- ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં પાકિસ્તાનની જીત પર ઉજવણી કરનારા વિરુદ્વ થશે કાર્યવાહી
- પોલીસે કડક કાર્યવાહી કરતાં પાંચ જીલ્લામાંથી 7 લોકોની ધરપકડ કરી
- તે ઉપરાંત ચાર લોકોની ધરપકડ પણ કરી
નવી દિલ્હી: ટી-20 વર્લ્ડકપની પહેલી મેચમાં ભારત સામે પાકિસ્તાનની જીત પર કેટલાક લોકો યુપીમાં ઉજવણી કરી રહ્યા હતા. હવે આવા લોકો સામે યોગી સરકાર એક્શનમાં આવી છે અને હવે તેઓ સામે તે પગલાં લેશે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટી-20 વર્લ્ડ કપની મેચ દરમિયાન 24 ઑક્ટોબરે પાકિસ્તાનની જીત પર પાકિસ્તાન તરફની નારેબાજી કરનારા અને ભારતની હારનું જશ્ન મનાવનારા સામે યુપી પોલીસે કાર્યવાહી કરી છે. પોલીસે કડક કાર્યવાહી કરતાં પાંચ જીલ્લામાંથી 7 લોકોની ધરપકડ કરી છે અને ચારની અટકાયત કરી છે.
આવા લોકો સામે કાર્યવાહી અંગે યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે કહ્યું હતું કે, આ મેચમાં પાકિસ્તાનની જીતની ઉજવણી કરનારાઓ સામે દેશદ્રોહનો કેસ નોંધીને કાર્યવાહી કરવામાં આવશે.
આપને જણાવી દઇએ કે 24 ઑક્ટોબરના રોજ ભારત સામે પાકિસ્તાનની જીત બાદ દેશના અનેક ભાગોમાં લોકોએ પાકિસ્તાન તરફી નારેબાજી કરી હતી અને ફટાકડા પણ ફોડ્યા હતા.
ખાસ કરીને યુપીના બદાઉન, સીતાપુર અને આગ્રામમાં કેસ નોંધાયા હતા. ધરપકડ કરાયેલા આરોપીમાં એક બદાઉનનો રહેવાસી છે. 24 ઑક્ટોબરે તેણે પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ કરી હતી અને પાકિસ્તાનના ધ્વજનો ફોટો મૂકીને ઉજવણી કરી હતી.
તે ઉપરાંત બરેલીના પણ બે રહેવાસીઓએ પાકિસ્તાનના સમર્થનમાં તેમના વોટ્સએપ પર સ્ટેટસ મુકવાનો અને ફરિયાદી સાથે દુર્વ્યવહાર કરવાનો આરોપ છે. સીતાપુરમાં પણ પાકિસ્તાનના સમર્થનમાં વોટ્સએપ પર સ્ટેટસ મૂકવા બદલ તેની સામે FIR નોંધીને એક યુવકની ધરપકડ કરવામાં આવી હતી.