- દેશની કોર્ટમાં 4.5 કરોડ કેસ પેન્ડિંગ
- 87 ટકા નીચલી કોર્ટમાં તેમજ 12 ટકા ઉપલી કોર્ટમાં કેસ પેન્ડિંગ
- સુપ્રીમ કોર્ટમાં પણ 70,000 કેસનો હજુ કોઇ નિકાલ નથી આવ્યો
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ અને સરકાર વચ્ચે અત્યારે નવા જજોની નિયુક્તિને લઇને ખેંચતાણ ચાલી રહી છે. દેશની અનેક અદાલતોમાં જજોની ઘણી જગ્યાઓ ખાલી હવાથી પેન્ડિંગ કેસોના નિકાલમાં વિલંબ થઇ રહ્યો છે અને પેન્ડિંગ કેસની સંખ્યા પણ વધી રહી છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, દેશમાં પેન્ડિંગ કેસના આંકડાનું ચિત્ર જોઇએ તો સાંપ્રત સમયમાં દેશમાં સાડા ચાર કરોડ કેસ પેન્ડિંગ છે અને તેની સુનાવણી માટે જજોની સંખ્યા વધારવાની આવશ્યકતા છે. દેશની કોર્ટમાં જે પેન્ડિગ મામલા છે તેમાંથી 87 ટકા નીચલી કોર્ટમાં તેમજ 12 ટકા ઉપલી કોર્ટમાં છે. સુપ્રીમ કોર્ટમાં પણ 70,000 કેસનો હજુ કોઇ નિકાલ નથી આવ્યો.
દેશમાં વર્ષ 2010 થી 2020 વચ્ચે પેન્ડિંગ કેસમાં વાર્ષિક 2.8 ટકાના દરે વધારો થયો છે. જો કોઇ નવો કેસ દાખલ કરવામાં ના આવે તો એવું માની લેવામાં આવે તો પણ સુપ્રીમ કોર્ટના હાલના પેન્ડિંગ કેસ પતાવતા 1.3 વર્ષનો સમય લાગે તેમ છે.
કોરોના મહામારી દરમિયાન પણ લાંબા ગાળા સુધી કોર્ટનું કામકાજ બંધ રહ્યું હોવાથી પણ પેન્ડિંગ કેસની સંખ્યામાં વધારો થયો છે.
માત્ર ચાર રાજ્યોની કોર્ટ એવી છે કે જેમાં પેન્ડિંગ કેસોની સંખ્યા ઘટી છે. તેમાં ઓરિસ્સા, કોલકાતા, જમ્મૂ કાશ્મીર અને અલ્હાબાદ સામેલ છે.
યુપી, મહારાષ્ટ્ર, બિહારની કોર્ટમાં પેન્ડિંગ કેસની સંખ્યામાં સતત વધારો થયો છે. દેશની હાઇકોર્ટમાં પાંચ વર્ષ કે તેથી વધારે વર્ષથી પેન્ડિંગ હોય તેવા કેસની સંખ્યા 41 ટકા જેટલી છે. જ્યારે નીચલી કોર્ટ અને ઉપરની કોર્ટમાં 45 લાખ કેસ એવા છે જે 10 વર્ષ કે તેનાથી વધારે સમયથી ચાલી રહ્યા છે.
42 ટકા પદો ખાલી
નોંધનીય છે કે, હાઇકોર્ટમાં પણ જજોની અછત છે. અહીંયા કુલ સંખ્યાના 42 ટકા પદો ખાલી છે. સુપ્રીમ કોર્ટમાં પણ સ્થિતિ આવી જ છે. અહીંયા પણ દર 34 જજે એક પદ ખાલી છે. નીચલી કોર્ટમાં પણ જજોની 21 ટકા જગ્યાઓ ખાલી જ પડેલી છે.