
- બાળકોના વેક્સિનેશન પર AIIMSએ આશંકા વ્યક્ત કરી
- સરકારના આ નિર્ણયને અવૈજ્ઞાનિક ગણાવ્યો
- વેક્સિનેશન પહેલા અન્ય દેશોના ડેટા જોવા આવશ્યક
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે બાળકોને કોવિડ વિરોધી રસી આપવાનો નિર્ણય કર્યો છે ત્યારે હવે સરકારના આ નિર્ણય પર AIIMSએ આશંકા વ્યક્ત કરી છે. ઑલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ સાયન્સના રોગ વિશેષજ્ઞ ડૉ. સંજય રાયે બાળકોને કોવિડ વિરોધી રસી આપવાના કેન્દ્ર સરકારના નિર્ણયને અવૈજ્ઞાનિક ગણાવ્યો છે.
બાળકોને કોવેક્સિનના પરીક્ષણોના મુખ્ય તપાસકર્તા અને ઇન્ડિયન પબ્લિક હેલ્થ એસોસિએશનના પ્રમુખ રાયે જણાવ્યું કે, આ નિર્ણય લેતા પહેલા જે દેશોએ બાળકોને વેક્સિનેશનનું કામ કર્યું છે તેના ડેટાનું વિશ્લેષણ થાય તે આવશ્યક છે.
ગત શનિવારે રાત્રે પીએમ મોદીએ રાષ્ટ્રજોગ સંબોધનમાં 15 થી 18 વર્ષની વયના બાળકોનું કોવિડ-19 રસીકરણ 3 જાન્યુઆરીથી કરવામાં આવશે તેવું કહ્યું હતું. આ પગલાંથી શાળા અને કોલેજમાં જતા વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાની ચિંતા હળવી થશે અને તેમને રોગચાળા સામે લડવામાં મજબૂતી મળશે.
રાયે પીએમઓ કાર્યાલયને ટેગ કરીને લખ્યું કે, હું દેશની નિ:સ્વાર્થ સેવા કરવા અને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવા માટે હું પીએમ મોદીનો મોટો પ્રશંસક છું. પરંતુ બાળકોને વેક્સિન આપવાના તેમના અવૈજ્ઞાનિક નિર્ણયથી હું સંપૂર્ણપણે નિરાશ છું.
આ નિર્ણયને અવૈજ્ઞાનિક ગણતા પોતાનો અભિપ્રાય વ્યક્ત કરતા તેમણે ઉમેર્યું કે, કોઇપણ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ હોય તે આવશ્યક છે. વેક્સિનેશનનો હેતુ કાં તો કોવિડ વાયરસના સંક્રમણની સારવાર છે અથવા તો મૃત્યુને રોકવાનો છે. પરંતુ અમારી પાસે વેક્સિનની જે માહિતી છે તે અનુસાર, તે સંક્રમણના કેસોમાં નોંધપાત્ર ઘટાડો લાવવામાં અસમર્થ છે. કેટલાક દેશોમાં બૂસ્ટર ડોઝ લીધા પછી પણ લોકો સંક્રમિત થઇ રહ્યાં છે અને વેક્સિનેશન બાદ પણ યુકેમાં દરરોજ સંક્રમણના 50,000 કેસ નોંધાઇ રહ્યા છે. આ આંકડાઓ દર્શાવે છે કે, વેક્સિનેશન કોવિડ વાયરસના સંક્રમણને અટકાવતું નથી.