1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. શિક્ષક જ સમાજના નિર્માતા છે : ડૉ. રાજીવ કુમાર
શિક્ષક જ સમાજના નિર્માતા છે : ડૉ. રાજીવ કુમાર

શિક્ષક જ સમાજના નિર્માતા છે : ડૉ. રાજીવ કુમાર

0
  • ભારતીય શિક્ષણ મંડળ-નીતિ આયોગના સંયુક્ત ઉપક્રમે યોજાયો વેબિનાર
  • ‘શૈક્ષણિક નેતૃત્વ’ વિષય પરના વેબિનારનું આયોજન કરાયું
  • નીતિ આયોગના ઉપ પ્રમુખ ડૉ.રાજીવ કુમારે વેબિનાર સંબોધિત કર્યો હતો

નવી દિલ્હી: “કોઇપણ સમાજના નિર્માણમાં શિક્ષકની મહત્વપૂર્ણ ભૂમિકા રહેલી છે કારણ કે શિક્ષક જ સમાજને યોગ્ય રાહ દર્શાવવા અને એક યોગ્ય દિશામાં લઇ જવાની ક્ષમતા ધરાવે છે. પોતાની સર્જનાત્મક ક્ષમતા મારફતે શિક્ષક માત્ર સમાજમાં ક્રાંતિકારી પરિવર્તન લાવવાનું કામ નથી કરતા પરંતુ નવીનતાને સ્થાપિત કરવા માટે નવા શૈક્ષણિક વાતાવરણનું પણ નિર્માણ કરી શકે છે.” આ શબ્દો નીતિ આયોગના ઉપ પ્રમુખ ડૉ.રાજીવ કુમારના છે. તેમણે ભારતીય શિક્ષણ મંડળ તેમજ નીતિ આયોગ દ્વારા સંયુક્તપણે આયોજીત ‘શૈક્ષણિક નેતૃત્વ’ વિષય પરના વેબિનારમાં આ વિચારો વ્યક્ત કર્યા હતા.

ડૉ. કુમારે કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષા નીતિ-2020ના અમલીકરણ માટે એક જનઆંદોલનની આવશ્યકતા છે જે શિક્ષકોની સક્રિય ભૂમિકા વગર અશક્ય છે. તેણે ભારતીય બૌદ્વિક સંપદાને રોકવા તેમજ તેના પરત લાવવાની બાબત પર ભાર મૂકતા કહ્યું હતું કે આ શિક્ષણ નીતિ શૈક્ષણિક બદલાવ લાવવામાં સહાયક સિદ્વ થવા ઉપરાંત વિશ્વમાં પ્રાચીન ભારતીય શિક્ષણ ગૌરવને સ્થાપિત કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

આ અવસર પર ડૉ. કુમારે ભારતીય શિક્ષણ મંડળની સરાહના કરતા કહ્યું હતું કે, સમાજમાં શિક્ષકને ગૌરવ અપાવવામાં આ સંગઠન નિરંતર પ્રયત્નશીલ છે. તે ઉપરાંત મંડળ દ્વારા ભવિષ્યની કાર્યની યોજનાઓ અંગે સહયોગની વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

વેબિનાર દરમિયાન ભારતીય શિક્ષણ મંડળના રાષ્ટ્રીય મહાસચિવ મુકુલ કાનિટકરે કહ્યું હતું કે, ભારતીય શિક્ષણ મંડળ નીતિ આયોગ સાથે સંયુક્તપણે એક એવા શૈક્ષણિક વાતાવરણના નિર્માણમાં સક્રિય છે જેના મૂળમાં ભારતીય સંસ્કૃતિ હોય અને જેમાં ભારતીયતાનો બોધ સમાવિષ્ટ હોય. તેઓએ આ સંદર્ભમાં પૂર્વના અનેક સેમિનાર પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સફળ બનાવવામાં શિક્ષકોની ભૂમિકા સૌથી મહત્વપૂર્ણ હોય છે. શિક્ષક પોતાની રચનાત્મકતા તેમજ સર્જનાત્મક ક્ષમતાના જોરે નવા ભારતના નિર્માણમાં સર્વાધિક યોગદાન આપવાની ક્ષમતા ધરાવે છે.

