આજે ત્રીજી ઑગસ્ટને રાષ્ટ્રીય અંગદાન દિવસ તરીકે મનાવાશે. અંગદાન ક્ષેત્રે અગ્રેસર ગુજરાતે અનેક સિદ્ધિ હાંસલ કરી છે. ગત સાત વર્ષમાં રાજ્યમાં 657 અંગદાતા તરફથી કુલ બે હજાર 39 અંગના દાન પ્રાપ્ત થયા છે. રાજ્યમાં અંગદાનથી એક હજાર 130 કિડની, 566 યકૃત, 147 હૃદય, 136 ફેફસાં, 31 હાથ, 19 સ્વાદુપિંડ અને 10 નાના આંતરડા પ્રાપ્ત થયા છે, જેના થકી હજારો લોકોને નવજીવન મળ્યું છે.
સરકારી હૉસ્પિટલ્સ ઉપરાંત સામાજિક સંસ્થાઓ અને માધ્યમોએ પણ જનજાગૃતિ અંગે મહત્વની ભૂમિકા ભજવી છે. તાજેતરમાં બીજી ઑગસ્ટે નવી દિલ્હી ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે. પી. નડ્ડાના હસ્તે ગુજરાતને અંગદાન અને પ્રત્યારોપણ ક્ષેત્રે શ્રેષ્ઠ કામગીરી બદલ ત્રણ-ત્રણ પુરસ્કાર એનાયત કરાયા છે.