- આતંકના નવા નામો વડે કાશ્મીરમાં દહેશત ફેલાવવાનું કાવતરું
- કાશ્મીરમાં HARKAT 313 નામનું આતંકી સંગઠન આતંકવાદના કાવતરા ઘડી રહ્યું છે
- યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ અને ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટના જેવા આતંકી સંગઠનો પણ સક્રિય છે
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી સંગઠનો ટાર્ગેટ કિલિંગથી કાશ્મીરમાં શાંતિ ડહોળવાનો પ્રયાસ કરી રહ્યાં છે અને સુરક્ષા દળો પણ સતત ઑપરેશન્સ કરીને અનેક આતંકીઓ ઠાર કરી રહ્યાં છે. જો કે કેટલાક નવા આતંકી સંગઠનો હવે સુરક્ષા દળો માટે પડકાર બન્યા છે. આ આતંકી સંગઠનો દહેશત ફેલાવવાના બદઇરાદાઓ ધરાવે છે.
જમ્મૂ કાશ્મીરમાં હવે આતંકવાદી ઘટનાઓને અંજામ આપવા માટે હરકત 313, યુનાઇટેડ લિબરેશન ફ્રન્ટ અને ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટના નામ સામે આવી રહ્યાં છે. કાશ્મીરમાં HARKAT 313 નામનું આતંકી સંગઠન આતંકવાદના કાવતરા ઘડી રહ્યું છે. જેને લઇને જમ્મૂ કાશ્મીરમાં એલર્ટ અપાયું છે. આ આતંકી સંગઠન કાશ્મીરમાં વીજ પૂરવઠાને નિશાન બનાવી શકે છે. સરકારી માળખાકીય ઢાંચાઓ તેમના નિશાના પર છે.
બીજી તરફ આતંકી સંગઠન ધ રેઝિસ્ટેન્સ ફ્રન્ટના નિશાના પર જમ્મૂ કાશ્મીરના સરપંચ, સ્થાનિક નેતાઓ છે. તેમાં લશ્કર એ તૈયબા પણ તેને સાથ આપી રહ્યું છે. વર્ષ 2020થી ટીઆરએફનું નામ ચર્ચામાં છે. તે સમયે આ સંગઠને ભાજપના કાર્યકર ફિદા હુસૈન, ઉમર રાશિદ બેગ અને ઉમર હાજમની કુલગામ ખાતે હત્યા કરી દીધી હતી.
જમ્મૂ કાશ્મીરમાં કલમ 370 નાબૂદ થયાના કેટલાક સમય બાદ જ આ આતંકી સંગઠનની રચના થઇ હતી. TRF મુખ્યત્વે લશ્કર વગેરે સંગઠનો માટે કવરની માફક કામ કરે છે જેથી ભારતમાં થતા હુમલા પાછળ પાકિસ્તાનની સંડોવણી સામે ના આવે.