દેશના 70 જીલ્લામાં કોરોનાના દર્દીઓની સંખ્યામાં 150%નો વધારો, સ્થિતિ ચિંતાજનક
- દેશમાં કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ
- દેશના 70 જીલ્લામાં કોરોના વાયરસની એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો
- 17 જીલ્લાના 55 ગામમાં 100થી 150 ટકાનો વધારો નોંધાયો
નવી દિલ્હી: દેશમાં કોરોના સંક્રમણ ફરીથી બેકાબૂ બની રહ્યું છે અને કોરોનાના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. 1 માર્ચથી 15 માર્ચ વચ્ચે રાજ્યોના કુલ 70 જીલ્લામાં કોરોના વાયરસના એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો જોવા મળ્યો છે. તેમાંથી મોટા ભાગના કેસ પશ્વિમ અને ઉત્તર ભારતના છે તેવું કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું હતું.
તેમણે જાણકારી આપી હતી કે, 16 રાજ્યોના લગભગ 70 જીલ્લાઓમાં એક માર્ચથી 15 માર્ચ વચ્ચે એક્ટિવ કેસની સંખ્યામાં 150 ટકાનો વધારો જોવા મળ્યો અને 17 જીલ્લાના 55 ગામમાં 100થી 150 ટકાનો વધારો નોંધાયો. આ રાજ્યોમાં અમે રસીકરણમાં ઝડપ લાવવા અને તમામ લાભાર્થીઓને રસી આપવાનું કહ્યું છે.
તમામ એક્ટિવ કેસની સંખ્યામાંથી 60 ટકા ફક્ત મહારાષ્ટ્રમાં છે અને મહામારીથી થનારા હાલના મોતના પણ 45 ટકા મોત મહારાષ્ટ્રમાં થઇ છે. તેમણે કહ્યું કે 1 માર્ચે સંક્રમણના 7741 કેસ સામે આવ્યા હતા. 15 માર્ચ સુધીમાં આ સંખ્યા વધીને સરેરાશ 13527 થઇ ગઇ. સંક્રમણના દરની વાત કરીએ તો 1 માર્ચે 11 ટકા હતો જે 15 માર્ચ સુધીમાં 16 ટકા થઇ ગયો.
સંક્રમણના વધતા દર પર ચિંતા વ્યક્ત કરતા ભૂષણે કહ્યું કે તપાસની સંખ્યા તે દરથી નથી વધી રહી જે પ્રકારે સંક્રમણના દરમાં વધારો થઈ રહ્યો છે. તેમણે કહ્યું કે આથી રાજ્યોને ખાસ કરીને મહારાષ્ટ્રને અમારી સલાહ છે કે તપાસના દર, ખાસ કરીને આરટી પીસીઆરનો દર વધારવામાં આવે.
(સંકેત)


