- જાપાન સ્થિત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમેનિટીનું તારણ
- ભારતના 20 ટકા ધનિકો 7 ગમો વધારે કાર્બન પેદા કરે છે
- ભારતના નાગરિકોની સરેરાશ ફૂટપ્રિન્ટ વર્ષે 0.56 ટન છે
નવી દિલ્હી: ધનકૂબેરો વૈભવી જીવનશૈલી જીવતા હોય છે, તેઓના શોખ અને ઠાઠમાઠ પણ પર્યાવરણ માટે ઘાતક સાબિત થાય છે. કારણ કે ધનાઢ્ય લોકો ઘરમાં વિમાનો રાખે, મોંઘી અને ઢગલાબંધ ગાડી રાખે, મોટા મકાનો તેમજ અન્ય ઉચ્ચ સુવિધાઓ ભોગવે અને તેને કારણે વધુ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય. જાપાન સ્થિત રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ ફોર હ્યુમેનિટી એન્ડ નેચર દ્વારા આ અંગેની ગણતરી રજૂ કરાઇ છે. તે અનુસાર ભારતના 20 ટકા ધનકૂબેરો દેશના બાકીના 80 ટકા લોકો કરતા 7 ગણો વધારે કાર્બન હવામાં ઠાલવે છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, ભારતના નાગરિકોની સરેરાશ ફૂટપ્રિન્ટ વર્ષે 0.56 ટન છે. એટલે કે દેશનો સરેરાશ નાગરિક વિવિધ પ્રવૃત્તિ દ્વારા વર્ષે અડધો ટન કાર્બન હવામાં ઠાલવે છે. એ સરેરાશમાં 20 ટકા ધનિકો 1.32 ટન કાર્બન ઠાલવે છે, જ્યાર બાકીને નાગરિકો 0.19 ટકા કાર્બન ઠાલવે છે. ભારત કાર્બનના વૈશ્વિક 2.46 અબજ મેટ્રિક ટન સાથે ત્રીજા ક્રમે છે. જગતના કુલ કાર્બન ઉત્પાદનમાં ભારતનું પ્રમાણ 6.8 ટકા છે.
ભારતમાં કાર્બન પેદા કરનારા વિસ્તારોમાં મુંબઈ, દિલ્હી, બેંગાલુરૂ, ચેન્નઈ અને કોલકાતાનો સમાવેશ થાય છે. સૌથી વધુ કાર્બન ગુડગાંવ પેદા કરે છે. વર્ષે 2.04 ટન, એટલે કે સરેરાશ કરતાં ચારગણો વધારે. આ અભ્યાસ કરવા માટે સંસ્થાએ સમગ્ર ભારતના 623 જિલ્લાની વિગતો એકઠી કરી હતી. ભારતમાં જરૂરિયાતની કુલ વીજળી કોલસા દ્વારા પેદા થાય છે. કાર્બન ફેલાવાનું મુખ્ય કારણ પણ કોલસો જ છે.
ક્લાઈમેટ ચેન્જ પાછળ 20 અબજ ડૉલરનો ઓછો ખર્ચ
પર્યાવરણ સંરક્ષણ પાછળ જેટલો ખર્ચ દુનિયાના દેશોએ દર્શાવ્યો છે, તેના કરતા 20 અબજ ડૉલર ઓછો ખર્ચ કર્યો છે. જિનિવા સ્થિત આંતરરાષ્ટ્રીય સંસ્થા કેર ઈન્ટરનેશનલે આ ગણતરી વર્ષ 2013થી 2017 વચ્ચેના ગાળા માટે રજૂ કરી હતી. જગતના 112 ક્લાઈમેટ ચેન્જ પ્રોજેક્ટનો અભ્યાસ કર્યા પછી સંસ્થાએ આ તારણ રજૂ કર્યું હતું.
(સંકેત)


