
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ આતંકીઓ કાશ્મીર પર ફરી કરી શકે નજર: કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડી. પી. પાંડે
- અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સૈન્યની વાપસી બાદ આતંકીઓ કાશ્મીર પર કરશે નજર
- કાશ્મીર ખાતે તૈનાત સેનાની 15મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડીપી પાંડેએ આ આશંકા વ્યક્ત કરી
- કાશ્મીરમાં સ્થિતિ હવે પહેલા જેવી નથી રહી
નવી દિલ્હી: અફઘાનિસ્તાન ખાતેથી અમેરિકી સેનાની વાપસી બાદ કેટલાક આતંકવાદીઓ કાશ્મીરમાં ઘૂસણખોરી કરી શકે છે તેવી આશંકા કાશ્મીર ખાતે તૈનાત સેનાની 15મી કોરના કમાન્ડર લેફ્ટિનન્ટ જનરલ ડીપી પાંડેએ વ્યક્ત કરી છે. જો કે તેમણે પ્રતિબદ્વતા વ્યક્ત કરતા કહ્યું છે કે, સેના કોઇ પણ દુસાહસનો સામનો કરવા માટે નિયંત્રણ રેખા અને આંતરિક વિસ્તારોમાં તૈનાત છે.
અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેના હટ્યા બાદ કાશ્મીરની સ્થિતિ અંગે તેમણે જણાવ્યું હતું કે, હા અફઘાનિસ્તાનમાંથી અમેરિકી સેનાની વાપસી બાદ કેટલાક આતંકીઓ કાશ્મીરમાં આવી શકે છે. જો કે ઘાટીની સ્થિતિ હવે 30 વર્ષ પહેલા હતી તેવી નથી રહી. પહેલા નાર્કો મોડ્યુઅલ અંતર્ગત ફક્ત પૈસા આવતા હતા પરંતુ હવે ડ્રગ્સ પણ આવી રહ્યું છે.
આ સાથે જ તેમને જમ્મુ કાશ્મીરના રાજનેતાઓ અને નવી દિલ્હી વચ્ચેની વર્તમાન વાતચીતની અસર કાશ્મીરની સુરક્ષા સ્થિતિ પર પડશે કે નહીં તેવો સવાલ પણ કરવામાં આવ્યો હતો. તેના જવાબમાં તેમણે સુરક્ષાની સ્થિતિ અને રાજનૈતિક પ્રક્રિયા બે અલગ અલગ વસ્તુઓ છે તેમ કહ્યું હતું.