
કોવિડની વધતી દહેશત વચ્ચે પાંચ રાજ્યોની ચૂંટણી દરમિયાન સભાઓ પર આવી શકે છે પ્રતિબંધ
- કોવિડ કેસમાં ઉછાળા બાદ ચૂંટણી પંચ લઇ શકે છે આ નિર્ણય
- પાંચ રાજ્યોની ચૂંટણીમાં મોટી સભા પર આવી શકે છે પ્રતિબંધ
- ચૂંટણી પ્રચાર પર પણ આકરા નિયંત્રણો લાગૂ પડી શકે
નવી દિલ્હી: એક તરફ દેશમાં ઓમિક્રોનના કેસમાં ઉછાળો આવ્યો છે ત્યારે બીજી તરફ આ વર્ષે દેશના પાંચ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી થવા જઇ રહી છે અને અત્યારે દરેક રાજકીય પક્ષો ધૂમ પ્રચાર કરી રહ્યા છે.
જો કે કોવિડના વધતા કેસને કારણે ચૂંટણી પંચ દ્વારા પાંચે રાજ્યોમાં મોટી જાહેર સભાઓ પર પ્રતિબંધ મુકવાની તેમજ ચૂંટણી પ્રચાર માટેના આકરા નિયંત્રણો લાગુ કરવા માટે વિચારણા થઇ રહી છે.
ચૂંટણી પંચની બેઠકમાં આ મુદ્દા પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં કુલ 10 મુદ્દાઓ પર ચર્ચા થવાની હતી. જો તે તમામ મુદ્દાઓ પર ચર્ચા પૂર્ણ થઇ શકી ન હતી. જો કે ચૂંટણી પ્રચાર માટના નિયમો કડક કરવા પર ચર્ચા થઇ છે અને શક્ય છે કે, ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીઓની તારીખો જાહેર કરવામાં આવે ત્યારે આકરા નિયંત્રણો લાગુ કરવાન જાહેરાત થઇ શકે છે.
જો કે માત્ર કોવિડ વેક્સિન લેનારાઓને મતદાન કરવા દેવામાં આવે તે સાથે ચૂંટણી પંચ સંમત નથી. કારણ કે મત આપવાના અધિકારને છીનવી લેવાના પક્ષમાં ચૂંટણી પંચ નથી.
નોંધનીય છે કે, ચૂંટણી પંચ દ્વારા રાજ્ય સ્તરે પણ કાર્યરત સ્ટેટ ઈલેક્શન કમિશનના અધિકારીઓ સાથે પણ ચર્ચા કરશે.