
દુષ્કર્મ કેસ: તહેલકાના પૂર્વ તંત્રી તરુણ તેજપાલ 8 વર્ષે નિર્દોષ જાહેર, 2013માં FIR થઇ હતી
- તહેલકા મેગેઝિનના પૂર્વ તંત્રી તરુણ તેજપાલ વિરુદ્વ દુષ્કર્મનો મામલો
- 8 વર્ષ પછી ગોવા સેશન કોર્ટે તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કર્યો
- ગોવા પોલીસે નવેમ્બર 2013માં તેજપાલ વિરુદ્વ FIR દાખલ કરી હતી
નવી દિલ્હી: તહેલકા મેગેઝીનના પૂર્વ મેનેજિંગ એડિટરને મોટી રાહત મળી છે. હકીકતમાં, દુષ્કર્મ કેસમાં પત્રકાર અને તહેલકા મેગેઝીનના પૂર્વ મેનેજિંગ એડિટરને રાહત મળી છે. 8 વર્ષ પછી ગોવા સેશન કોર્ટે તરુણ તેજપાલને નિર્દોષ જાહેર કર્યો છે. આપને જણાવી દઇએ કે વર્ષ 2013માં ગોવાની એક લક્ઝરી હોટલમાં લિફ્ટમાં મહિલા સાથે દુષ્કર્મ કર્યાનો તેના પર આરોપ લાગ્યો હતો. સહકર્મીએ જ તરુણ તેજપાલ પર દુષ્કર્મનો આરોપ લગાવ્યો હતો.
પ્રાપ્ત જાણકારી અનુસાર, જિલ્લા સેશન કોર્ટે 27 એપ્રિલે ચુકાદો આપવાની હતી પરંતુ ન્યાયાધીશ ક્ષમા જોશીએ ચુકાદો 12 મે સુધી અનામત રાખ્યો હતો. બાદમાં આ નિર્ણય પણ 19 મે સુધી ટાળી દેવામાં આવ્યો હતો.
આ કેસ થોડાક સમય માટે સ્થગિત કરવા પાછળ કોરોના મહામારીનું કારણ કોર્ટે આપ્યું હતું. તે ઉપરાંત કોર્ટમાં સ્ટાફ પણ ઓછો હોવાને કારણે કેસ સ્થગિત કરવામાં આવ્યો હતો. અગાઉ તરુણ તેજપાલે પોતાના પરના આરોપો હટાવી દેવા માટે મુંબઇ હાઇકોર્ટમાં પણ અરજી કરી હતી જો કે તે અરજી ફગાવી દેવાઇ હતી.
નોંધનીય છે કે, ગોવા પોલીસે નવેમ્બર 2013માં તેજપાલ વિરુદ્વ FIR દાખલ કરી હતી અને ત્યારબાદ તરુણ તેજપાલની ધરપકડ થઇ હતી. તરુણ તેજપાલ વર્ષ 2014ના મે મહિનાથી જામીન પર બહાર છે. ગોવા પોલીસે ફેબ્રુઆરી 2014માં તેના વિરુદ્વ ચાર્જશીટ દાખલ કરી હતી.