
- કેન્દ્રીય મંત્રીમંડળે મોડલ ટેનન્સી એક્ટને આપી મંજૂરી
- મકાનમાલિક અને ભાડૂઆત બંનેના હિતોની જોગવાઇ આ કાયદામાં છે
- જો કે આ કાયદો ઘડાયા બાદ આ કાયદાને લાગૂ કરવાનો નિર્ણય રાજ્ય પર નિર્ભર રહેશે
નવી દિલ્હી: મકાનમાલિક અને ભાડૂઆત બંનેના હિતોની જોગવાઇ ધરાવતા મોડલ ટેનન્સી એક્ટ એટલે કે આદર્શ ભાડૂત કાયદાને સરકારે મંજૂરી આપી દીધી છે. આ કાયદામાં ભાડૂઆત-મકાનમાલિક સંબંધિત વિવાદના નિરાકરણ માટે ઑથોરિટી અને અલગ કોર્ટ બનાવવાનો પ્રસ્તાવ છે. આ નવા કાયદામાં મકાન માલિકને ભાડૂઆત મકાનનો કબ્જો કરી લેશે તેવો ડર રહેશે નહીં તેની સાથે ભાડૂઆતને પણ રક્ષણ આપતી જોગવાઇઓ આ કાયદામાં કરવામાં આવી છે.
હાલમાં દેશમાં મકાન માલિક અને ભાડૂઆત માટે જે વ્યવસ્થા છે તેમાં અનેક ત્રુટિઓ છે. આ ત્રુટિઓ દૂર કરવા માટે આ નવો કાયદો રજૂ કરવામાં આવ્યો છે. આ નવા કાયદામાં મકાન માલિક તેમજ ભાડૂઆતોનું એમ બન્નેનું હિત ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. આ કાયદાનો ઉદ્દેશ ભાડાના બિઝનેસને સંગઠિત સ્વરૂપ આપવાનું છે.
જો કે આ કાયદો ઘડાયા બાદ આ કાયદાને લાગૂ કરવાનો નિર્ણય રાજ્ય પર નિર્ભર રહેશે. નવો કાયદો લાગૂ થવાથી ભાડૂઆતની સાથે મકાન માલિકને પણ અનેક અધિકાર મળશે. કોઇ વ્યક્તિ અન્યની પ્રોપર્ટી પર કબજો જમાવી શકશે નહીં. બીજી તરફ મકાન માલિક પણ ભાડૂઆતને મકાન ખાલી કરવા કહી શકશે નહીં.
તેને માટે જરૂરી જોગવાઇઓ કરવામાં આવી છે. મકાન ખાલી કરાવવું હોય તો માલિકે પહેલાં નોટિસ આપવી પડશે. સામે ભાડુઆતે પણ પ્રોપર્ટીની દેખભાળની જવાબદારી સ્વીકારવી પડશે.હવે ભાડુઆત પ્રોપર્ટી માલિકને પરેશાન નહી કરી શકે અને ભાડુઆત પાસે પણ માલિક સામે ઓથોરિટીમાં જવાનો અધિકાર હશે, તેના માટે ખાસ કોર્ટ પણ બનાવાશે.
નવા કાયદા મુજબ મકાન માલિકને ભાડૂઆત મકાન કબજો કરી લેશે તેવો ડર સતાવશે નહીં. મકાન માલિક એગ્રિમેન્ટ પૂર્ણ થાય તે પહેલા ભાડુઆતને મકાન ખાલી કરવાની નોટિસ આપી તો ભાડૂઆતને એગ્રિમેન્ટ પૂર્ણ થવા મકાન ખાલી કરવું પડશે. જો ભાડૂઆત મકાન ખાલી ન કરે તો મકાન માલિક આગામી બે મહિના સુધી ભાડું બેગણું અને ત્યારબાદ ચાર ગણું કરી શકે છે.
રજિસ્ટર્ડ એગ્રીમેન્ટ વિના કોઇ પ્રોપર્ટી ભાડે આપી શકાશે નહીં. મોડેલ એક્ટની જોગવાઇ અનુસાર રાજ્ય સરકારોએ રેન્ટ ઓથોરિટીની રચના કરવાની રહેશે જે તમામ રેન્ટ એગ્રીમેન્ટ રજિસ્ટર કરશે, તેના રેકોર્ડ રાખશે અને ડેટા ટ્રેક કરવા માટે વેબસાઇટનું સંચાલન પણ કરશે.