
- લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં છે બેદરકાર
- માત્ર 11% લોકો સોશિયલ ડિસ્ટન્સિંગનું સંપૂર્ણ કરે છે પાલન
- 24 ટકા લોકો માસ્કનો ઉપયોગ જ નથી કરતા
નવી દિલ્હી: કોરોનાની બીજી લહેરનો હજુ સંપૂર્ણપણે અંત નથી આવ્યો તેમ છતાં લોકો કોવિડ પ્રોટોકોલનું પાલન કરવામાં બેદરકારીભર્યુ વલણ દર્શાવી રહ્યા છે અને મોટા ભાગના લોકો કોરોનાથી બચવા માટેના નિયમોનું પાલન નથી કરી રહ્યા. કોવિડ પ્રોટોકોલ સંદર્ભે એક સર્વે બહાર પાડવામાં આવ્યો છે જે અનુસાર 24 ટકા લોકો માસ્કનો ઉપયોગ જ નથી કરતા જ્યારે 45 ટકા લોકો એવા છે જે માસ્ક પહેરે તો છે પરંતુ યોગ્ય રીતે નથી પહેરતા. માત્ર 29 ટકા લોકો જ એવા છે જે માસ્કને યોગ્ય રીતે પહેરે છે.
સર્વે અનુસાર 63 ટકા લોકો એવા છે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન નથી કરતા અને 45 ટકા લોકો એવા છે જે મહદ્દઅશં પાલન કરે છે. માત્ર 11 ટકા લોકો જ એવા છે જે સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરી રહ્યા છે. વેક્સિનેશન સેન્ટરમાં પણ કોરોનાથી બચવા માટે યોગ્ય વર્તણૂક માત્ર 44 ટકા લોકો જ કરી રહ્યા છે. 6 ટકા લોકો સંપૂર્ણપણે પાલન નથી કરતા.
બીજી તરફ મુસાફરી દરમિયાન નિયમોના પાલન અંગે વાત કરીએ તો માત્ર 15 ટકા લોકો જ મુસાફરી દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે. 58 ટકા લોકો મહદ્દઅંશે તેનું પાલન કરે છે અને 25 ટકા લોકો બિલકુલ પાલન નથી કરી રહ્યાં.
નોંધનીય છે કે, માર્કેટમાં અને દેશના અનેક ભાગોમાં ફરીથી લોકોની ભીડભાડ જોઇને સ્વાસ્થ્ય મંત્રાલયે ચિંતા વ્યક્ત કરી હતી અને લોકો દ્વારા પ્રોટોકોલના સરેઆમ ઉલ્લંઘનને લઇને પણ ચેતવણી આપી હતી કે જો લોકો ગંભીરતા નહીં સમજે તો ફરીથી પ્રતિબંધો લાગૂ કરવાની નોબત આવશે.