તેઓએ સમાધાનલક્ષી શિક્ષણ વ્યવસ્થા પર પ્રકાશ પાડતા કહ્યું હતું કે શિક્ષક કોઇપણ સમસ્યાઓનું સમાધાન લાવવા માટે સક્ષમ છે. સમસ્યા પાછળ ભલે અગણિત કારણો હોય પરંતુ તેનો ઉકેલ એક શિક્ષક જ લાવી શકે છે.

અતિથિઓનું સ્વાગત કરતા ભારતીય શિક્ષણ મંડળના અધ્યક્ષ પ્રોફેસર સચ્ચિદાનન્દ જોશીએ કહ્યું કે ભારતને જો વિશ્વ ગુરુ બનાવવું હશે તો આપણે ભારતીય પરંપરાઓ પર આધારિત શિક્ષા પદ્વતિને કેન્દ્રમાં રાખવું પડશે અને સાથે જ મૈકાલે પદ્વતિથી ભારતીય શૈક્ષણિક વ્યવ્યવસ્થાને મુક્ત કરવી પડશે. તેઓએ કહ્યું હતું કે કોઇપણ શૈક્ષણિક સંસ્થાની ઓળખ યોગ્ય અને સામર્થ્ય ધરાવતા શિક્ષકથી હોય છે.

તેમણે ઉમેર્યું હતું કે આપણો સમાજ ભલે ગમે તેટલી તકનિકી પ્રગતિ કરે પરંતુ એક શિક્ષકનું સ્થાન અન્ય કોઇપણ વ્યક્તિ ના લઇ શકે. શિક્ષક જ્ઞાન ઉપરાંત સંસ્કારનું પણ કેન્દ્ર હોય છે. આ અવસર પર પ્રોફેસર જોશીએ સર્વશ્રેષ્ઠ બૌદ્વિક સંપદાને પ્રેરિત કરવાનું આહવાન કર્યું હતું જેથી શૈક્ષણિક જવાબદારીના વહન માટે તેને પ્રેરિત તેમજ પ્રોત્સાહિત કરી શકાય.

વેબિનારનું સંચાલન મહેશ ડાબક દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આભાર વિધિ દેવેન્દ્ર પવાર દ્વારા કરવામાં આવી હતી. આ વેબિનારમાં દેશની વિવિધ યુનિવર્સિટીઓના લગભગ 300 જેટલા કુલપતિઓએ ભાગ લીધો હતો.

વેબિનારના દ્વિતીય સત્રમાં રાષ્ટ્રીય શિક્ષા નીતિના અમલીકરણમાં શિક્ષકોની ભૂમિકા પર કુલપતિઓએ વૈચારિક મંથન કર્યું હતું. આ દરમિયાન નવી શૈક્ષણિક વ્યવસ્થા માટે અનેક સૂચનો પ્રાપ્ત થયા હતા જેમાં શિક્ષકોનું ઓરિએન્ટેશન, ગ્રામીણ ક્ષેત્રમાં કાર્યરત શિક્ષકોને ટેક્નોલોજીથી જોડવા, ભારતીય ભાષાને સમૃદ્વ કરતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા તેમજ ભારતીય ભાષાઓમાં લેખન તેમજ શોધને પ્રોત્સાહિત કરવા જેવા સૂચનો પર ભાર મૂકવામાં આવ્યો હતો.

આ દરમિયાન વિશેષજ્ઞોનું કહેવું હતું કે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિથી ભારતીયતાને અલગ ઓળખ મળશે તેમજ વિશ્વ એક વાર ફરી ભારતીય દૃષ્ટિકોણથી પરિચિત થઇ શકશે. આ નીતિને પરિવર્તનની આધારશીલા માનીને દરેકે તેના પ્રભાવી અમલીકરણ પર ભાર મૂક્યો હતો.

(સંકેત)

LEAVE YOUR COMMENT

Your email address will not be published.