
- કોરોના વાયરસના નવા સ્ટ્રેન બાદ ભારત-યુકે વચ્ચેની ફ્લાઇટ સેવા ફરી શરૂ
- મુસાફરોએ તેમની ફ્લાઇટ લેતા પહેલા આરટી-પીસીઆર પરીક્ષણ કરાવવું પડશે
- આ માટેની આવશ્યક માર્ગદર્શિકા જારી કરવામાં આવી
નવી દિલ્હી: કોરોના વાયરસના નવા સ્ટ્રેનને કારણે ભારતે થોડા સમય પહેલા યુકેથી ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો જે હવે ઉઠાવી લેવામાં આવ્યો છે. બ્રિટનથી ભારત સુધીની ફ્લાઇટ પર પહેલા 16 દિવસ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. બ્રિટનમાં આવેલા નવા વાયરસ બાદ ભય અને સંક્રમણ ફેલાતું અટકાવવા માટે બંને દેશ વચ્ચે ફ્લાઇટ સેવા બંધ રાખવામાં આવી હતી.
હવે બ્રિટનમાં મળી આવેલા કોરોનાના નવા સ્ટ્રેનના ભયના કારણે મુસાફરોએ તેમની ફ્લાઇટ લેતા પહેલા તેમજ ભારત તથા યુકેમાં પહોંચ્યા પછી આરટી-પીસીઆર પરીક્ષણ કરાવવું પડશે.
પ્રાપ્ત વિગતો અનુસાર, શુક્રવારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકએ મુસાફરોની સલાહ માર્ગદર્શિકાના સમૂહમાં જણાવ્યું હતું કે, યુકેમાં બોર્ડિંગ કરતા પહેલા મુસાફરોએ એરપોર્ટની સત્તાવાર વેબસાઇટ પર એર સુવિધા પોર્ટલ મારફતે તેમનો નેગેટિવ આરટી-પીસીઆર ટેસ્ટ રિપોર્ટ અપલોડ કરવો પડશે.
નોંધનીય છે કે, એરપોર્ટ પર પરીક્ષણો કરાવતા મુસાફરોને ટેસ્ટ અને લાઉન્જ માટે 3,400 રૂપિયા ચૂકવવા પડશે. પ્રવાસ શરૂ કરતા પહેલા 72 કલાકની અંદર આરટી-પીસીઆર પરીક્ષણ કરવું ફરજિયાત રહેશે. આઈજીઆઈ ટર્મિનલ 3 પર પરીક્ષણ પરિણામ માટે 10 કલાક સુધીનો સમય લાગી શકે છે.
(સંકેત)