
- કોરોનાના સુનામી વચ્ચે સકારાત્મક સમાચાર
- દેશમાં છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કોરોના સંક્રમિત દર્દીઓ સ્વસ્થ થયા
- સક્રિય કેસ 33 લાખને પાર કરી ગયા
નવી દિલ્હી: ભારતમાં કોરોનાની સુનામી વચ્ચે એક સકારાત્મક સમાચાર પ્રાપ્ત થયા છે. દેશમાં પ્રથમવાર છેલ્લા 24 કલાકમાં 3 લાખથી વધુ કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 3,07,865 કોરોના સંક્રમિત દર્દીઓને સ્વસ્થ થઇને પરત ઘરે પહોંચ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,92,488 નવા કોરોનાના કેસો નોંધાયા છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા 24 કલાકમાં દેશમાં 3,92,488 નવા કોરોનાના કેસ નોંધાયા છે. શનિવાર કરતા આ પ્રમાણમાં ઓછા છે. શનિવારે દેશમાં રેકોર્ડબ્રેક 4 લાખથી વધુ નવા કેસ સામે આવ્યા હતા. જો કે રવિવારે, સક્રિય કેસ 33 લાખને પાર કરી ગયા છે.
રવિવારે કોરોનામાં 3 લાખ 92 હજાર 488 નવા કેસો આવવાની સાથે દેશમાં ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા વધીને 1,95,57457 થઈ ગઈ છે. એ જ રીતે, વધુ 3689 લોકોનાં મોત સાથે, મૃત્યુનો આંક વધીને 2,15,542 પર પહોંચી ગયો છે.
દેશમાં કોરોનાની બીજી લહેર ધીમી પડવાનું નામ નથી લઈ રહી. જેથી જ્યાં લાખો નવા દર્દીઓ દરરોજ સામે આવી રહ્યાં છે. સક્રિય દર્દીઓની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. સક્રિય દર્દીઓની કુલ સંખ્યા રવિવારે વધીને 33,49,644 થઈ ગઈ છે. આ ચેપગ્રસ્ત કુલ 17.06 ટકા છે.
દર્દીઓનો સાજા થવાનો દર વધુ ઘટીને 81.84 ટકા થઈ ગયો છે. દેશમાં સંક્રમણ પછી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા વધીને 1,59,92,271 થઈ છે. મૃત્યુ દર 1.11 ટકા છે. દેશના 10 રાજ્યો – મહારાષ્ટ્ર, દિલ્હી, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, તામિલનાડુ, પશ્ચિમ બંગાળ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને બિહારમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે.
(સંકેત)