
ભારત-મધ્ય એશિયા સમિટ, પીએમ મોદીએ કહ્યું – આગામી વર્ષો માટે મહત્વાકાંક્ષી વિઝનને વ્યાખ્યાયિત કરવું પડશે
નવી દિલ્હી: ગુરુવારે પ્રથમ ભારત-મધ્ય એશિયા સમિટનું આયોજન થયું હતું. પીએમ મોદીએ સમિટને સંબોધતા કહ્યું હતું કે, ભારત અને મધ્ય-એશિયાઇ દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો ફળદાયી 30 વર્ષ પૂર્ણ કરી ચૂક્યા છે. અમારા સહયોગે છેલ્લા ત્રણ દાયકામાં ઘણી સફળતાઓ પ્રાપ્ત કરી છે. હવે આ નિર્ણાયક તબક્કે, આપણે આવનારા વર્ષો માટે મહત્વાકાંક્ષી વિઝનને વ્યાખ્યાયિત કરવું જોઇએ. પ્રાદેશિક સુરક્ષા માટે આપણા બધાની સમાન ચિંતાઓ તેમજ ઉદ્દેશ્યો છે.
અફઘાનિસ્તાનના સંદર્ભમાં પ્રાદેશિક સુરક્ષા તેમજ સ્થિરતા માટે આપણો પારસ્પરિક સહયોગ વધુ મહત્વનો બન્યો છે. બીજો ઉદ્દેશ્ય આપણા સહયોગને વધુ અસરકારક માળખું આપવાનો છે. આ પ્રકારના સતત સંવાદ દ્વારા આપણે વિવિધ સ્તરે અને વિવિધ હિસ્સેદારો વચ્ચે મજબૂત માળખું સ્થાપિત કરશે. ત્રીજો ઉદ્દેશ્ય આપણા સહયોગ માટે મહત્વાકાંક્ષી રોડમેપ બનાવવાનો છે.
ભારતનો ઇરાદો મધ્ય-એશિયામાં ચીનની વધતી ગતિવિધિઓને રોકવાનો છે. તાજેતરમાં, ચીને આ ક્ષેત્રમાં સહાય તરીકે $ 500 મિલિયનની સહાય રકમ મોકલી છે. અત્યાર સુધી, ભારત-મધ્ય એશિયા સંવાદમાં વિદેશ મંત્રીઓના સ્તરે પાંચ દેશો સાથે ભારતની બેઠક વ્યવસ્થા છે.
નોંધનીય છે કે, ગયા મહિને, નવી દિલ્હીએ પણ આ ફોર્મેટ હેઠળ ત્રીજી બેઠકનું આયોજન કર્યું હતું. આ ઉપરાંત, નવેમ્બર 2021માં અફઘાનિસ્તાન પર દિલ્હી પ્રાદેશિક સુરક્ષા સંવાદમાં તમામ પાંચ મધ્ય એશિયાઈ દેશોના રાષ્ટ્રીય સુરક્ષા અધિકારીઓએ ભાગ લીધો હતો. જો કે કોરોનાનો ખતરો ના હોત, તો કઝાકિસ્તાન, કિર્ગીઝ રિપબ્લિક, તાજિકિસ્તાન, તુર્કમેનિસ્તાન અને ઉઝબેકિસ્તાનના રાષ્ટ્રપતિ પ્રજાસત્તાક દિવસની પરેડના મુખ્ય અતિથિ તરીકે ભારતમાં આવ્યા હોત.