
‘યાસ’ વાવઝોડાનો સામનો કરવા ભારતીય સેના ખડેપગે, નૌસેનાના 4 જંગી જહાજ, વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા
- યાસ વાવાઝોડાનો સામનો કરવા માટે ભારતીય સેનાની યુદ્વના ધોરણે તૈયારી
- નૌસેનાના 4 જંગી જહાજ અને વાયુસેનાના 11 માલવાહક જહાજ તૈનાત કરાયા
- તે ઉપરાંત NDRFની 70 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી
નવી દિલ્હી: તૌકતે વાવાઝોડાએ સર્જેલી તારાજી બાદ હવે અન્ય એક ચક્રવાતી તોફાન યાસ વાવાઝોડું 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે ત્યારે તેનો સામનો કરવા માટે સેનાએ યુદ્વના ધોરણે તૈયારી શરૂ કરી છે. તૈયારીના ભાગરૂપે નૌસેનાના 4 જંગી જહાજો અને હેલિકોપ્ટરો જ્યારે વાયુસેનાના 11 માલવાહક વિમાનો અને ચીતા, ચેતક તથા MI-17 જેવા 25 હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા છે.
તે ઉપરાંત વધારાની તૈયારી તરીકે 5સી-130 વિમાન, 2 ડોર્નિયર વિમાન અને 4 એએન-32 વિમાનોએ પણ કમાન સંભાળી છે. ઉપરાંત NDRFની 70 જેટલી ટીમ તૈનાત કરવામાં આવી છે. તે પૈકીની 46 ટીમો તો પશ્વિમ બંગાળ, ઓડિશા સહિત 5 રાજ્યો/કેન્દ્રશાસિત પ્રદેશોમાં હોડી, ઝાડ કાપવા માટેના, દૂરસંચાર માટેના ઉપકરણો વગેરેથી સજ્જ છે.
તે સિવાય 13 ટીમોને રવિવારે તૈનાતી માટે એરલિફ્ટ કરવામાં આવી રહી છે તથા 10 ટીમોને સતર્ક અને તૈયાર રહેવા કહેવામાં આવ્યું છે. યાસનો સામનો કરવા માટે રાજ્યો અને કેન્દ્રીય મંત્રાલયો/એજન્સીઓની તૈયારીઓની સમીક્ષા માટે બોલાવવામાં આવેલી બેઠકમાં PM મોદીને આ જાણકારી આપવામાં આવી હતી.
નોંધનીય છે કે, ભારતીય હવામાન વિભાગ (આઈએમડી)એ વડાપ્રધાનને જણાવ્યું કે, 155-165 કિમી પ્રતિ કલાકની ઝડપે ત્રાટકનારૂ યાસ 26 મેની સાંજે 185 કિમી પ્રતિ કલાકની ઝડપે પશ્ચિમ બંગાળ અને ઉત્તર ઓડિશાના કિનારાઓ સાથે અથડાઈ શકે છે.