
એર ઇન્ડિયાની મહિલા પાયલટ ટીમે સ્થાપ્યો કીર્તિમાન – નોર્થ પોલ પાર કરી સાન ફ્રાન્સિસ્કોથી ભારત પહોંચી એર ઈન્ડિયાની ફ્લાઇટ
- એર ઇન્ડિયાની મહિલા પાયલટોની ટીમ એ નવો કીર્તિમાન સ્થાપ્યો
- વિશ્વની સૌથી લાંબી હવાઇ યાત્રા પર ઉડાન ભરીને નવો ઇતિહાસ રચ્યો
- 16 હજાર કિલોમીટરની આ સફર પાર કરનારી ટીમને પાયલટ ઝોયા અગ્રવાલએ લીડ કરી
નવી દિલ્હી: એર ઇન્ડિયાની મહિલા પાયલટોની એક ટીમએ એક નવો કીર્તિમાન સ્થાપ્યો છે. એર ઇન્ડિયાની મહિલા પાયલટોની એક ટીમએ વિશ્વની સૌથી લાંબી હવાઇ યાત્રા માર્ગ ઉત્તર ધ્રુવ પર ઉડાન ભરીને નવો ઇતિહાસ રચ્યો છે. આ મહિલા પાયલટો અમેરિકાના સાન ફ્રાન્સિસ્કોથી 16 હજાર કિલોમીટરનું અંતર કાપી બેંગલુરુ પહોંચી છે. 16 હજાર કિલોમીટરની આ સફર પાર કરનારી ટીમને પાયલટ ઝોયા અગ્રવાલએ લીડ કરી. એર ઇન્ડિયાએ આ કીર્તિમાન વિશે જાણકારી આપી હતી. સિવિલ એવિએશન મિનિસ્ટર હરદીપ સિંહ પુરીએ પણ તેને લઇને ટ્વીટ કર્યું હતું.
પ્રાપ્ત વિગતો અનુસાર, પ્લેન નોર્થ પોલથી ઉપરથી પસાર થઇને ભારત પહોંચ્યું છે. જોયા એ જ મહિલા પાયલટ છે જેઓએ વર્ષ 2013માં બોઇંગ-777 પ્લેન ઉડાવ્યું હતું. તે સમયે તેઓ પ્લેન ઉડાવનારી સૌથી યુવા મહિલા પાયલટ હતી. આ જ કારણોસર આ વખતે તેને મોટી જવાબદારી સોંપવામાં આવી હતી. સહ-પાયલટ તરીકે જોયાની સાથે કેપ્ટન પાપગરી તનમઇ, કેપ્ટન શિવાની તેમજ કેપ્ટન આકાંક્ષા સોનવરે છે.
એર ઇન્ડિયાએ કીર્તિમાન વિશે ટ્વીટ કરી હતી કે, વેલકમ હોમ, કેપ્ટન ઝોયા, કેપ્ટન પાપાગરી તનમઇ, કેપ્ટન શિવાની અને કેપ્ટન આકાંક્ષા સોનવરે. આ યાત્રા સિમાચિહ્ન સાબિત થશે. એર ઇન્ડિયા માટે આ ક્ષણ ગૌરવ અપાવનારી છે. અમે AI176ના મુસાફરોને શુભેચ્છા પાઠવીએ છીએ, જેઓ આ ઐતિહાસિક સફરનો ભાગ બન્યા.
નોંધનીય છે કે, આ હવાઈ રૂટ પર સફર 17 કલાકથી વધુની છે. ઉડાનના દિવસે હવાની ગતિ સફરના સમયને નિર્ધારિત કરે છે. આ રૂટના શરૂ થવાથી એર ઈન્ડિયાને આર્થિક રીતે ફાયદો થશે. સફરમાં ઓછો સમય લાગશે અને તે ઝડપી અને સસ્તી પણ થશે. એર ઈન્ડિયા અને ભારતમાં કોઈ પણ એરલાઇન તરફથી સંચાલિત થનારી આ દુનિયાની સૌથી લાંબી કોમર્શિયલ ફ્લાઇટ છે. એર ઈન્ડિયામાં કોઈ ફ્લાઇટના મુકાબલે મહિલા કર્મચારીઓની સંખ્યા વધુ છે.
(સંકેત)