઝીંઝુવાડા રણની મુલાકાત લીધી હતી. અને રણમાં પાણી કેવી રીતે ફેલાયું તેની તપાસ કરવામા આવી રહી છે.

કચ્છના નાના રણમાં આવેલા ઝીંઝુવાડા રણમાં નર્મદા કેનાલના પાણી ફરી વળ્યા છે. રણમાં દુર દુર સુધી પાણી ફેલાયેલુ નજરે પડી રહ્યું છે.  નર્મદા કેનેલના પાણી અગરિયાઓના ઝુંપડા અને સોલાર પેનલ સુધી ફરી વળતા અગરિયાઓ પાયમાલ બન્યા છે. આ પાણીની આવક સતત વધી રહી હોવાથી એકાદ દિવસમાં આ પાણી અગરિયાઓના પાટામાં ફરી વળવાની આશંકા હતી. આખા સુરેન્દ્રનગર જિલ્લાની ખેતીને આખું વર્ષ જેટલું પાણી જોઇએ એનાથી પણ વધારે નર્મદાનું પાણી દર વર્ષે રણમાં બેરોકટોક વેડફાઇ રહ્યું છે.

નર્મદા કેનાલ વિભાગના હિતેષભાઇ સુથાર સહિત આઠથી દશ આલા અધિકારીઓની ટીમ દોડી આવી હતી અને ઝીંઝુવાડા રણમાં કઈ કેનાલમાંથી પાણી આવ્યું એ જાણવા મોઢેરા અને ચાણસ્માની મુખ્ય સહીતની તમામ કેનાલોની રૂબરૂ મુલાકાત લઇ અને સ્થિતિની સમીક્ષા કરી હતી. ત્યારબાદ આ અધિકારીઓની ટીમ રણકાંઠાની વિવિધ કેનાલોની મુલાકાત લીધા બાદ ઝીંઝુવાડા રણની પણ મુલાકાત લીધી હતી..