
- જમ્મૂ કાશ્મીરમાં હવે 149 વર્ષ જૂની દરબાર મૂવ પ્રથા થઇ ખતમ
- દરબાર મૂવ’ને ખતમ કરવાથી પ્રદેશની સરકારી તિજોરીમાં દર વર્ષે 200 કરોડ રુપિયાની બચત થશે
- અધિકારીઓને 3 સપ્તાહની અંદર સરકારી આવાસો ખાલી કરવાનો આદેશ અપાયો
નવી દિલ્હી: જમ્મૂ કાશ્મીરમાં હવે 149 વર્ષ જૂની દરબાર મૂવ પ્રથા ખતમ થઇ છે. કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મૂ કાશ્મીરના રાજધાનીઓ શ્રીનગર અને જમ્મૂ વચ્ચે દર 6 મહિને થતી ‘દરબાર મૂવ’ની 149 વર્ષ જૂની પ્રથાને ખતમ કરી દેવામાં આવી છે. જમ્મૂ કાશ્મીર સરકારે કર્મચારીઓને ફાળવેલા મકાનોની સુવિધા પણ રદ કરી દીધી છે અને અધિકારીઓને 3 સપ્તાહની અંદર સરકારી આવાસો ખાલી કરવાનો આદેશ અપાયો છે.
આ અંગે ઉપરાજ્યપાલ મનોજ સિન્હાએ કહ્યું હતું કે, પ્રશાસને ઇ-ઑફિસનું કામ પૂર્ણ કરી લીધું છે. આ માટે સરકારી ઓફિસોના વર્ષમાં બે વાર થતાં દરબાર મૂવની પ્રથાને ચાલુ રાખવાની જરૂર નથી. જમ્મૂ અને કાશ્મીરમાં દરબાર મૂવ હેઠળ જે અધિકારીઓને સરકારે રહેઠાણ આપ્યા હતા તેઓને પણ 3 સપ્તાહમાં આવાસો ખાલી કરવાનો આદેશ અપાયો છે.
દરબાર મૂવ’ને ખતમ કરવાથી પ્રદેશની સરકારી તિજોરીમાં દર વર્ષે 200 કરોડ રુપિયાની બચત થશે. આ નિર્ણય પછી સરકારી ઓફિસ હવે જમ્મુ અને શ્રીનગર બંને સ્થળોએ સામાન્ય રીતે કામગીરી કરશે. રાજભવન, સિવિલ સચિવાલય, પ્રમુખ વિભાગોના કાર્યાલયો પહેલા ‘દરબાર મૂવ’ હેઠળ જમ્મુ અને શ્રીનગર વચ્ચે શિયાળા અને ઉનાળામાં ટ્રાન્સફર થતાં રહેતા હતા.
નોંધનીય છે કે ઋતુ બદલાવાની સાથે જ દર છ મહિને જમ્મુ-કાશ્મીરની રાજધાની પણ બદલાતી રહે છે. રાજધાની શિફ્ટ થવાની પ્રક્રિયાને ‘દરબાર મૂવ’ નામથી ઓળખવામાં આવે છે. છ મહિના રાજધાની શ્રીનગર રહે છે અને છ મહિના જમ્મુમાં રહે છે.