
નવી દિલ્હી: અયોધ્યામાં એક તરફ ભવ્યાતિભવ્ય રામ મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે અને બીજી તરફ અનેક પ્રકારના અન્ય પ્રોજેક્ટ્સ પણ ત્યાં આકાર લેવા જઇ રહ્યા છે. અત્યારે અયોધ્યા વિકાસના પંથ તરફ આગેકૂચ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં જ અયોધ્યાની કાયાપલટ થવાની છે. આ વચ્ચે હવે એક અહેવાલ અનુસાર, કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી નીતિન ગડકરીએ તેમના મંત્રાલયમાંથી 20 હજાર કરોડના પ્રોજેક્ટ્સ માટે પ્રસ્તાવ તૈયાર કર્યો છે.
અયોધ્યામાં અત્યારસુધી જે પ્રોજેક્ટ્સને લીલી ઝંડી મળી છે તેમાં 4 હજાર કરોડના ખર્ચે 275 કિમીના હાઇવેના નિર્માણને મંજૂરી મળી છે. તે ઉપરાંત 84 કોસી પરિક્રમા માર્ગને રાષ્ટ્રીય ધોરીમાર્ગનો દરજ્જો મળ્યો છે. તે ઉપરાંત 10 હજાર કરોડના ખર્ચે અયોધ્યા થઇને ગોરખપુર-લખનૈ નેશનલ હાઇવેને સિક્સ લેન કરવાના પ્રોજેક્ટને પણ મંજૂરી મળી ચૂકી છે. તે ઉપરાંત છ હજાર કરોડના ખર્ચે લગભગ 70 કિમીના રિંગ રોડ જેને બાયપાસ રોડ નામ આપવામાં આવ્યું છે તેને પણ મંજૂરી અપાઇ છે.
અયોધ્યામાં 4 હજાર કરોડના ખર્ચે 275 કિમી લાંબો 84 કોસી પરિક્રમા માર્ગ આકાર લેશે, જેના માટે PWDની NH શાખાએ સર્વે પણ પૂર્ણ કર્યો છે. આ માર્ગ દ્વારા અયોધ્યાના પૌરાણિક મહત્વના 51 તીર્થસ્થળોને જોડવામાં આવશે. હાલમાં અયોધ્યા, આંબેડકર નગર, ગોંડા, બારાબંકી, બસ્તીમાંથી પસાર થતો આ પરિક્રમા રૂટ લગભગ 233 કિમીની લંબાઇ ધરાવે છે. આ માટે 45 મીટર જમીન પહોળાઇમાં લેવામાં આવશે.
70 કિલોમીટરનો રિંગ રોડ અયોધ્યા, બસ્તી અને ગોંડાના ત્રણ જિલ્લાઓમાંથી પસાર થશે. તેનો ડીપીઆર અમદાવાદ સ્થિત કંપની દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં સંપાદિત જમીનના વળતરનો સમાવેશ થાય છે. સાંસદ લલ્લુ સિંહના જણાવ્યા અનુસાર ચાર રેલવે ઓવરબ્રિજ, સરયૂ નદી પર બે પુલ અને પાંચ મુખ્ય રસ્તાઓ બનાવવાના છે. આ બાયપાસથી કનેક્ટિવિટી પહેલા કરતા વધુ સારી રહેશે. ધાર્મિક પ્રવાસની સાથે સાથે વેપારીઓને પણ ફાયદો થશે.