
ભારતીય સેનાએ 100 સ્કાઇસ્ટ્રાઇકર ડ્રોન માટે કર્યા કરાર, મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને મળશે વેગ
- ભારતીય સેનાનું સામર્થ્ય વધશે
- ભારતીય લશ્કર 100 સ્કાયસ્ટ્રાઇકર ડ્રોન મેળવશે
- આ માટે સેનાએ બેંગ્લુરુ સ્થિત કંપની આલ્ફા ડિઝાઇન કંપની સાથે કર્યા કરાર
નવી દિલ્હી: ભારતીય સૈન્યનું સામર્થ્ય હવે વધશે. લશ્કરે સ્કાય સ્ટ્રાઇકર નામના 100 કરતાં વધારે સશસ્ત્ર ડ્રોન મેળવવા માટે બેંગ્લુરુ સ્થિત કંપની આલ્ફા ડિઝાઇન સાથે કરાર કર્યા છે. આલ્ફા ડિઝાઇન ઇઝરાયલની એલ્બિત સિક્યોરિટી સિસ્ટમ્સ સાથેના સંયુક્ત કરારમાં આ ડ્રોનનું બેંગ્લુરુમાં ઉત્પાદન કરશે.
આ ડ્રોનની પ્રાપ્તિથી મેક ઇન ઇન્ડિયા ઝુંબેશને પણ વેગ મળશે. આ ડ્રોનનું ઉત્પાદન બેંગ્લુરુમાં થવાનું હોઇ સંરક્ષણ ક્ષેત્રના સ્વદેશીકરણને પણ વેગ મળશે. ભારતીય લશ્કરે સ્કાયસ્ટ્રાઇકર ડ્રોન મેળવવાનો ઓર્ડર તેના ઇમરજન્સી પ્રોક્યુરેમેન્ટ પાવર્સનો ઉપયોગ કરીને આપ્યો છે.
ઇઝરાયલી કંપનીની વેબસાઇટ પર આ ડ્રોન અંગે આપવામાં આવેલી માહિતી અનુસાર સ્કાયસ્ટ્રાઇકર ડ્રોન લાંબા અંતરે ચોકસાઇપૂર્ણ હુમલો કરવા માટે કિફાયતી ઉપકરણ છે. સ્કાયસ્ટ્રાકકર ડ્રોનના ઇલેકટ્રિક પ્રોપલ્શન નહિવત અવાજ કરતા હોવાથી નીચી ઉંચાઇએ ગુપ્ત કામગીરી કરવા માટે આ ડ્રોન આદર્શ પુરવાર થાય તેમ છે. આ ડ્રોન લક્ષ્યસ્થાને વિસ્ફોટકો સાથે ધસી જતા હોવાથી તેને સુસાઇડ ડ્રોન તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ ડ્રોનને લોન્ચ કરતાં પૂર્વે તેમાં જીપીએસ દ્વારા સ્થળની વિગતો ભરવામાં આવે છે. આ ડ્રોનને છોડયા બાદ તે જે તે વિસ્તારમાં હવામાં રહીને તેના લક્ષ્યને ઓળખી તેની માહિતી ગ્રાઉન્ડ કન્ટ્રોલને મોકલે છે. તેને મંજૂરી મળ્યા બાદ જ તે ટાર્ગેટ પર હુમલો કરે છે.